માણસને જ્યારે આપણે ઓળખવા માંગતા હોઇએ તો હું બહુ ચોખ્ખા શબ્દોમાં કહેતો હોવ છું કે એની સાથે વાતચીત દરમ્યાન એ કેવા શબ્દો વાપરે છે અને કેવી રીતે વાપરે છે એના પરથી તરત ખ્યાલ આવી જાય કે માણસનું વ્યકિતત્વ કેવું છે. જરુરી નથી કે એ શુધ્ધ સાહિત્યિક શબ્દો જ હોય. તળપદા શબ્દોમાં પણ ઉચ્ચ પ્રકારની ખાનદાની હોય છે. જેમ કે બેટા અને દિકરા આ બે શબ્દો સાંભળો તો બોલનાર પ્રત્યે મમત્વ આપોઆપ ઉમટી પડે છે.
હેમશેખર શાહ પોતાના ‘વિસરાતી જતી ગુજરાતી ભાષા – અંગ્રેજી શિક્ષણની મર્યાદાઓ અને આડઅસરો’ પુસ્તકમાં લખે છે કે ગર્ભાવસ્થા દરમ્યાન બાળકનું સંપૂર્ણ શારીરિક બંધારણ ઘડાતું હોય છે, તેમ તેનું માનસિક બંધારણ પણ ઘડાતું હોય છે. તેના આ માનસિક બંધારણ ઉપર મોટે ભાગે તેની માતાના વર્તન, વ્યવહાર, જીવનશૈલી અને આસપાસના વાતાવરણનો ઘણો પ્રભાવ હોય છે. સંભાળતી ભાષા, ઉપરથી ભાષાને ઝીલવાની; સમજવાની, શીખવાની ક્ષમતા માનવ મસ્તિષ્કમાં છે. અને, આ ક્ષમતા બાળક ગર્ભમાં હોય ત્યારથી જ કાર્યરત થઈ જાય છે. બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળકનું મગજ કાને પડતી ભાષાને ગ્રહણ કરવામાં અત્યંત કુશળ બની જાય છે. બાળકને સાંભળવાની તકલીફ ન હોય તો તે સાંભળી સાંભળીને જ માતૃભાષા શીખી જાય છે. ગર્ભમાંથી જ બાળક માતાની ભાષા શીખવા લાગે છે, તેથી તે માતૃભાષા કહેવાય છે.
હવે તમને એમ થશે કે આજે ભાષાના મહત્વની વાત ક્યાંથી ઉપડી ? વિશ્વ માતૃભાષા દિવસ તો કે'દી નો ગયો. હવે એની મોકાણ કાં ? આજકાલ જ્યારે આપણે સોશ્યલ મીડીયા પર નજર નાંખીએ તો ખબર પડે કે ખરેખર આપણે કેવા પ્રકારની ભાષા વાપરતા કે વાંચતા થઈ ગયા છીએ. પોતાની દલીલ ધરાર સાચી છે એ કહેવા પહેલા લોકો ઘાંટો પાડતા પછી જીભાજોડી કરતા થયા અને હવે સીધી ગાળાગાળી અને હવે લગભગ મારામારી થી લઈને ખુનામરકી સુધી પંહોચુ પંહોચુ થઈ ગયા છે. અને શું લાગે છે ફેસબુક પર તમે જે કંઈ લખો છો તે શું ભારતના લોકો જ વાંચતા હશે ? જે વૈશ્વિક કંપનીઓ ભારતમાં ઇન્વેસ્ટ કરવા માંગતી હશે તે રીસર્ચ નહિ કરતી હોય ? અરે એ બધુ જવા દઈએ પણ વિદેશમાં રહેનારો કોઇ વિદેશી અપશબ્દથી મઢ્યો કેપ્શન સાથેનો ફોટો જુએ અને જે તે ભાષાથી હોવાને નાતે આપણને પુછે કે "આમાં શું લખ્યું છે ? તો કેવું જુઠું બોલવું પડે ? ભાષાની અદબ નથી જળવાતી એની પાછળનું કારણ શું ? માવતરના માવજતનો અભાવ કે શિક્ષણનો ? કેવા કેવા શબ્દો આજે વપરાતા જોવા મળે જે સાંભળીને કે વાંચીને આપણી જાત વિક્ષિપ્ત થઈ જાય. હદ તો હવે એ થઈ કે હવે પ્રાણીઓને પણ હિંસાનો ભોગ બનાવવામાં આવી રહ્યો છે જેની પાસે તો વિરોધ કરવા માટે ભાષા પણ નથી. મને પણ બીજા બધાની જેમ પ્રશ્ન મુંઝવતો કે માણસને ઓળખવા માટે કઈ ચાવી કામ લાગે ? તો જવાબ જડ્યો કે સામેવાળી વ્યકિત વાતચીત દરમ્યાન કેવા અને કેટલા શબ્દો વાપરે છે અને એમાં નિષ્ઠાનો રણકો કેવો અને કેટલો છે એના પરથી ખબર પડી જ જાય કે એ કેવી વ્યક્તિ છે અને એનું વ્યકિતત્વ કેવું છે. વાણી અને વર્તન વચ્ચે ભેદ પારખતા કોઇને વાર નથી લાગતી પણ તેમ છતાં ચલાવી લેવાની દાનત બધા જ રાખતા હોય છે.
ઘણા લોકો ખુબ મીઠા અને પ્રભાવક ભાષા વડે આપણને મોહી લેતા હોય છે. પણ યાદ રાખજો કહેવત છે કે જો લેખક લખતી વખતે રડ્યો હશે તો તમે વાંચતી વખતે અચુક રડશો. જે ભાષા હ્રદયથી નીકળી હોય એ આજીવન અકબંધ રીતે આપણી જાત સાથે વણાયેલી અને જડાયેલી રહે છે. ભાષામાં વિવેક અને વિનમ્રતા તો જળવાવી જ જોઇએ. આ તબક્કે મને અટલ બિહારી વાજપેઈ સાહેબ યાદ આવે છે જેમનું ભાષાકૌશલ સાંભળતા સાંભળતા મારું શાળાજીવન વીત્યું હતું. એકેય વખત મેં એમને એલફેલ શબ્દો બોલતા સાંભળ્યા નથી.
બળવંતરાય ક. ઠાકોરનો એક અંગ્રેજી પત્ર ગાંધીજીને મળેલો, તેના જવાબમાં ગાંધીજીએ તારીખ ૨૪-૦૭-૧૯૧૮ એ લખ્યું.
જ્યારે આપણી પાર્લામેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવાની હિલચાલ કરવી પડશે એમ હું જોઉં છું. બંને હિંદુસ્તાની એક જ ભાષા જાણતા હોવા છતાં એક માણસ બીજાને અંગ્રેજીમાં લખે, અથવા બીજા સાથે તે ભાષામાં બોલે તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરી સાથે સજા કરવામાં આવે. આવી કલમ વિશે તમારો અભિપ્રાય જણાવશોજી. અને સ્વરાજ મળ્યું નથી તે દરમિયાન જે ગુનો કરે તેને સારૂ શો ઈલાજ લેવો ઘટે તે પણ જણાવશો.
(અક્ષરનાદ.કોમ પરથી સાભાર)
No comments:
Post a Comment