Sunday, March 27, 2016

કોઇ પણ ખબર મળે તો એની પુરતી તપાસ કરો નહિતર ક્યાંક કોઇક દુર્ધટના ફેલાવવાની એક સાંકળ તમે પણ બની જશો.

મીડીયાને વાતે વાતે ભાંડવાની ફેશન ચાલી છે. અને આ બધાની વચ્ચે કેટલાક અવલોકનો વહેંચવા છે. ફેસબુક ટવીટર જેવા સોશ્યલ પ્લેટફોર્મનો કેવો દુરુપયોગ કરી શકાય  અને કેવી રીતે લોકોને ભ્રમિત કરી શકાય એના કેટલાક ઉદાહરણો આપવા છે.

૧. દિલ્હીના વિકાસપુરી વિસ્તારમાં 23 માર્ચના રોજ ડેન્ટિસ્ટ પંકજ નારંગની હત્યા થઈ અને લોકોએ એને બાંગ્લાદેશની હારનો બદ્લો ગણાવી બાંગ્લાદેશીઓએ ડોકટરની હત્યા કરી એવો મેસેજ ફરતો કર્યો. અને આ ફોટો ભારતીય જનતા પાર્ટીની વિજેતા મલિક  નામની હિસ્સારની સેવિકાએ ફેસબુક પર ફરતો કર્યો. અને એમણે આ ફોટા સાથે લખેલું લખાણ કોમી દંગલ જાળવી રાખવા પ્રેરે એવું છે. હવે આ જ ન્યુઝ બાબતે દિલ્લીના એડિશનલ ડીસીપી મોનિકા ભારદ્વાજ ટ્વિટ કરી લોકોને આ ઘટનાને સાંપ્રદાયિક રંગ ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. અને પછી આમ આદમી પાર્ટી વિરોધીઓ અને મોદી પ્રેમીઓ તુટી પડ્યા.મોનિકા ભારદ્વાજની ટ્વિટ પછી સોશિયલ મીડિયા યૂઝર્સે તેમને ટાર્ગેટ કરી હતી. ટીકાઓની સાથે અમુક યૂઝર્સે તેમને ગાળો આપતી ટ્વિટ પણ કરી હતી. સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાવવામાં આવી રહી હતી કે ડૉ. નારંગની હત્યા એક ધર્મના લોકોએ કરી હતી. આ મામલે મોનિકાએ ટ્વિટ કરી કહ્યું કે,‘9 આરોપીઓમાં 4 સગીર છે, આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ ન કરો અને શાંતિ જાળવી રાખો.’ મોનિકાએ પોતાની બીજી ટ્વિટમાં લખ્યું કે,‘ધરપકડ કરવામાં આવેલા 9 આરોપીઓમાંથી 5 હિંદુ છે, જ્યારે સૌપ્રથમ જે બે બાઈક સવારો સાથે ડોક્ટરની લડાઈ થઈ હતી તેમાં પણ એક હિંદુ હતો. ધરપકડ કરવામાં આવેલ મુસ્લિમ આરોપી યુપીનો છે બાંગ્લાદેશનો નહીં.’
ઘણાએ મોનિકા ભારદ્વાજના આ અપીલની પ્રશંસા કરી તો ઘણાએ ઉપેક્ષા સહિત એમને ગાળો પણ લખી. ( અને મન કી બાતમાં મોદીસાહેબે દિકરીઓને પોંખવાની વાતકરી હતી જેની સામે જ મોદીપ્રેમીઓ સ્ત્રીઓને અપમાનિત કરતા પણ ખચકાતા નથી.)

૨. કનૈયાકુમારની ટવીટ પર ઇન્ડિયન ક્રિકેટ ટીમના હાર્દિક પંડયાની કમેન્ટવાળો ફોટો સોશ્યલ મીડીયા પર ફરતો જોવા મળ્યો. ટવીટર પર તપાસ કરી તો ખબર પડી કે હાર્દિક પંડયાના નામનો એક ઓફિશિયલ એકાઉન્ટ છે અને બીજો ફેક. અને કનૈયાની ટવીટ પર ફેક એકાઉન્ટથી કમેન્ટ કરાઈ હતી. અને ઘણા લોકોએ આંખ મીંચીને આ ખોટો પ્રચાર કરી હાર્દિક પંડયાને પણ વગર લેવે દેવે રાજકારણમાં ખેંચી લીધો.

ટુંકમાં પોતાને ગમતું સત્ય જ સ્વીકારીને બીજાને ધમકાવીને પોતાનું પ્રિય સત્ય સ્વીકારવા ફરજ પાડતી આખી ટોળકી કામ કરતી જોવા મળે છે. અને આવા માહોલ વચ્ચે કોણ સાચું અને કોણ ખોટું તેની પણ મુંઝવણ થાય. નવાઈ એ લાગે છેં કે આવા પ્રકારની વાતો સામે કેમ કોઇ ફરિયાદ નથી કરતું. નવાઈ તો ત્યારે લાગે કે જ્યારે કેટલાક ભણેલા ગણેલા અક્કલમઠ્ઠાઓ પણ હિન્દુ-મુસ્લિમ કોમી તિરાડમાં વધારો કરતા જોવા મળે. વાતે વાતે દેશભકિત, રામરાજ્ય જેવા મુદ્દાઓ લાવી ભાજપ મોવડીમંડળ જનતાને એમના વિકાસના મુદ્દાઓથી ભ્રમિત કરી રહ્યુ છે. ડો. નારંગ નો મુદ્દો, કે ભારતનો ઓસ્ટ્રેલિયા સામે જીતનો મુદ્દો આવ્યો એટલે વિજય માલ્યાનો આખો કેસ કોરાણે મુકાય ગયો. અને સાહેબ કહે કે અમે પાઈ પાઈ વસુલીને રહીશું. અને જો ન વસુલી શક્યા તો ?

ટુંકમાં કહેવાનો તાત્પર્ય એટલો જ કે કોઇ પણ ખબર મળે તો એની પુરતી તપાસ કરો નહિતર ક્યાંક કોઇક દુર્ધટના ફેલાવવાની એક સાંકળ તમે પણ બની જશો.

हमारा युवा साहसिक हो, जहां कभी पैर नहीं रखा है, वहां पैर रखने का उसका मन होना चाहिए।-
-નરેન્દ્ર મોદી મન કી બાત ૨૭ માર્ચ ૨૦૧૬

સાહેબ યુવાનને તો ઘણું કરવું છે પણ તમે એને ભણતરનો પાયો તો વિનામુલ્યે આપો. શિક્ષણના વેપારીકરણનું કઈ કરશો તો અમે માનીશું કે તમોને વોટ આપ્યો તે લેખે લાગ્યો.


Saturday, March 19, 2016

આપણી સંવેદના, આપણું સત્ય, આપણી વિનમ્રતા, આપણો સોહાર્દ બધુ જ રાજકારણના રંગે રંગાયેલું છે ?

આજકાલ આપણા દેશમાં બે શબ્દોનો દે મારો ચાલે છે. એક તો દેશભક્તિ અને બીજુ દેશદ્રોહી. અને વચ્ચે વચ્ચે ટાપસી પુરવા જાણે આવતો હોય તેવો એક શબ્દ છે ગોભક્તિ. હંમણા ભારત પાકિસ્તાનની મેચ ચાલતી હતી ત્યાં ઇન્ડિયાથી એક મિત્રનો વોટસ અપ પર મેસેજ આવ્યો કે, " મૌકા મૌકા જે જાહેરાત આવે છે તેમાં કોઇ પાકિસ્તાની કલાકારને બદલે જેએનયુ ના કનૈયા, ઉમર ખાલિદ, અનિરબાન એ બધાને પાકિસ્તાનની ટીશર્ટ પહેરાવી આ જાહેરાત કરીએ તો કેવુ ? " બરાબર એ જ મેચ વખતે  થોડી વાર પછી બ્રેકિંગ ન્યુઝ આવ્યા કે, કારગીલ સેકટરમાં સૈનિકોના પોસ્ટ ખાતેથી એક સૈનિક હિમસ્ખલનમાં ગાયબ થયો છે. એ માટે શોધખોળ શરુ કરાઈ છે. પણ આ સમાચાર ન્યુઝ ચેનલોના માધ્યમથી ખબર પડી પણ ઉપર જણાવેલ મેસેજ મોકલનાર મિત્ર કે " રાહુલ ગાંધીનું પુતળુ  ડિઝનીલેન્ડમાં મુકાવાથી બાળકોમાં ખુશીની લહેર ફેલાઈ" એવા મેસેજ મોકલનાર પાસેથી આવા કોઇ મેસેજ નહિ આવ્યા.  આપણી સંવેદના, આપણું સત્ય, આપણી વિનમ્રતા, આપણો સોહાર્દ બધુ જ રાજકારણના રંગે રંગાયેલું છે ?

મને નવાઈ એ વાતે લાગે કે જે દેશની પ્રજા સરકાર વડે આપેલા રીપોર્ટ્સ વાંચવામાં પણ રસ લેતી નથી. તે કેવી રીતે દેશની સરકાર બેજવાબદાર છે એવી બુમરાડ મચાવી શકે ? બોલીવુડ કલાકારની વાળ કપાવવા કયા હજામ પાસે જાય છે કે એમના સંતાનો નવરા પડે તો શું કરે છે તે જાણવામાં રસ લેતી પ્રજા સરકારના કામની સમીક્ષા કરવા એના વાર્ષિક રિપોર્ટસનો અભ્યાસ જ ના કરે તો એ કેવી રીતે દેશભકિતની વાત કરી શકે ?મોટાભાગની પ્રજા  ચીલાચાલુ અથવા ઉત્તમ એવી બે પંક્તિની શાયરી કે સાવ ટુચકા જોક્સ કે એવા જ સાવ ટુંકા ગાળા માટેના વિડીયો આંખ મીંચીને શેર કરવામાં રસ ધરાવે છે. ખરેખર તો આપણી સરકારો જવાબદાર નથી બનતી કારણ કે એને એવા જવાબદાર નાગરિકો નથી મળ્યા. દરેક વિભાગના સરકારી રિપોર્ટસ યા તો પત્રકારો વાંચે છે ક્યાં તો એમાં રસ ધરાવીને ખણખોદ કરવા માંગતા લોકો. આમાં નાગરિકોને રસ કેટલો એ બાબતે તો સર્વે કરવા જેવુ છે. આપણી પ્રજા ૩૬૫ દિવસમાંથી એક ખાતાનો પણ સરકારી રિપોર્ટ વાંચવાની તસ્દી લેતી નથી. અને મોકાણ ઉભી કરીને મરવા તૈયાર થયા કે ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરો. જોકે મોટાભાગના ગોભક્તોને જો એક ઝાટકે પુછીએતો ખબર પણ નહિ હોય કે ભારતમાં ગાયોની કેટલી જાતિ છે. જેટલા લોકો ગાયમાતાની ચિંતા કરે છે એ લોકોને ચચરાવે એવું એક છોકરીએ બહુ સરસ લખ્યુ તેનો સાર કંઈક એવો છે,

" ગાયને તમે માતા કહો છો પણ એ દુધ આપી શકે ત્યાં સુધી જ પછીરઝળતી મુકી દો છો. (યાદ રહે ભારત માંસની નિકાસ કરવામાં વિશ્વમાં પ્રથમ નંબરે છે.) નદીઓને માતા કહીએ છીએ પણ એમાં પણ કચરો કેમીકલ ઠાલવતા કચવાતા નથી. અને ધરતીને પણ મા કહો છો પણ એના ટુકડા પાડીને અંદરોઅંદર લડો છો અને ક્યારેક તો તમે હત્યા કરવા પણ તૈયાર થઈ જાવ છો. " ટુંકમાં માતા કહેવાનું માત્ર તકલાદી છે.


રાષ્ટ્રીય કક્ષાની ચેનલ આજતક પર માર્ચમાં રજુ થયેલા વિશેષ કાર્યક્ર્મ અનુસાર,

  • દેશમાં ૩૬૦૦ જેટલા  લાયસન્સવાળા યાંત્રિક કતલખાના છે. અને એમાં ગેરકાયદેસર અને ખાનગી રાહે ચાલતા કતલખાનાની વાત કરીએ તો આંકડો ૪૦૦૦૦ ને પાર કરી જાય છે.
  • પશુધનની સંખ્યા ઘટી રહી છે અને કમાણી ૨૦૦૦૦ કરોડને પાર કરી ગઈ છે. 
  • ગૌસંવર્ધન અને સંરક્ષણ માટે ભાજપના ચુંટણી ઢંઢેરામાં જે સંકલ્પની વાત થઈ તે ૨૦૧૪ પછી ક્યાંય નક્કર રીતે જોવા નથી મળતી.
  • મટન નિર્યાત પર ઇન્કમ ટૅક્સની છુટ પણ સરકાર જ આપે છે. 


ખુદ રાજયસભા ટીવીનો ૨૦૧૪માં રજુ થયેલો સ્પેશ્યલ ડોક્યુમેન્ટરી રિપોર્ટ કહે છે કે જે સરકારી હોવાને નાતે માત્ર બફેલો મીટના જ નિર્યાતના આંકડા આપે છે. તે મુજબ,૨૦૧૦માં ભારતે ૯૧૭ મેટ્રિક ટન, ૨૦૧૧માં ૧૨૬૮ મેટ્રિક ટન, ૨૦૧૨માં ૧૪૧૧ મેટ્રિક ટન તો ૨૦૧૩માં ૧૭૬૫ મેટ્રિક ટન પંહોચી ગયું અને નિર્યાત સલાહકારના અપાયેલા ઇન્ટર્વ્યુ પ્રમાણે આ આંકડો ડબલ કરવાની ખેવના સરકાર ધરાવે છે. વૈશ્વિક કક્ષાએ બીફના નિર્યાતમાં ભારતની હિસ્સેદારી ૨૦૧૧માં ૧૧ ટકાથી વધી આજે ૨૦૧૫માં ૨૦ ટકા પર પંહોચી છે.  વિશ્વના કુલ પશુધનમાં ૫૮ ટકા તો ખાલી ભારત પાસે છે અને રિપોર્ટ એમ પણ ઉમેરે છે કે પ્રાદેશિક કક્ષાએ બીફનો ઉપયોગ મર્યાદિત છે. આ આખાય વિડીયોની લિંક આ લેખ સાથે અંતમાં આપેલ છે. ટુંકમાં ગાય અને ભેંસ બંન્નેમાં પણ ભેંસ, બકરી કે મરઘીઓને મારીએ તો વાંધો નહિ પણ ગાયની કતલ તો ના જ કરાય એવો ભેદભાવ તો અંહિ પણ પ્રવર્તે છે.


લોકસભાની ચુંટણી પહેલા જે મોદીસાહેબ ગોવધના મુદ્દા પર આક્ર્મક બની કહેતા હતા કે આ યુપીએ સરકાર પિન્ક રિવોલ્યુશન લાવવા માંગે છે. એટલે ગોમાંસની નિકાસ વધારવા માંગે છે. તે જ મોદીસાહેબ સત્તામાં હોવા છતાં એકેય કતલખાનાનાં લાયસન્સ રદ્દ કર્યાની કોઇ ખબર પડી નથી. અને એમની સરકારને આ મુદ્દે કશું નક્કર કરવામાં રસ હશે કે કેમ તે પણ મોટો સવાલ છે.  સુરતમાં એક જાણીતા ઝવેરીએ ગાય પાળી કારણ કે તેઓ ગૌપ્રેમી છે અને રોજ સવારે બે ગાયો સાથે પરિવારના સભ્યો ચાલવા નીકળે છે અને ઘરે તબેલો પણ બંધાવ્યો છે જે વંદનીય છે. આવા ન્યુઝ જવલ્લે જ સાંભળવા મળે છે. પણ રખડતી ગાયોને એમના માલિકો પાસે પરત લઈ જઈને એ પશુમાલિકોને પોતાની ગાયોની કાળજી લેવા ખખડાવતો એકેય જીવદયાપ્રેમી જોયો નથી. અને એ જીવદયા પ્રેમી ની જીવદયા ત્યારે જ જાગૃત  થશે જ્યારે પશુધનની કતલ થશે અને એની ટ્રક ભરાઈને જતી હશે.

થોડી નવરાશ મળે તો મોદીપ્રેમીઓ અને પપ્પુ ધિક્કારીઓ અને દેશપ્રેમીઓ જાવેદ અખ્તર સાહેબની રાજ્યસભાથી વિદાય વખતની આખી સ્પીચ સાંભળશો. દેશનું ભલું થશે.

-સહુના મનનો મીત
ન્યુઝીલેન્ડ.






બીફ નિકાસમાં નંબર વન હોવાની માહિતી માટેનો સંદર્ભ.
https://www.youtube.com/watch?v=nhVd0-CPWk0
http://beef2live.com/story-world-beef-exports-ranking-countries-0-106903
https://www.youtube.com/watch?v=6n6WTwOsG-A

ગાય લઈને ફરવા નીકળતા સુરતીની વાત માટેની લિંક.
http://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-MAT-latest-surat-news-035008-1317326-NOR.html

Tuesday, March 15, 2016

જો લેખક લખતી વખતે રડ્યો હશે તો તમે વાંચતી વખતે અચુક રડશો.

માણસને જ્યારે આપણે ઓળખવા માંગતા હોઇએ તો હું બહુ ચોખ્ખા શબ્દોમાં કહેતો હોવ છું કે એની સાથે વાતચીત દરમ્યાન એ કેવા શબ્દો વાપરે છે અને કેવી રીતે વાપરે છે એના પરથી તરત ખ્યાલ આવી જાય કે માણસનું વ્યકિતત્વ કેવું છે. જરુરી નથી કે એ શુધ્ધ સાહિત્યિક શબ્દો જ હોય. તળપદા શબ્દોમાં પણ ઉચ્ચ પ્રકારની ખાનદાની હોય છે. જેમ કે બેટા અને દિકરા આ બે શબ્દો સાંભળો તો બોલનાર પ્રત્યે મમત્વ આપોઆપ ઉમટી પડે છે. 

હેમશેખર શાહ પોતાના ‘વિસરાતી જતી ગુજરાતી ભાષા – અંગ્રેજી શિક્ષણની મર્યાદાઓ અને આડઅસરો’ પુસ્તકમાં લખે છે કે ગર્ભાવસ્થા દરમ્યાન બાળકનું સંપૂર્ણ શારીરિક બંધારણ ઘડાતું હોય છે, તેમ તેનું માનસિક બંધારણ પણ ઘડાતું હોય છે. તેના આ માનસિક બંધારણ ઉપર મોટે ભાગે તેની માતાના વર્તન, વ્યવહાર, જીવનશૈલી અને આસપાસના વાતાવરણનો ઘણો પ્રભાવ હોય છે. સંભાળતી ભાષા, ઉપરથી ભાષાને ઝીલવાની; સમજવાની, શીખવાની ક્ષમતા માનવ મસ્તિષ્કમાં છે. અને, આ ક્ષમતા બાળક ગર્ભમાં હોય ત્યારથી જ કાર્યરત થઈ જાય છે. બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળકનું મગજ કાને પડતી ભાષાને ગ્રહણ કરવામાં અત્યંત કુશળ બની જાય છે. બાળકને સાંભળવાની તકલીફ ન હોય તો તે સાંભળી સાંભળીને જ માતૃભાષા શીખી જાય છે. ગર્ભમાંથી જ બાળક માતાની ભાષા શીખવા લાગે છે, તેથી તે માતૃભાષા કહેવાય છે. 

હવે તમને એમ થશે કે આજે ભાષાના મહત્વની વાત ક્યાંથી ઉપડી ? વિશ્વ માતૃભાષા દિવસ તો કે'દી નો ગયો. હવે એની મોકાણ કાં ? આજકાલ જ્યારે આપણે સોશ્યલ મીડીયા પર નજર નાંખીએ તો ખબર પડે કે ખરેખર આપણે કેવા પ્રકારની ભાષા વાપરતા કે વાંચતા થઈ ગયા છીએ. પોતાની દલીલ ધરાર સાચી છે એ કહેવા પહેલા લોકો ઘાંટો પાડતા પછી જીભાજોડી કરતા થયા અને હવે સીધી ગાળાગાળી અને હવે લગભગ મારામારી થી લઈને ખુનામરકી સુધી પંહોચુ પંહોચુ થઈ ગયા છે. અને શું લાગે છે ફેસબુક પર તમે જે કંઈ લખો છો તે શું ભારતના લોકો જ વાંચતા હશે ? જે વૈશ્વિક કંપનીઓ ભારતમાં ઇન્વેસ્ટ કરવા માંગતી હશે તે રીસર્ચ નહિ કરતી હોય ? અરે એ બધુ જવા દઈએ પણ વિદેશમાં રહેનારો કોઇ વિદેશી અપશબ્દથી મઢ્યો કેપ્શન સાથેનો ફોટો જુએ અને જે તે ભાષાથી હોવાને નાતે આપણને પુછે કે "આમાં શું લખ્યું છે ? તો કેવું જુઠું બોલવું પડે ? ભાષાની અદબ નથી જળવાતી એની પાછળનું કારણ શું ? માવતરના માવજતનો અભાવ કે શિક્ષણનો ? કેવા કેવા શબ્દો આજે વપરાતા જોવા મળે જે સાંભળીને કે વાંચીને આપણી જાત વિક્ષિપ્ત થઈ જાય. હદ તો હવે એ થઈ કે હવે પ્રાણીઓને પણ હિંસાનો ભોગ બનાવવામાં આવી રહ્યો છે જેની પાસે તો વિરોધ કરવા માટે ભાષા પણ નથી. મને પણ બીજા બધાની જેમ પ્રશ્ન મુંઝવતો કે માણસને ઓળખવા માટે કઈ ચાવી કામ લાગે ? તો જવાબ જડ્યો કે સામેવાળી વ્યકિત વાતચીત દરમ્યાન કેવા અને કેટલા શબ્દો વાપરે છે અને એમાં નિષ્ઠાનો રણકો કેવો અને કેટલો છે એના પરથી ખબર પડી જ જાય કે એ કેવી વ્યક્તિ છે અને એનું વ્યકિતત્વ કેવું છે. વાણી અને વર્તન વચ્ચે ભેદ પારખતા કોઇને વાર નથી લાગતી પણ તેમ છતાં ચલાવી લેવાની દાનત બધા જ રાખતા હોય છે. 

ઘણા લોકો ખુબ મીઠા અને પ્રભાવક ભાષા વડે આપણને મોહી લેતા હોય છે. પણ યાદ રાખજો કહેવત છે કે જો લેખક લખતી વખતે રડ્યો હશે તો તમે વાંચતી વખતે અચુક રડશો. જે ભાષા હ્રદયથી નીકળી હોય એ આજીવન અકબંધ રીતે આપણી જાત સાથે વણાયેલી અને જડાયેલી રહે છે. ભાષામાં વિવેક અને વિનમ્રતા તો જળવાવી જ જોઇએ. આ તબક્કે મને અટલ બિહારી વાજપેઈ  સાહેબ યાદ આવે છે જેમનું ભાષાકૌશલ સાંભળતા સાંભળતા મારું શાળાજીવન વીત્યું હતું. એકેય વખત મેં એમને એલફેલ શબ્દો બોલતા સાંભળ્યા નથી.

બળવંતરાય ક. ઠાકોરનો એક અંગ્રેજી પત્ર ગાંધીજીને મળેલો, તેના જવાબમાં ગાંધીજીએ તારીખ ૨૪-૦૭-૧૯૧૮ એ લખ્યું.

જ્યારે આપણી પાર્લામેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવાની હિલચાલ કરવી પડશે એમ હું જોઉં છું. બંને હિંદુસ્તાની એક જ ભાષા જાણતા હોવા છતાં એક માણસ બીજાને અંગ્રેજીમાં લખે, અથવા બીજા સાથે તે ભાષામાં બોલે તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરી સાથે સજા કરવામાં આવે. આવી કલમ વિશે તમારો અભિપ્રાય જણાવશોજી. અને સ્વરાજ મળ્યું નથી તે દરમિયાન જે ગુનો કરે તેને સારૂ શો ઈલાજ લેવો ઘટે તે પણ જણાવશો.
(અક્ષરનાદ.કોમ પરથી સાભાર)



 





 

Tuesday, March 8, 2016

સહિષ્ણુતા એ નવી અસહિષ્ણુતા છે ?

ટેલીગ્રાફ ઇન્ડિયા દ્વારા કોલકત્તામાં થયેલા ડિબેટમાં નેતા-અભિનેતાઓ વચ્ચે  "સહિષ્ણુતા એ નવી અસહિષ્ણુતા છે" એ વિષય પર ટપાટપીના વિડીયો ફરતા થયા. અલબત્ત અનુપમ ખેર ખુબ વરસ્યાં અને એમનો જ વિડીયો ફરતો પણ થયો અને એના કારણે ઘણાને તો ખબર પડી કે આવી કોઇ ડિબેટ પણ યોજાઈ હતી. જોકે અનુપમ ખેરના ભાષણમાં લોકોને રસ એટલા માટે પડ્યો કારણ કે એમા નરેન્દ્ર મોદીના વખાણ અને રાહુલ ગાંધીની મશ્કરી હતી.(રાહુલ ગાંધીવાળી વાત જોડે હું પણ આંશિક રીતે સંમત છું.શ્રી નરેન્દ્ર મોદીની તુલનામાં રાહુલ ગાંધી જોજનો દુર છે.)  દિલ્લીમાં રહેવા છતાં રાહુલ ગાંધી માટે દિલ્લી હજી દુર છે. સાંસદ તરીકેની પરિપકવતા જ્યા સુધી રાહુલ ગાંધી તરફથી લોકો નહિ અનુભવે ત્યાં સુધી પ્રધાનમંત્રી બનવું એ રાહુલ ગાંધી માટે મુંગેરીલાલના સપના જેવું જ રહેશે.  અનુપમ ખેરની સ્પીચ લોકોને ગમવાનું કારણ  એ કે એક  તો વિષય વસ્તુમાં નરેન્દ્ર મોદી અને બીજુ જાણે મોદી સાહેબ પાસે એકલવ્ય બનીને ટ્યુશન લીધું હોય એવી અભિનય સહિતની વાકછટા. અનુપમ ખેરે એ કહ્યુ કે મોદીસાહેબે બે વર્ષના શાસનકાળમાં એકેય દિવસ રજા લીધી નથી અને એમને પાંચ વર્ષ સુધી કામ તો કરવા દો. દેશ-વિદેશ ફરીને તેઓ આઈડીયા ઓફ ઇન્ડિયાનો સંદેશો પંહોચાડી રહ્યા છે અને વિરોધ પક્ષ સત્તા જવાથી ગિન્નાય ને એમની પાછળ પડ્યો છે. અનુપમ ખેરની સાથે કોંગ્રેસના રણદીપ સુરજેવાલના આખાય ભાષણનો સાર એટલો કે "અમને ભુંડા કહેવા પહેલા તમે તમારી જાત જુઓ ". સુપ્રીમ કોર્ટના ભુતપુર્વ જજ એવા જસ્ટિસ ગાંગુલીએ કરેલી દલીલો સામે અનુપમ ખેર જે હિસાબે  વ્યકિતગત રીતે એમના પર વરસ્યા એ જ  અસહિષ્ણુતાની નિશાની છે. જોકે જસ્ટિસ ગાંગુલીની અફઝલ ગુરુ માટે કરેલા વાણી વિલાસ સિવાય એમણે દેશદ્રોહી માટેની કાયદાની ચાબુકનો સત્તાધારીઓ વડે પસંદગી મુજબ થતાં દુરુપયોગની વાત વાજબી લાગી. અને અભિનેતા સુહેલ શેઠની વાત કરીએ તો એમણે પણ નકરો મુર્ખાઓની જેમ વાણી વિલાસ કરતા નેતાઓને મુર્ખા કહીને કહ્યુ કે, " જે લોકોને ભારતીય સંસ્કૃતિ વિશે માહિતી છે તેઓ પાસે સત્તા નથી અને જેમની પાસે સત્તા છે તેઓ પાસે ભારતીય સંસ્કૃતિ વિશે માહિતી નથી. " પણ આ બધાની વચ્ચે બરખા દત્તની સ્પીચ ભાગ્યે જ કોઇએ શેર કરી જે વાસ્તવવાદી અને તથ્યાત્મક હતી. બરખા દત્ત પ્રત્યે મને કોઇ જ પક્ષપાત નથી. પણ મંચ પર અપાયેલી એમની સ્પીચને મારો પૂરેપુરો ટેકો છે.

બરખા દત્તે જે વાત કરી એમાં વર્તમાન સરકારના બેવડાં ધોરણો ખુલ્લા પાડ્યા.
જેમકે ૧. જયલલિતા સાથે ગઠબંધન કરવા રાજી બીજેપીને જયલલિતાએ રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મુકવા માટૅ ઓર્ડર પસાર કર્યો કે એમને છોડી મુકવા જોઇએ. ૨. પ્રકાશ સિંહ બાદલ કે જેઓ પંજાબના મુખ્યમંત્રી છે એમણે વારંવાર પત્રો લખ્યા કેન્દ્ર સરકારને કે બલવંત સિંઘ રાજુઆના કે જે પંજાબના ભુતપુર્વ મુખ્યમંત્રી બિન્ટ સિંધની હત્યાનો દોષી છે તો દેવિન્દર પાલ સિંઘ ભુલ્લર કે જે ૧૯૯૩ના દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અપરાધી છે જેની મૃત્યુદંડની સજા સુપ્રીમ કોર્ટે બાદમાં જનમટીપમાં ફેરવી હતી એ બન્નેને  છોડી દેવાની વાત કરી.  અને રાજનાથ સિંહ એમની વિનંતીને ધ્યાન પર લેવાની વાત પણ કરે છે.

૩. મુફતી મોહમ્મદ સઈદએ પોતે અફઝલ ગુરુની ફાંસીનો વિરોધ કરેલો.અને છતાં બીજેપી એમની સાથે સરકાર રચવા થનગને છે. બીજેપી અને પીડીપીના ગઠબંધનમાં  હુરિયત કે જે અલગાવવાદી જુથ છે એની સાથે સંવાદ કરવાનો પણ વાયદો અપાયો છે. દેશની નામદાર કોર્ટોએ જેમને ગુન્હેગાર ઠેરવીને સજા સંભળાવી છે એ લોકોનો પક્ષ રાખનારા જો દેશદ્રોહી નથી તો કનૈયા કેવી રીતે દેશદ્રોહી હોય શકે જ્યારે એની સામે દેશદ્રોહી હોવાના કોઇ પુરાવા નથી. બરખા માત્ર ભાજપને જ અડફેટૅ નથી લેતી પણ કોંગ્રેસને પણ અડફેટૅ લેતા લેતા ઉમેરે છે કે જે હિસાબે સેક્યુલેરીઝમને બધી પાર્ટીઓએ અભવડાવ્યો એ જ રીતે હવે રાષ્ટ્રવાદને પણ અભડાવવા બેઠા છે.

પ્રખર પત્રકાર નગીનદાસ સંઘવી બહુ જ સચોટ રીતે કહે છે કે ,"નેહરુ યુનિવર્સિટીની ઘટના આરોપીને અદાલતમાં હાજર કરવામાં આવે ત્યારે તેની, તેના સાથીઓની અને તેના ટેકેદારોની મારપીટ કરનાર લોકો દેશભક્તિનો દાવો કરે છે, પણ દેશના દુશ્મન તરીકે વર્તે છે. તેમણે કનૈયા કુમાર પર કરેલા હુમલાથી દેશની આબરૂને બટ્ટો લાગ્યો છે. સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરુ અને આરોપીઓની મારપીટ કરનાર લોકોની મનોવૃત્તિ એકસરખી જ છે. પોતાને અણગમતી બાબત, અણગમતી સંસ્થા, અણગમતા માણસોને જોરતલબીથી ખતમ કરવાની ઝનૂની જંગાલિયત આ બંનેનો સમાન ગુણ છે.કનૈયા કુમારને ટીપી નાખનાર લોકો વખત આવે ત્યારે બાબરી મસ્જિદ તોડી નાખશે અથવા પેશાવરની બુદ્ધ મૂર્તિઓ ભાગી નાખશે અને ગાંધીને પણ મારી નાખશે. ઝનૂન બંદૂકની ગોળી કરતાં પણ વધારે ખતરનાક છે. બંદૂકની ગોળી જેની સામે તાકવામાં આવી હોય તેનો જ જીવ લે છે. ઝનૂન આખા સમાજને, સમાજની મોંઘા મૂલની વિરાસતને ખતમ કરી નાખે છે. ઝનૂનમાં કશી મર્દાનગી નથી અને ટોળાબાજી તે કાયરતાની નિશાની છે.જેએનયુના વિદ્યાર્થીઓ ભારતના નાગરિક તરીકે વાણી સ્વાતંત્ર્યના હકદાર છે અને અફઝલ ગુરુ અંગે પોતાનો મત પ્રગટ કરવાનો અધિકાર તેમણે વાપર્યો છે. તેમની સામે પગલાં ભરનાર પોલીસ અને ભારત સરકાર લોકશાહીનો પાયો ખોદી રહ્યા છે, કારણ કે કોઈ લોકશાહી વાણી સ્વાતંત્ર્યના વપરાશ વગર જીવી શકે નહીં.આમજનતા મન ફાવે તેવા વિચારો ખુલ્લી રીતે દર્શાવી શકે છે કે નહીં તે લોકશાહીની હયાતી માપવા માટેની પારાશીશી છે, પણ આ વાત પૂરેપૂરી સાચી નથી. મન ફાવે તેવું કરવાની, બોલવાની છૂટ તે સ્વાતંત્ર્ય નથી. સ્વચ્છંદતા છે. વાણી સ્વાતંત્ર્યની કોઈ વ્યક્તિને કે સમાજને નુકસાન થાય અથવા તેનું જીવતર જોખમમાં આવી પડે તેવું બોલવાની કે તેવી રીતે વર્તન કરવાની છૂટ કોઈ પણ સમાજ આપી શકે નહીં અને દુનિયાની કોઈ લોકશાહી આપતી નથી."

કાના બાંટવા જેવા પ્રખર પત્રકાર પણ નોંધે છે કે," જે અમારી તરફ નથી તે વિરુદ્ધમાં છે, દુશ્મન છે એવું સાબિત કરી દેવાની ભાજપની જૂની રણનીતિ રહી છે.એટલે જ જેએનયુ, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રદ્રોહ, આતંકવાદી તરફી, મહિષાસુર, અભિવ્યક્તિ સ્વાતંત્રય વગેરે મુદ્દાઓને પરાણે ચલાવી રહ્યો છે. ધ્રુવીકરણ માટેની આ યોજનાઓ છે. ગુજરાતમાં શું થઈ રહ્યું છે? પાટીદારોનું આંદોલન શું છે? આ આંદોલનનાં રાજકીય પરિમાણ જોઈએ તો તે ધ્રુવીકરણની રણનીતિ માત્ર છે. સમાજ બે ભાગમાં ધ્રુવીકૃત થઈ રહ્યો છે. ૧, પાટીદાર અને ૨. પાટીદાર વિરુદ્ધનાઓ. પ્રશ્ન થશે કે આવું કરવાથી ફાયદો શું? ફાયદો એ છે કે ગુજરાતના રાજકારણમાં પાટીદારોનો પ્રભાવ ઘટાડી શકાય."

મૂળ મુદ્દાઓ ભુલાવીને ભલતે રસ્તે જનતાને ભેરવી રાખવાની દાનત દરેક પાર્ટીની જોવા મળે છે. હંમણાથી મોદીસાહેબને ૨૦૧૯ની ચુંટણી જીતાડવાની કવાયત શરુ થઈ છે. બાંગલાદેશ હારે તો મમતા બેનરજીના ઉદાસીવાળો ફોટો ફરતો થાય. કારણ કે બંગાળમાં ઇલેકશન છે. લેફટ સમર્થક કનૈયાને વિલન તરીકે જોવામાં આવે અને એને કેન્દ્રમાં રાખી દેશપ્રેમની અને દેશદ્રોહીની આગ એટલા માટે દઝાડવામાં આવે કારણ કે લેફટવાળાઓનું ખુબ ઉપજે એવા પ્રદેશોમાં પણ ઇલેક્શન છે.મોદીસાહેબ વડાપ્રધાન તરીકેની એનર્જી જ્યારે પોતાની પાર્ટી ભાજપ માટે વાપરવાનું શરુ કરે ત્યારે જ ભવાડા શરુ થાય છે. પેલા પપ્પુને ખરા અને મૂળ મુદ્દાવાળા સવાલો પુછતા નથી આવડતું અને કજીયાખોર બાઈ જેવા નાના નાના મુદ્દે લડવા બેસે છે.તો મોદીસાહેબની ટીમના મેમ્બર કંઈ પણ લવારો કરતા જોવા મળે. મોદીસાહેબની સરકારનો મોટો વાંધો એ છે કે તે હંમણાથી જ ૨૦૧૯ની ચુંટણીની તૈયારીમાં પડી ગઈ છે. અને એમની સરકારની હાલ સુધીમાં જો કોઇ સર્વશ્રેષ્ઠ સિધ્ધિ હોય તો એ છે કે ભ્રષ્ટાચારનો એકેય કિસ્સો બે વર્ષમાં નોંધાયો નથી.



Tuesday, March 1, 2016

વિકાસના નામે ગુજરાતના શિક્ષણમાં તો ઘણુ બધુ પોલંમપોલ જ છે.

પુર્વભુમિકા-


મોદીસાહેબની મધમીઠી ભાષાના તમામ પ્રેમીઓને સપ્રેમ.

વાસ્તવિકતાને ભુલીને જે મુર્ખના સરદારો માત્ર આંધળો સપોર્ટ કરે છે તેઓ આ લેખ વાંચીને શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી ધંધાદારી વિશે શું કહેશે ? શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભુત જરુરિયાતો ના સંતોષી શકતી સરકાર વિકાસના બણગાં ફુંકે તે કેટલું બધુ હાસ્યાસ્પ્રદ છે.  યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન વડે પસંદગી પામેલી યુનિવર્સિટી વિથ પોન્ટેન્શિયલ ફોર એક્સેલેન્સની ૧૫ યુનિવર્સિટીઓની યાદીમાં ગુજરાતની એક પણ નથી. શિક્ષણ બાબતે મોદી સરકારે નકરી કમાણી કરતી ધંધાદારી શૈક્ષણિક સંસ્થાઓ જ પાંગરવા દીધી છે.પછી ક્યાંથી એક્સેલેન્સવાળુ શિક્ષણ મળે કે એવી સંસ્થા વિકસે ? સરકારી યુનિવર્સિટીમાં સીટો જ એટલી મર્યાદિત રાખવાની કે ખાનગી સંસ્થાઓમાં વિધાર્થીઓએ જખ મરાઈને જવુ પડે.

 મૂળ મુદ્દાઓ ભુલાવીને બસ આંજી નાંખે એવા સપના બતાવનારા મોદીજીને શિક્ષણના ખાનગીકરણ માટે એક આખી પેઢી માફ નહિ કરે. અને આ તો માત્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું જ ઉદાહરણ છે.બીજા તો ઘણા હશે. અને હા મહેરબાની કરી મને દેશદ્રોહીના કહેશો. પૈસાના અભાવે શિક્ષણથી વંચિત રહી જનારા ઘણા વિધાર્થીઓ જોયા છે. અને ૧૦૦૦ રુપિયા જેટલી ફીસ ભરવા કેટકેટલાના દ્વારે જઈ વિનંતીઓ કરી છે એ તો મારુ મન જ જાણે છે.

ફરી કહું છું કે ગુજરાતનો વિકાસ એ ગુજરાતીઓએ કરેલો વિકાસ છે એનું ક્રેડિટ મોદીસાહેબને આપીને ખરેખર તો ગુજરાતી પ્રજા પોતાની ઉચ્ચ ખાનદાનીનો પરચો આપે છે. અને મોદીસાહેબ એ ક્રેડિટ સ્વીકારીને પાક્કા રાજકારણી તરીકેનો પરચો આપતા રહ્યા છે. ક્યાં ગઈ વાંચે ગુજરાત યોજના, ક્યાં પંહોચ્યુ કલ્પસર યોજનાનું કામ ? મેક ઇન ઇન્ડિયાની વાતો કરવાની ને એનો લોગો બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ વિદેશની કંપનીઓને આપવાનો ? ઘરના ઘંટી ચાટે ને પાડોશીને આટો ?  મોદી સાહેબ નેતા તરીકે મને પણ વ્હાલા છે પણ એમના કામની પણ  સમીક્ષા થવી જ જોઇએ.


ભારત સરકારે વર્ષ ૨૦૧૬-૧૭ માટેનું પોતાનું બજેટ રજુ કર્યુ જે કૃષિ ક્ષેત્રને સમર્પિત છે. દર વર્ષની જેમ હિસાબી આંકડાઓ અને વાણિજ્યિક શબ્દોના માર વચ્ચે સામાન્ય માણસ માત્ર એટલું જ સમજી શકે કે શું મોંઘુ થશે અને શું સસ્તું અને આપણી વાર્ષિક આવક પર કેટલો ટેક્સ લાગશે. કલ્યાણની વાતો આવે અને જતી રહે પણ કલ્યાણ ક્યાંય થતું દેખાય જ નહિ. રેલ્વે બજેટ અને વાણિજ્યિક બજેટને સામાન્ય માણસ એક જ માપદંડથી સમજે છે કે આ બજેટ થકી શું સસ્તું થશે અને શું મોંઘુ થશે. પણ વાસ્તિવકતાની ધરી પર ચકાસીએ તો કેટલાક તથ્યો ચોંકાવનારા છે.

જેમ કે ભારતના ખેડુતની સરેરાશ દૈનિક આવક ૬૬ રુપિયા છે અને સરકાર એને ડબલ કરવા માંગે છે એટલે કે ૧૨૨ રુપિયા પ્રતિદિન. ૧૧ કરોડ હેક્ટર જેટલી પડતર જમીનમાંથી ૨૮.૫ લાખ હેકટર જમીન પર સિંચાઈ શરુ કરવાની ખેવના છે.મનરેગા માટે ૩૬,૫૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે તે પણ કુવા અને તળાવો ખોદવામાં જ વપરાશે.દેશના ૬૮૮ જિલ્લાઓ વાળા ભારત દેશમાં ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં ડાયાલિસીસની સુવિધા શરુ કરાશે. બાકી બધી સવલતો ? ૬ લાખ ૧૫ હજાર જેટલા ગામડાવાળા ભારતમાં માત્ર ૩૦૦૦ જેટલી સસ્તી દવાની દુકાનો ખુલશે. દેશની ૧૬ કરોડ હેકટર જમીનમાંથી માત્ર ૫.૫ કરોડ હેકટર જમીન પર જ સિંચાઈ થાય છે.અને બદતર હાલત કોને કહેવાય તે જુઓ કે ૭૦ ટકા જેટલા ભારતીય ખેડુતો માટે તારણહાર માત્ર હજી ઇન્દ્રદેવ જ છે.આ તો  આજ તક  ન્યુઝ ચેનલએ દર્શાવેલા આંકડા છે. માની લઈએ કે એ લોકો મોદી સરકાર વિરુધ્ધ છે એટલે તેઓ આવી દલીલો કરે છે. તો હવે મારા વડે કરાયેલા નિરીક્ષણની નોંધ લઈ વાસ્તવિકતાને સ્વીકારવાની મહેરબાની પણ કરશો.

પણ દરેક બજેટમાં મારી નજર જે ત્રણ બાબતો પર હોય છે તે છે શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા.

શિક્ષણની વાત કરીએ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને જો ઉદાહરણ રુપે લઈએ તો એની વેબસાઈટ પર આપેલા આંકડા પ્રમાણે  સરકારી ગ્રાન્ટ પર નભતી લગભગ ૮૨ જેટલી કોલેજો છે જ્યારે સેલ્ફ ફાયનાન્સની સંખ્યા ૧૪૨ છે.  આદિવાસી પટ્ટાની તો સ્થિતી કેવી મજબુરીવાળી છે તે જુઓ કે તાપી જિલ્લામાં માત્ર ૭  , ડાંગમાં માત્ર ૨  તો નર્મદા જિલ્લામાં માત્ર ૬ કોલેજો જ સરકારી અનુદાન પર ચાલે છે. જેમાં તાપી અને ડાંગ જિલ્લામાં તો વિજ્ઞાનપ્રવાહનું એક પણ અનુસ્નાતક સેન્ટર જ જોવા નથી મળતું.  ચોંકાવનારા આંક્ડા તો અનુસ્નાતક વિભાગમાં મળતા એડમિશનના છે. વીએનએસજીયુના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ઉપલબ્ધ સીટોના આંકડા મુજબ યુનિવર્સિટીના કેમ્પસમાં ચાલતા ડિપાર્ટમેન્ટ અને અનુસ્નાતક ભવનોમાં  લગભગ ૭૬૯ જેટલી સીટો રેગ્યુલર કક્ષાએ ઉપલબ્ધ છે અને ૨૦૮ હાયર પેમેન્ટ સીટો છે (હાયર પેમેન્ટ સીટ માટૅ રેગ્યુલર ફીસમાં ૪ હજાર વધારે ઉમેરીને આપવાના) તો ૧૧૬૫ જેટલી સેલ્ફ ફાયનાન્સ સીટો છે. જ્યારે અલગ અલગ કોલેજોના પીજી સેન્ટરોમાં ૩૪૯૩ જેટલી રેગ્યુલર (જેમાં ૫૦% જેટલી સીટો તો માત્ર આર્ટસ વિભાગના વિષયોની જ છે. એટલે કવિ શ્રી નર્મદના નામે વખણાતી યુનિવર્સિટીને માત્ર કવિ અને સાહિત્યકારો બનાવવામાં જ રસ છે. સંશોધકો, વૈજ્ઞાનિકો બનાવવામાં રસ જ નથી. )અને ૨૨૬૬ જેટલી હાયર પેમેન્ટ સીટો છે.  અને જે વિષયો આજના જમાના સાથે મેળ ખાય છે અને ખુબ જ મોટા પાયે ઉપયોગી છે એવા વિષયો જેવા કે માઈક્રોબાયોલોજી,  મેડિકલ લેબોરેટરી ટૅકનોલોજી, ટૅક્સ મેનેજમેન્ટ, એમ એસ સી કોમ્પ્યુટર ટૅકનોલોજી,એનવાયરોમેન્ટ સાયન્સ, માસ્ટર ઓફ ફિઝીયો થેરાપી, બાયોટેકનોલોજી જેવા જુજ વિષયો જ ઉપલબ્ધ છે અને તે પણ સેલ્ફ ફાયનાન્સ ધોરણે. અને આ વિષયોની તમામ એટલે તમામ ૪૬૫ સીટો સેલ ફાયનાન્સ કક્ષાએ જ ઉપલબ્ધ છે . અને અનુસ્નાતક કક્ષાની બધી સીટોનો સરવાળો કરીએ તો દક્ષિણ યુનિવર્સિટી દર વર્ષે માત્ર ૮૩૬૬ વિધાર્થીઓને જ અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ આપી શકે છે.જેમાંથી ૫૦ ટકા જેટલી સીટ માટે તગડી રકમ ફીસરુપે ભરવા તૈયાર રહો.  યુનિવર્સિટીમાં સરેરાશ ૪૦ હજારથી વધુ વિધાર્થીઓ દર વર્ષે એડમિશન લે છે એમાંથી ૫૦ % પણ જો ગ્રેજ્યુએશન પુરુ કરે તો પણ યુનિવર્સિટી એમને અનુસ્નાતક કક્ષાએ ભણાવવા સજ્જ નથી.એટલે મધ્યમવર્ગી અને ખાસ કરીને આદિવાસી વિધાર્થીઓએ તો આ વિષયો ભુલી જવાના અથવા તો ફીસ ભરવા કાળી મજુરી કરવાની ને ઘરવાળઓ પાસે કરાવવાની.  અને  આ બધી મોકાણ વચ્ચે અનામત સીટોની મોકાણ, અપડાઉન કરવાની પીડા અને પછી નોકરી માટે દોડધામ.

ઓછા ટકાને કારણે લટકતા વિધાર્થીઓની સંખ્યા વધી એટલે એક્ષટર્નલ જેવી શાખા ખોલી ખર્ચા વગર માત્ર પરીક્ષા લઈને સર્ટિફિકેટ આપી દઈને છુટી જવાની દાનત. અને પરિણામ સ્વરુપ ૫૦૦૦થી વધારે વિધાર્થીઓને ભણાવવાની ક્ષમતા ધરાવતી ઉકા તરસાડિયા જેવી પ્રાઈવેટ યુનિવર્સિટી કે જેમાં ૧૯૦૦૦ જેટલી સરેરાશ રકમ તો ખાલી એડમિશન માટે ભરવાની હોય અને કોર્ષ પુરો થતા સુધીમાં એ રકમ લાખોમાં પહોંચે. તો બીજી બાજુ ભગવાન મહાવીર જેવી ખાનગી સંસ્થા કે જેમાં ૧૦૦૦૦થી વધુ વિધાર્થીઓ ભણે. કદાચ સરકારની આવી ઉદાસીનતાને ભાળીને જ ઓરો યુનિવર્સિટીએ પણ સુરતમાં પધરામણી કરી હશે.

સૌથી આશ્ચર્યની વાત તો જુઓ કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન વડે પસંદગી પામેલી યુનિવર્સિટી વિથ પોન્ટેન્શિયલ ફોર એક્સેલેન્સની ૧૫ યુનિવર્સિટીઓની યાદીમાં ગુજરાતની એક પણ નથી. શિક્ષણ બાબતે મોદી સરકારે નકરી કમાણી કરતી ધંધાદારી શૈક્ષણિક સંસ્થાઓ જ પાંગરવા દીધી છે. મૂળ મુદ્દાઓ ભુલાવીને બસ આંજી નાંખે એવા સપના બતાવનારા મોદીજીને શિક્ષણના ખાનગીકરણ માટે એક આખી પેઢી માફ નહિ કરે. અને આ તો માત્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું જ ઉદાહરણ છે.

મોદી સરકારની શિક્ષણના ખાનગીકરણની જ નીતિનો ભોગ બનીને મનોવિજ્ઞાનનો અધ્યાપક બનતા બનતા જે રહી ગયેલો તે,

-સહુના મનનો મીત
ન્યુઝીલેન્ડ
સંદર્ભ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા માટૅ લિંક
https://pg.vnsguadm.org/Downloads/2_Post_Graduate_Programmes_in_the_University.PDF

મેક ઈન ઈન્ડિયા માટે લોગો બનાવનાર કંપની વિદેશની છે તેનો ખુલાસો માહિતી અધિકાર હેઠળ થયો તેની લિંક
http://timesofindia.indiatimes.com/india/Make-In-India-logo-designed-by-foreign-firm-says-RTI/articleshow/50573386.cms