Monday, July 25, 2016

કદી કોઇ કામ માટે તૈયારી ના કરો પણ દરેક કામ માટે હંમેશા તૈયાર રહો.

આજે ફેસબુક પર એક મિત્રએ મેસેજ કર્યો કે મીત તમારી મદદની જરુર છે. મેં કહ્યુ ચોક્કસ મારાથી બનતા બધા જ પ્રયત્નો હું કરીશ. અને એ મિત્રએ કહ્યું કે " તમે મારી સંગીતની કારકિર્દી માટે મદદ કરશો ?   અને મારે આર જે પણ બનવું છે."  મેં કહ્યું કે એના માટે તમારે કોઇની રાહ જોવાની જરુર જ નથી. બસ સીંગીગની સ્પર્ધાઓમાં ભાગ લેતા રહો. સાથે જ ફેસબુક પર તમારા વડે ગવાયેલા ગીતોનો વિડીયો મુકતા રહેશો તો તમને પ્રતિભાવ મળવાના શરુ થઈ જશે. તો એમણે કહ્યું કે "સર વિડીયો વગર મેળ નહિ પડે ? કોઇની ઓળખાણ હોય તો  કહોને? "  ટુંકમાં કોઇ સપોર્ટ કરે તો જ આગળ વધાય એવી ગ્રંથિ રાખી ઘણા આગળ વધતા વધતા રહી જાય છે. પણ પ્રગતિ કરવા માટેનો રસ્તો પથરાળ છે પણ એનો નકશો સર્વવિદિત છે.

દા. ત. જો હું સીંગર બનવા માંગતો હોવ તો હું પહેલા એની શાસ્ત્રીય તાલીમ લઉ. સાથે જ ઓનલાઈન સંગીતના ધુરંધરોના વિડીયો એકલવ્યની માફક સાંભળીને ખુદના અવાજને કેળવું . શહેરમાં થતી જુદી જુદી સ્પર્ધાઓમાં જીતવાની આશા વગર પોતાની ક્ષમતા ચકાસવા ભાગ લઉ. અને જે લોકો સાચો પ્રતિભાવ આપે છે એ લોકો પાસેથી સતત ફિડબેક લેતો રહું. સંગીતના ક્ષેત્રમાં થિયરી અને પ્રેક્ટિકલ બન્ને બાજુએ પોતાની જાતને કેળવીને તૈયાર કરુ. સંગીતના તાલીમબધ્ધ ગુરુઓ પાસે જઈ પોતાની કળાને ટકોરાબંધ બનાવવા મથતો રહું. અને એક દિવસ એવો આવશે જ જ્યારે એકાદ સ્ટૅજ પરથી છવાઈ જવાની તક મળશે અને તે દિવસે બધી જ મહેનત રંગ લાવશે. આ બિલ્કુલ પેલા ઉદાહરણ જેવું છે કે જે વિધાર્થી પરીક્ષામાં વધુ ટકા લાવે છે એ પોતે નક્કી કરી શકે છે કે એણે કઈ કોલેજ કે શાળામાં એડમિશન લેવું. એમાં કોલેજ કે શાળા નહિ પણ વિધાર્થી રાજા છે. અને ઓછા ટકાવાળાઓના કેસમાં વિધાર્થી એ નાગરિક જેવો છે જેને કોલેજ કે શાળા રાજા બની પ્રવેશ આપવો કે ન આપવો એવું નક્કી કરે છે.

પણ આપણા સહુની ટેવ છે કે પહેલા સ્ટેજ આપો પછી અમે ખુદને તૈયાર કરીશું અને પછી જ અમારાથી આગળ વધાશે એવી ખેવના રાખનારા જીવનભર પોતાના શોખને પોષી ન શકવાની ભાવના સાથે જતા રહે છે.કોઇ પણ ક્ષેત્રમાં આગળ વધવાનો નકશો બહુ સીધો અને સાદો હોય છે એમાં અઘરો ભાગ હોય છે એ માટે પોતાની જાતને કેળવવા માટેની માનસિક તૈયારીનો. જે ફિલ્ડમાં જવું હોય એમાં જઈ જ શકાય. નસીબએ સાથ ના આપ્યો. પૈસા નહોતા, કે ઘરવાળાઓએ સપોર્ટના કર્યો જેવા બહાના કામચોર લોકો જ કરતા હોય છે. બાકી જેની પાસે પ્રાઈવેટ કોચિંગના પૈસા નથી હોતા તેઓ પણ પરીક્ષામાં કે સ્પર્ધાઓમાં અગ્રેસર રહેતા જ હોય છે.  તમારે એકટર બનવું હોય તો એના માટે એકટિંગ શીખવું પડે, નાટકોમાં ભાગ લેવો પડે, શેરી નાટકો કરવા પડે, વર્ષો સુધી સ્પર્ધાઓમાં નાના-મોટા રોલ કરવા પડે અને ત્યારે એકાદ દિવસ ચાન્સ મળે સિતારાની જેમ ચમકવાનો ત્યારે  એ ચાન્સ ઝડપીને ચમકવું પડે અને એટલું જ નહિ એ ચમકને જાળવી રાખવા કંઈકને કંઈક શીખતા રહેવું પડે.

ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે બસ એ દિવસ આવવા દો પછી વાત પણ એવા લોકોનો 'એ' દિવસ કદી આવતો જ નથી. અને એ લોકો સદા રાહ જોતા રહી જાય છે. જે લોકો આવી રાહ નથી જોઇ શકતા એ લોકો જ આગળ વધે છે. સાથે જ આપણે ત્યાં ઘણા લોકોની ખાસિયત જ એમની મર્યાદા બની જતી હોય છે. જે સારા ગાયક હોય તે આખુ જીવન માત્ર ગાતા જ રહે તો એ એમની પ્રગતિ છે જ નહિ. પણ એ એક સારા શિક્ષક બને, સારા સંગીતકાર બને, સારા મ્યુઝિક એરેન્જર બને તે પણ ખુબ જરુરી છે. તમારી એક્માત્ર ખાસિયતને જ્યારે આપણે વળગી રહીએ ્છીએ ત્યારે આપણા વ્યકિતત્વમાંથી કોઇ નવીનતા મળતી નથી. પોતાની ખાસિયતની આજુબાજુ વણાયેલી બીજી ખાસિયતોને પણ વિકસાવવું જરુરી હોય છે. એક રેડિયો જોકી રેડિયો પર કાર્યક્રમ આપે સાથે જ ડબિંગ આર્ટિસ્ટ  તરીકે ખુદને કેળવે એ પણ જરુરી છે અને અંધ બાળકો માટે નરેટર બની વાર્તાઓનું રેકોર્ડિંગ કરે, સંગીતનું રેડિયો પર સારું મેનેજમેન્ટ કરે તો એ એની પ્રતિભાને બધી રીતે નિખારી રહ્યો છે એમ કહી શકાય. ટુંકમાં એક સુથાર કે જે નાના ઘરો કે દુકાનોમાં સુથારીકામ કરે છે તે એ જ કામ કરતા કરતા મોટી મોટી બિલ્ડિંગો અને સરકારી ઇમારતોના સુથારીકામના મોટા કોન્ટ્રાકટર બની શકે છે. અને જો એમા એન્જીનીયરીંગનો અભ્યાસ સાથે ભળે તો સસ્તા ને ઓછી જગા રોકી વધુ કામ આપતા ટકાઉ ફર્નિચર પણ એ બનાવી માર્કેટમાં ધમાલ મચાવી શકે છે.


સર્જનાત્મકતા એ કોઇની જાગીર નથી અને એ હંમેશા પોતીકી રહેવાની છે. અને એમાં વિવિધતા પેઢી દર પેઢી જોવા મળે છે. બસ તમારા હિસ્સાની તમે સમાજને આપીને જાવ તો સારું નહિતર કોઇ પણ બીજી વ્યકિત તમારા વારાની રાહ જોશે નહિ અને ખુદને એ બુલંદ રીતે આગળ વધારશે અને તમે બાજુએ હડસેલાઈ ગયા  છો એવું અનુભવશો. 

ચચરાટ-જુઓ ભાઈ આપણો તો ચોખ્ખો હિસાબ છે કે કદી તકની રાહ ના જુઓ પણ ખુદ એક તક જેવા બની જાવ. જે કામ આપશે એને ફાયદો થશે અને નહિ આપે એ નુકશાન  ભોગવશે. કદી કોઇ કામ માટે તૈયારી ના કરો પણ એ કામ માટે હંમેશા તૈયાર રહો. 

No comments:

Post a Comment