Tuesday, July 12, 2016

દેશના લોકોને દેશની સિસ્ટમ પર ભરોસો નથી પણ એ જ લોકોને સિસ્ટમની ખબર પણ નથી.

આપણે ત્યાં સરકારમાં ચાલતા કે વિશ્વ કક્ષાએ ચાલતા રાજકારણમાં બધાને રસ હોય છે પણ રુચિ નથી હોતી. નરેન્દ્ર મોદી એ કેવા જુસ્સા સાથે એનએસજીના સભ્યપદ માટે ભારતની દાવેદારી રજુ કરી એ બાબતે બધાને ગર્વ થાય છે પણ એમણે એ દાવેદારી કેમ કરી ? શું કારણ છે એ કરવા પાછળનું તો કોઇ કરતા કોઇને ખબર નહિ હોય. સલમાન ખાન કઈ બ્રાન્ડની અંડરવેયર પહેરે છે થી લઈ અનુષ્કા અને વિરાટ ના રિલેશનશીપની ખબર જાણવા ઉત્સુક પ્રજા ભાગ્યે જ ગંભીર મુદ્દાઓ પર ધ્યાન આપવાની તસ્દી લેતી હોય છે. ગઈકાલે જ એક મિત્ર સાથે ચર્ચા થઈ જેને દેશની સિસ્ટમ પર ભરોસો નથી પણ સાથે જ દેશની સિસ્ટમ વિશે ખબર પણ નહોતી. અને આવા ઘણા બધા મુદ્દે આપણે સહુ હવે આયારામ ગયારામ જેવી પ્રણાલી મુજબ ટેવાઈ ગયા છીએ. વીતેલા અઠવાડિયામાં એનએસજીની બહુ ચર્ચા ચાલી. એમાં ચાઈના આપણને નડી રહ્યું છે એવી બુમરાણ મચી. પણ સાથે જ એવા મેસેજ પણ ફરતા થયા કે ચાઈનીઝ માલનો બહિષ્કાર કરો. પણ આ મેસેજ મોકલનાર મિત્રને જેવુ પુછ્યુ કે આ એનએસજી શું છે ? શા માટે હોય છે ? એનાથી શું ફાયદો થાય ? તો મેસેજ મોકલનાર મિત્રએ કહ્યું કે મને તો મેસેજ ફોરવર્ડ થયેલો એટલે મે ંપણ મોકલ્યો. એટલે બીજા બધા ઘેટાં હતા એટલે આ ભાઈ પણ ગાડરિયા પ્રવાહે તણાયા.

એનએસજી શું છે ?
ન્યુક્લિયર સપ્લાયર ગૃપ જેની સ્થાપના ૧૯૭૪માં થઈ હતી અને જોગાનુજોગ એની સ્થાપનાનું કારણ ભારત જ હતું કારણ કે ભારતના પહેલા પરમાણુ પરીક્ષણના પરિણામે એની સ્થાપના થઈ હતી. એ જ વર્ષે એનએસજીના સભ્ય દેશોની પહેલી મીટીંગ થઈ હતી. એનએસજીમાં અમેરિકા,ફ્રાન્સ, ચીન જેવા ૪૮ દેશો સભ્ય છે. અને એનએસજીનો હેતુ પરમાણુ હથિયારોને પ્રસારિત થતા અટકાવવાનો છે. એનએસજીના સભ્ય બનવા માટે એનપીટી ( પરમાણુ અપ્રસાર સંધિ ) પર સહી કરવું અનિવાર્ય છે. અને ભારતે હજી એના પર સહી કરી નથી. 

એન પી ટી શું  છે ?
પરમાણુ હથિયારોનો વિસ્તાર થતો અટકાવવા અને પરમાણુ ટેકનોલોજીનો શોંતિપૂર્ણ અને જવાબદારીપુર્વકનો ઉપયોગ થાય તે માટે એન પીટીની સ્થાપના ૧૯૭૦માં કરવામાં આવી હતી. જેના પર ૧૮૭ જેટલા દેશો એ સહી કરીને પોતાની સંમતિ દર્શાવી છે. એનપીટી પર સહી કરનારા દેશો ભવિષ્યમાં પરમાણુ હથિયારો વિક્સિત નહિ કરી શકે અને શાંતિપૂર્ણ ઉદ્દેશ્યો માટે પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરી શકે છે. 

ભારત માટે કેમ જરુરી છે એનએસજીનું સભ્યપદ  ?
ઉર્જાની જરુરિયાત પુરી કરવા ભારતનું એનએસજીમાં સભ્યપદ અનિવાર્ય છે. જેના સભ્ય બનતા જ ભારતને પરમાણુ ટેકનોલોજી મળશે. અને ભારતને યુરેનિયમ કોઇ પણ પ્રકારની સમજુતી વગર મળશે. પરમાણુ મશીનો વડે નીકળેલા કચરાના નિકાલ માટે સભ્ય દેશોની સલાહ અને મદદ મળશે અને પરમાણુ ટેકનોલોજી અને કાચો માલ ટ્રાન્સફર કરવામાં મદદ મળશે. 

આ  આખાય ઘટનાક્રમમાં ચીનની વૃતિ મામા શકુનિ જેવી છે. જેને દેખાય છે કે ભારત પરમાણુ ટેકનોલોજીનો જવાબદારીપુર્વક ઉપયોગ કરતું હોવા છતાં બધી જ વાતોને નજરઅંદાજ કરીને ભારતના સભ્યપદ સામે એને વાંધો છે. અને આ બધામાં હાડોહાડ અધર્મી એવા પાકિસ્તાનને પણ ભારત ભેગો એનએસજીમાં સભ્ય પદ મળે એવી એણે ખેવના રાખી છે. ચીનની મૂળ દલીલ એવી છે કે ભારતે એનપીટી પર સહી કરી નથી અને ઍટલે ભારતને સભ્યપદ નહિ મળે. આમાં ગાંડી સાસરે ન જાય અને ડાહીને સલાહ આપે એવો ઘાટ વર્તાય છે. કારણ કે ફ્રાન્સ એનએસજીના સ્થાપક દેશોમાંનો એક છે એણે પોતે જ એનપીટી પર સહી કરી નહોતી. અને ખુદ ચીને ત્રણ દશક સુધી એનપીટી પર સહી કરી નહોતી. ભારત સરકારે આ વર્ષે ભરપેટ પ્રયત્નો કર્યા કારણ કે ઓબામાનો કાર્યકાળ પુરો થાય છે. મનમોહન સરકાર વખતે જ ઓબામાં એ એનએસજીના સભ્ય બનાવવામાં ભારતને મદદ કરવા માટે વચન આપ્યુ હતું અને એટલે જ ભારત સરકારે આ વખતે એડીચોટીનું જોર લગાવ્યું. જેથી બરાક ઓબામા મારફતે એ કામ થઈ જાય. 

ભારતને સભ્ય બનાવવા બાબતે એનએસજીના સભ્ય દેશો પાંચ જુથમાં વિભાજીત થયેલા જોવા મળૅ છે.મૂળ ગૃપ હિમાયતી દેશોનો છે જેમાં અમેરિકા, જાપાન, રશિયા, કેનેડા, બ્રિટેન, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો છે. કે જેઓ ભારતને સપોર્ટ તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે તેઓ બીજા દેશોને ભારતને સપોર્ટ કરવા માટે મનાવવા પણ તૈયાર છે. બીજું ગૃપ એ દેશોનો હતો કે જેઓ સમર્થન કરવા તૈયાર હતા જેમાં પૂર્વી યુરોપ, મધ્ય એશિયા, નેધરલેન્ડ્સ અને બેલ્જીયમ જેવા પશ્ચિમી દેશોનો સમૂહ હતો. ત્રીજુ ગૃપ બ્રાઝિલ, સ્વિટઝર્લેન્ડ , તુર્કી સહિત એવા દેશોનું હતું કે જેઓ  ભારતને એનએસજીના સભ્ય બનાવવા માટે ટેકો આપવા તૈયાર હતા બસ શરત એ હતી કે સાથે સાથે ભારત અને પાકિસ્તાન જેવા એનપીટીના સભ્ય નથી એવા દેશોના એનએસજીના પ્રવેશ માટે એક સમજુતી કેળવવામાં આવે. ચોથા ગૃપમાં ત્રણ દેશો હતા, ઓસ્ટ્રિયા, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ. આ દેશો એક કડક પધ્ધતિ ઇચ્છતા હતા. જે મુજબ તેઓ ભારતની સભ્યતાનો વિરોધ નહોતા કરતા પણ ઈચ્છતા હતા કે પહેલા કેટલાક માપદંડો નક્કી કરવામાં આવે અને પછી જ ભારત સહિત અન્ય દેશોની અરજી પર વિચાર કરવામાં આવે. અને છેલ્લું ગૃપ માત્ર ચીન વડે જ બનેલું હતું જેનો વિરોધ જ તદ્દન ગેરવાજબી અને વાહિયાત હતો. 

ભારત માટૅ એનએસજીનું  સભ્યપદ મેળવવા માટે ઉતાવળનું કારણ એક નહિ પણ બે છે. 
પહેલું કારણ પેરિસ માં થયેલું જળવાયુ પરિવર્તન શિખર સંમેલન અને બીજું  ડિસેમ્બર ૨૦૧૬માં અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો કાર્યકાળ પુરો થાય છે. નવેમ્બર ૨૦૧૫માં થયેલા થયેલા જળવાયુ શિખર સંમેલનમાં ભાગ લેનારા દેશોને  ભારત એક સમસ્યા જેવો ભાસે છે. કારણ કે ભારત કોલસા અને અન્ય અશ્મીભૂત ઉર્જા માધ્યમો પર તેની નિર્ભરતા ટકાવી રાખવા મક્કમતા દર્શાવી રહ્યુ હતું. અને નરેન્દ્ર મોદીએ સાહસિક્તા સાથે પરિસ્થિતી બદલી અને તેને ભારતનો એક ભાગ જ બનાવી દીધો. જ્યાં નરેન્દ્ર મોદીએ  વાયદો કર્યો કે ૨૦૩૦ સુધીમાં ભારત બિન-અશ્મીભૂત ઉર્જા માધ્યમો થકી ઉર્જાની પોતાની હિસ્સેદારી ૪૦ ટકા સુધી વધારી દેશે. અને ત્યારબાદ તેમણે આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા સહયોગ માટેની રુપરેખા તૈયાર કરી જેથી સૌર ઉર્જા જેવી સસ્તી અને કાયમી પધ્ધતિ માટેની ટેકનોલોજી મેળવવામાં આવે. માત્ર સૌર ઉર્જા જ નહિ પણ મોદી સાહેબની ટીમ તો પરમાણુ વીજળી ના એકમો થકી પણ ઉર્જાની જરુરિયાતને પંહોચી વળવા માટે ઉત્સાહિત હતી. મોદીસાહેબે ૨૦૩૨ સુધીમાં ૬૩,૦૦૦ મેગાવોટ વીજળી માટે પરમાણુ ઉર્જા  પ્લાન્ટ  લગાવવાની આક્ર્મક યોજના તૈયાર કરી. અને આમ દેશનું કુલ વીજળી ઉત્પાદન નવ ટકા જેટલી થઈ જશે. તેથી જ મોદી સરકારે વધારાની ૧૦,૬૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદન માટે ૧૬ નવા ઘરેલુ વીજળી પ્લાન્ટ લગાવવાની મંજુરી આપી છે સાથે જ   અમેરિકા, રશિયા, ફ્રાન્સની વિદેશી કંપનીઓને ૨૬ નવા વીજ્ળીના પ્લાન્ટ સ્થાપિત કરવાનો કરાર કર્યો છે. જેના થકી ૨૯,૫૦૦ મેગાવોટ જેટલી વીજળી પૈદા થશે.

આ મહત્વકાંક્ષી લક્ષ્યોને પુરા કરવા માટે ભારત અને વિદેશી કંપનીઓ આર્થિક અને ટેકનોલોજીને લગતા કરારોની પરવાહ કરતી હતી. આ માટે આંતરરાષ્ટ્રીય રોકાણકારો રોકાણ કરવાની નીતિયોમાં સ્થાપિતતા લાવવા માંગતા હતા. પરમાણુ વેપારમાં યુરોપ, દક્ષિણ કોરિયા, અને જાપાન જેવા દિગ્ગજ ખેલાડીઓએ કહ્યું કે જો ભારત એનએસજીનું સભ્ય બની જાય છે તો એમને સરળતા રહેશે અને રોકાણ કરવા માટેના એમના વાયદાઓને પુરા કરવામાં પણ સરળતા રહેશે. અને એટલે એનએસજીનું સભ્યપદ ભારત માટે અગત્યનું બની ગયું.
તકલાદી દેશભક્તિ ધરાવતી પ્રજા જે દી સરકારના દરેક પગલાં વિશે માહિતી મેળવતી અને સમીક્ષા કરતી થશે તે દિવસે દેશ ઘણી બધી સમસ્યાઓથી મુક્ત થશે. ચાઈના અને બીજા એવા દેશો ભારતના સ્વાભિમાન પર છડેચોક ઘા કરી જાય છે તેનું કારણ આપણી પ્રજાની ખંધઈ છે. વાતે વાતે રાજકારણ રમતી પ્રજા એમાં ખુદને પણ જો બાકાત ન રાખતી હોય તો દેશની તો શું વિસાત છે. ?


1 comment: