Wednesday, July 27, 2016

ગરીબીની વ્યાખ્યા બદલાઈ-તમે ગરીબ કે અમીર ?

આજકાલ ગરીબાઈની વ્યાખ્યા બદલાઈ છે અને એ વ્યાખ્યાના સંદર્ભમાં જ વાત કરવી છે. પહેલાના જમાનામાં ગરીબ કોને કહેવાતું ? જેની પાસે બે ટંકનું ખાવાનું ન હોય, જેને વર્ષે બે જોડી નવા કપડા ખરીદવાના પણ ફાંફાં હોય, જેને રહેવા માટૅ  છત ના હોય અને જેને સંતાનોને ભણાવવાની પણ ક્ષમતા ન હોય.  આજે ગરીબાઈની વ્યાખ્યા બદલાઈ છે. સમય સંજોગો પ્રમાણે કામો વધ્યા પણ લોકોએ જીવનશૈલીમાં આળસને એવી અને એટલી બધી જગા આપી કે હવે એમ થાય કે કોણ ગરીબ નથી ?

ટેકનોલોજીએ માણસના કામો સરળ તો કર્યા પણ સાથે જ એણે માણસને એટલી હદે પ્રમાદી બનાવ્યો કે આજે એ બધી જ રીતે પંગુ અને ગરીબ છે. આજે ગરીબ એને કહીશું જેની પાસે સ્વસ્થ અને તંદુરસ્ત શરીર નથી. જેની પાસે કપડા તો છે પણ કપડાને શોભે એવું શરીર નથી. જેની પાસે મોંઘી કાર તો છે પણ બે કિલોમીટર ચાલવાની ક્ષમતા વગરનું શરીર જે સાવ બેકાર છે. જેને શરીરની કોઇને કોઇ વ્યાધિ છે. જેને ખબર છે કે તેનું શરીર બગડી રહ્યું છે. શરીર જવાબ આપી રહ્યું છે અને તોયે તે માણસ કશું જ કરી શકતો નથી અથવા તો કરવા જ નથી માંગતો. એટલે ન્યુઝીલેન્ડથી જે વસ્તુ શીખવા મળી તે જ તમારી સાથે વ્હેંચવું છે. તો એક કામ કરો નીચે આપેલા પેરામીટરને આધારે ચેક કરો કે તમે કેટલા અમીર છો. જો નીચેની એકટિવિટીઓ તમે કરતા હશો તો તમે માનજો કે તમે એક્ટિવ છો અને તમારા ડિફેક્ટિવ થવાના ચાન્સીસ નહિવત છે.

તમે દિવસમાં કેટલી મિનિટ માટે કસરત કરો છો ?
ન્યુઝીલેન્ડમાં રહેનારા મોટાભાગના લોકો શરીરને લઈને ખુબ જ જાગ્રત રહેતા જોવા મળે છે. ત્યાં મેડિકલ સર્વિસ નાગરિકો માટે મફત છે છતાં ત્યાંના નાગરિકો સવારસાંજ કસરત કરતા જોવા મળશે. સવારે અથવા સાંજે જીમમાં જઈ કસરત કરશે અને સવારે અથવા સાંજે સાયકલીંગ કે પછી દોડવા નીકળશે. વરસાદ હોય કે તડકો કે પછી ઠંડી એમને ફરક નથી પડતો. ઓફિસ જવાની બેગ જોડે લઈને જીમમાં જાય અને કસરત કરીને ત્યાં જ ન્હાઈ ધોઇને સીધા નોકરીએ અને એ જ રીતે સાંજે નોકરીથી સીધા જીમમાં. જો દિવસ પાળીમાં સમય ના મળે તો રાતે જીમ જાય જે ૨૪ કલાક ખુલ્લા રહેતા હોય છે. ટુંકમાં શરીર છે તો જીવન છે એ સત્ય એ લોકો જાણે છે. સૌથી વધુ નવાઈની વાત એ હોય છે કે તમે જે જીમમાં જતા હોવ એ જ જીમમાં કોઇ બિલ્ડિંગના કન્સ્ટ્રકશન કામમાં રોકાયેલો મજુર પણ તમને કસરત કરતો જોવા મળે. ટુંકમાં કસરત માટે જાગૃતિ એટલી બધી છે કે ન પુછો વાત.

અઠવાડિયામાં તમે કોઇ આઉટડોર સ્પોર્ટ્સમાં ભાગ લો છો ?
મોટાભાગના ન્યુઝીલેન્ડવાસીઓ શનિ-રવિ કોઇને કોઇ સ્પોર્ટસમાં ભાગ લે છે. ઘણી વખત હું હાયકિંગ માટે ગયો છું. જેમાં લોકો ભેગા થઈ ડુંગરો પર ટ્રેકિંગની સાથે દરિયા કાંઠે અને જંગલોમાં ચાલવા જાય છે. એમાં ૭૦ વર્ષની દાદીઓ પણ હોંશે હોંશે જોડાય છે. વોટર સ્પોર્ટસ જેમાં કાયાકિંગ, સેઈલીંગ, વિન્ડ સર્ફિંગ, કાઈટ સર્ફિંગ, ડાયવીંગ, સર્ફિંગ, વોટર રાફટિંગ, ફિશીંગ કરતા જોવા મળે  સાથે જ ફુટબોલ, રગ્બી, સ્કેટિંગ, સાયકલીંગ જેવી એક્ટિવીટીમાં લોકો મોટા પાયે ભાગ લે છે. દરિયામાં સર્ફિંગ કરતા કરતા કલાકોના કલાકો વીતાવે અને ઉંચી ઉંચી લહેરામાં જઈ સર્ફિંગ કરે છે.  તમે ૩૦ માળની ઇમારતથી જંપ મારો તો કેવી મઝા પડે ? એવી જ રીતે તમે સ્કુબા ડાયવીંગ કરો તો કેવી મઝા પડે ? વિમાનમાં બેસી સ્કાય ડાયવીંગ કરો તો કેવો જલસો પડે ? અરે ઘણા કપલ્સ તો શનિ-રવિ બે દિવસ દરિયાકાંઠે ના કેમ્પ સાઈટમાં રોકાણ કરવાની તૈયારી સાથે જાય અને દરિયાકાંઠે બેસીને પુસ્તકો વાંચે. બરફના પહાડો પર જઈં ખાસ્સી એવી ઉંચાઈથી સ્કીઈંગ કરતા નીચે ઉતરે, ફરી ચઢે અને ફરી ઉતરે અને આમને આમ બે ત્રણ કલાક કાઢી નાંખે. અને પછી વાઈનની ચટકા લેતા લેતા પોતે જે એકટિવીટી કરી એના વિડીયો જુએ.આપણે દરિયા કાંઠે જઈ બહુ બહુ તો સીંગ ખાઈને છોતરા ફેંકીએ, મક્કાઈને ન્યાય આપી, દરિયાકાંઠે ફોટા પડાવી બેક ટુ હોમ. બરફના પ્રદેશમાં જઈ બરફના ગોળા મારીને પરત ફરી આવીએ. આ બધામાં  લાઈફનો ચાર્મ ક્યા ? લાઈફની હેપનીંગ ક્યાં ?

તમે તમારી ફેમીલી સાથે રોજીંદા કયા ક્યા કામો કરો છો ?
તમે તમારી પત્નીને શાક સમારવામાં મદદ કરો છો ? બાળકોને લેસન કરાવવામાં મદદ કરો છો ? ઘરને વ્યવસ્થિત કરવામાં મદદ કરો છો ? ઘરની સાફસફાઈમાં ભાગ લો છો ? શોપીંગ કરવા બધા જ ફેમીલી મેમ્બર્સ સાથે જાવ છો ? તમે ઘરવખરી ખરીદો છો એમાં દરેક ફેમીલી મેમ્બર્સને પોતાની મરજીની વસ્તુઓ ખરીદવા બજેટ ફાળવો છો ? ફેમીલી સાથે નાસ્તો લંચ કે ડિનર કરવા બેસો છો ?
જવાબ જો હકારમાં હોય તો તમે અમીર છો.

તમે ત્રણ મહિને, કે છ મહિને કે ૧૨ મહિને ફરવા જાવ છો ? ટુંકમાં તમે ફરવા જાવ છો ?
તમે દરિયા કાંઠે કે ઐતિહાસિક સ્થળોએ, કે જંગલોમાં ફરવા જાવ છો ? તમે જંગલ સફારીમાં રાતવાસો કરવાનો પ્લાન બનાવ્યો છે ? બાળકો સાથે જંગલમાં ટ્રેકિંગ કે હાયકિંગ માટે ગયા છો ? ત્રણ મહિને જે રાજયમાં તમે રહેત હોવ એમાં ફરવા જાવ છો ? જે દેશમાં રહો છો એમાં ૬ મહિને ફરવા જાવ છો ? વર્ષે એકાદ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન પર ફરવા જાવ છો ? જો કે ભારતમાં વૈવિધ્યતા એટલી બધી છે કે એને પુરેપુરી ફરી વળવા માટે જ એક આખું જીવન પુરુ થઈ જાય. તો તમે વર્ષે કેટલી વાર ફરવા જાવ છો ? જો વર્ષે ઓછામાં ઓછુ એકવાર આવા ડેસ્ટિનેશન પર તમે ફરવા જતા હોવ તો તમે અમીર છો.

તમારી મનગમતી એકટિવીટી માટે ટાઈમ ફાળવી શકો છો ?
સામાન્ય રીતે આપણા બધાનું ટાઈમ-ટેબલ ફિક્સ અને ફિટ હોય છે. સવારે ઉઠવાનું,ફ્રેશ થઈને પ્રભુને પગે પડવાનું, નાસ્તો કરી ધંધે જવાનું, આખો દિવસ દેશની ચિંતા કરીને સાંજે પરત આવી ન્હાઈ ધોઇને આરામ કરતા કરતા ટીવી શરુ કરવાનું પછી જમીને ટીવી જોતા જોતા સુઇ જવાનું અને આ આખાય ઘટનાક્રમમાં મોબાઈલમાં માથું નાંખી રાખીને ટાઈમપાસને ન્યાય પણ આપવાનું. રવિવારે સવારે મોડા ઉઠવાનું, મનગમતો નાસ્તો કરીને પેપર વાંચીને આરામ ફરમાવી એકાદ સામાજીક રીત રસમ નિભાવી ને ફરી સાંજે ક્યાંક નજીકમાં આંટો મારીને ઘરે આવી જવાનું અને બીજે દિવસથી એજ ચકરડી જે લાસ્ટ વીક ચલાવી હતી એમાં ફિટ થવા તૈયાર થવાનું. મનગમતું પુસ્તક વાંચવાનું, નાટકમાં ભાગ લેવાનું, સંગીતના વર્ગોમાં ભાગ લેવાનું, મનગમતી ગેમની મેચો જોવા માટે આયોજન કરવાનું, દુર કોઇક અજાણ્યા સ્થળે આઉટીંગ માટે જવાનું. આવા કોઇ પણ મનગમતા કામો કરવાનો ટાઈમ મળે છે ? કે કાઢો છો ? જો હા તો તમે અમીર છો.

ટુંકમાં જીવનમાં બધુ જ કમાજો પણ ઉંઘ વેચીને રુપિયા અને શોખ-ઇચ્છા-તંદુરસ્તી આ બધુ મારીને વસવસો ના કમાતા.


Monday, July 25, 2016

કદી કોઇ કામ માટે તૈયારી ના કરો પણ દરેક કામ માટે હંમેશા તૈયાર રહો.

આજે ફેસબુક પર એક મિત્રએ મેસેજ કર્યો કે મીત તમારી મદદની જરુર છે. મેં કહ્યુ ચોક્કસ મારાથી બનતા બધા જ પ્રયત્નો હું કરીશ. અને એ મિત્રએ કહ્યું કે " તમે મારી સંગીતની કારકિર્દી માટે મદદ કરશો ?   અને મારે આર જે પણ બનવું છે."  મેં કહ્યું કે એના માટે તમારે કોઇની રાહ જોવાની જરુર જ નથી. બસ સીંગીગની સ્પર્ધાઓમાં ભાગ લેતા રહો. સાથે જ ફેસબુક પર તમારા વડે ગવાયેલા ગીતોનો વિડીયો મુકતા રહેશો તો તમને પ્રતિભાવ મળવાના શરુ થઈ જશે. તો એમણે કહ્યું કે "સર વિડીયો વગર મેળ નહિ પડે ? કોઇની ઓળખાણ હોય તો  કહોને? "  ટુંકમાં કોઇ સપોર્ટ કરે તો જ આગળ વધાય એવી ગ્રંથિ રાખી ઘણા આગળ વધતા વધતા રહી જાય છે. પણ પ્રગતિ કરવા માટેનો રસ્તો પથરાળ છે પણ એનો નકશો સર્વવિદિત છે.

દા. ત. જો હું સીંગર બનવા માંગતો હોવ તો હું પહેલા એની શાસ્ત્રીય તાલીમ લઉ. સાથે જ ઓનલાઈન સંગીતના ધુરંધરોના વિડીયો એકલવ્યની માફક સાંભળીને ખુદના અવાજને કેળવું . શહેરમાં થતી જુદી જુદી સ્પર્ધાઓમાં જીતવાની આશા વગર પોતાની ક્ષમતા ચકાસવા ભાગ લઉ. અને જે લોકો સાચો પ્રતિભાવ આપે છે એ લોકો પાસેથી સતત ફિડબેક લેતો રહું. સંગીતના ક્ષેત્રમાં થિયરી અને પ્રેક્ટિકલ બન્ને બાજુએ પોતાની જાતને કેળવીને તૈયાર કરુ. સંગીતના તાલીમબધ્ધ ગુરુઓ પાસે જઈ પોતાની કળાને ટકોરાબંધ બનાવવા મથતો રહું. અને એક દિવસ એવો આવશે જ જ્યારે એકાદ સ્ટૅજ પરથી છવાઈ જવાની તક મળશે અને તે દિવસે બધી જ મહેનત રંગ લાવશે. આ બિલ્કુલ પેલા ઉદાહરણ જેવું છે કે જે વિધાર્થી પરીક્ષામાં વધુ ટકા લાવે છે એ પોતે નક્કી કરી શકે છે કે એણે કઈ કોલેજ કે શાળામાં એડમિશન લેવું. એમાં કોલેજ કે શાળા નહિ પણ વિધાર્થી રાજા છે. અને ઓછા ટકાવાળાઓના કેસમાં વિધાર્થી એ નાગરિક જેવો છે જેને કોલેજ કે શાળા રાજા બની પ્રવેશ આપવો કે ન આપવો એવું નક્કી કરે છે.

પણ આપણા સહુની ટેવ છે કે પહેલા સ્ટેજ આપો પછી અમે ખુદને તૈયાર કરીશું અને પછી જ અમારાથી આગળ વધાશે એવી ખેવના રાખનારા જીવનભર પોતાના શોખને પોષી ન શકવાની ભાવના સાથે જતા રહે છે.કોઇ પણ ક્ષેત્રમાં આગળ વધવાનો નકશો બહુ સીધો અને સાદો હોય છે એમાં અઘરો ભાગ હોય છે એ માટે પોતાની જાતને કેળવવા માટેની માનસિક તૈયારીનો. જે ફિલ્ડમાં જવું હોય એમાં જઈ જ શકાય. નસીબએ સાથ ના આપ્યો. પૈસા નહોતા, કે ઘરવાળાઓએ સપોર્ટના કર્યો જેવા બહાના કામચોર લોકો જ કરતા હોય છે. બાકી જેની પાસે પ્રાઈવેટ કોચિંગના પૈસા નથી હોતા તેઓ પણ પરીક્ષામાં કે સ્પર્ધાઓમાં અગ્રેસર રહેતા જ હોય છે.  તમારે એકટર બનવું હોય તો એના માટે એકટિંગ શીખવું પડે, નાટકોમાં ભાગ લેવો પડે, શેરી નાટકો કરવા પડે, વર્ષો સુધી સ્પર્ધાઓમાં નાના-મોટા રોલ કરવા પડે અને ત્યારે એકાદ દિવસ ચાન્સ મળે સિતારાની જેમ ચમકવાનો ત્યારે  એ ચાન્સ ઝડપીને ચમકવું પડે અને એટલું જ નહિ એ ચમકને જાળવી રાખવા કંઈકને કંઈક શીખતા રહેવું પડે.

ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે બસ એ દિવસ આવવા દો પછી વાત પણ એવા લોકોનો 'એ' દિવસ કદી આવતો જ નથી. અને એ લોકો સદા રાહ જોતા રહી જાય છે. જે લોકો આવી રાહ નથી જોઇ શકતા એ લોકો જ આગળ વધે છે. સાથે જ આપણે ત્યાં ઘણા લોકોની ખાસિયત જ એમની મર્યાદા બની જતી હોય છે. જે સારા ગાયક હોય તે આખુ જીવન માત્ર ગાતા જ રહે તો એ એમની પ્રગતિ છે જ નહિ. પણ એ એક સારા શિક્ષક બને, સારા સંગીતકાર બને, સારા મ્યુઝિક એરેન્જર બને તે પણ ખુબ જરુરી છે. તમારી એક્માત્ર ખાસિયતને જ્યારે આપણે વળગી રહીએ ્છીએ ત્યારે આપણા વ્યકિતત્વમાંથી કોઇ નવીનતા મળતી નથી. પોતાની ખાસિયતની આજુબાજુ વણાયેલી બીજી ખાસિયતોને પણ વિકસાવવું જરુરી હોય છે. એક રેડિયો જોકી રેડિયો પર કાર્યક્રમ આપે સાથે જ ડબિંગ આર્ટિસ્ટ  તરીકે ખુદને કેળવે એ પણ જરુરી છે અને અંધ બાળકો માટે નરેટર બની વાર્તાઓનું રેકોર્ડિંગ કરે, સંગીતનું રેડિયો પર સારું મેનેજમેન્ટ કરે તો એ એની પ્રતિભાને બધી રીતે નિખારી રહ્યો છે એમ કહી શકાય. ટુંકમાં એક સુથાર કે જે નાના ઘરો કે દુકાનોમાં સુથારીકામ કરે છે તે એ જ કામ કરતા કરતા મોટી મોટી બિલ્ડિંગો અને સરકારી ઇમારતોના સુથારીકામના મોટા કોન્ટ્રાકટર બની શકે છે. અને જો એમા એન્જીનીયરીંગનો અભ્યાસ સાથે ભળે તો સસ્તા ને ઓછી જગા રોકી વધુ કામ આપતા ટકાઉ ફર્નિચર પણ એ બનાવી માર્કેટમાં ધમાલ મચાવી શકે છે.


સર્જનાત્મકતા એ કોઇની જાગીર નથી અને એ હંમેશા પોતીકી રહેવાની છે. અને એમાં વિવિધતા પેઢી દર પેઢી જોવા મળે છે. બસ તમારા હિસ્સાની તમે સમાજને આપીને જાવ તો સારું નહિતર કોઇ પણ બીજી વ્યકિત તમારા વારાની રાહ જોશે નહિ અને ખુદને એ બુલંદ રીતે આગળ વધારશે અને તમે બાજુએ હડસેલાઈ ગયા  છો એવું અનુભવશો. 

ચચરાટ-જુઓ ભાઈ આપણો તો ચોખ્ખો હિસાબ છે કે કદી તકની રાહ ના જુઓ પણ ખુદ એક તક જેવા બની જાવ. જે કામ આપશે એને ફાયદો થશે અને નહિ આપે એ નુકશાન  ભોગવશે. કદી કોઇ કામ માટે તૈયારી ના કરો પણ એ કામ માટે હંમેશા તૈયાર રહો. 

Tuesday, July 19, 2016

તમે અમારી વાતને (કાયદાને) ના સમજો અને અમે તમારી વાતને(ફાયદાને) નહિ સમજીએ.

સામાન્ય રીતે આપણે સરકાર વડે સંસદમાં પ્રસાર કરવામાં આવતા કાયદાઓ કે ખરડાઓને વાંચવામાં ત્યાં સુધી રસ નથી લેતા જ્યાં સુધી એમાં આપણે ક્યાં તો ભેરવાતા નથી અથવા એમાંથી કોઇ ફાયદો જડતો નથી. એટલે કે આપણા કામનું હોય તો જોશું બાકી કોના બાપની દિવાળી ? જીએસટી ( ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ) વિશે પણ એવી જ ધારણા છે.  વિરોધ પક્ષનો વિરોધ એની જગા પર પણ આ બિલ એટલા માટે પાસ થવું જોઇએ કારણ કે એ મોદી સરકારનું છે. પણ આ બિલમાં શું છે જે કામનું છે કે શું ફાયદો કરાવનારું છે ? એમાં કઈ કઈ મર્યાદાઓ છે એની વિગતો કોઇ પાસે માંગો તો બધાના ચહેરા પર પ્રશ્નાર્થ ચિન્હ વર્તાવા લાગે છે. જાણીતા પત્રકાર અંશુમન તિવારીના મતે "આ કર સુધાર માટેના કેટલાક કારણો છે. પહેલું કારણ એ કે આખા દેશમાં ટેકસની એવી માયાજાળ છે કે ભારતને એક કોમન માર્કેટ બનાવવામાં તે સૌથી મોટી મર્યાદા ઉભી કરે છે. ( જેમકે હંમણા જ કેરળની રાજ્ય સરકારે ફેટ ટેક્સ લગાવ્યો અને તે પણ ૧૪.૫ ટકા ) જીએસટીથી આખા દેશમાં ઉત્પાદન, વેચાણ અને સેવાઓ માટૅ સમાન દરે ટેક્સ લાગશે અને ભારત એક અમર્યાદિત બજાર બની જશે. બીજું કે વિભિન્ન પ્રકારના ટૅક્સ મોંઘવારી વધારે છે પણ જીએસટીના માધ્યમથી કસ્ટમ ડ્યુટી ની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોના બધા જ પરોક્ષ ટેક્સ જેમાં એક્સાઈઝ, સર્વિસ, વેટ, જકાત જેવા ટેક્સ એક સાથે કરી દેવામાં આવશે જેના કારણે ટેક્સનો દર ઓછો થશે. અને પરિણામે ઉત્પાદક અને સેવા આપનારાઓએ ઉત્પાદન અને સેવાઓના અલગ અલગ સ્તરે જે ટેક્સ આપવો પડે છે તેને બદલે એક જ ટેક્સ ભરવો પડશે અને મોંઘવારી ઓછી થશે. ત્રીજું જીએસટી ટેક્સ વહીવટમાં સરળતા લઈને આવશે જે વેપારને સરળ બનાવશે. 

આ ત્રણ કારણો જાણીને જ ઘણા લોકો હરખપદુડા થઈ પડ્યા છે પણ જો આ બિલ વિશે જો વધુ બારીકાઈથી તપાસવામાં આવે તો ખબર પડશે કે જીએસટી તો એક મગજમારીથી ઓછુ નથી અને હાલની ટેક્સપ્રણાલીની સામે આ નવી પ્રણાલી આપણને વધુ પછાત સ્થિતિમાં લાવી શકે એવી છે. જેમકે આ બિલ મુજબ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જ માથાના દુઃખાવા સમાન છે. આ કાયદો અમલમાં આવતા જ ડઝનથી વધારે રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે. જીએસટીના નવા કાયદા મુજબ ત્રિસ્તરીય ટેક્સ જેમાં સેન્ટ્રલ-સ્ટેટ અને ઇન્ટીગ્રેટૅડ માળખા મુજબ આખા દેશમાં માલ વેચનારા કે સપ્લાય કરનારાઓએ દરેક રાજ્યમાં ત્રણ અલગ અલગ રજીસ્ટ્રેશન કરાવવા પડશે. અને રિટર્ન ભરતી વખતે ટેક્સનો હિસાબ રાખવો પડશે. એટલું જ નહિ પણ જો કોઇ કંપની વિવિધ પ્રકારના વ્યવસાય કરતી હશે તો દરેક વેપારનું અલગ અલગ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. 

અરે સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે આ કાયદા મુજબ જો કોઇ કંપની પોતાની જ ભગિની સંસ્થામાં માલ સપ્લાય કરશે તો તેના પર પણ ટેક્સ લાગુ પડશે. અને સેવા કે સપ્લાય મેળવનારી કંપનીએ ત્યારબાદ આ જ ટૅકસના રિટર્ન મેળવવા માટે દાવો કરવાનો રહેશે. હવે મૂળ વાત ઇનપુટ ટેક્સ ક્રેડિટની જે જીએસટીમાં અગત્યની બાબત છે. જે મુજબ ઉત્પાદન કે સપ્લાય દરમ્યાન કાચા માલ કે સેવા માટે ચુકવેલ કર પરત મેળવવામાં આવે છે. અને આ બાબતે આ કાયદો કહે છે કે જો સપ્લાયર સરકારને ટૅકસ નહિ ચુકવે તો તે સેવા કે કાચા માલનો ઉપયોગ કરનારા નિર્માતાઓ ટેક્સ ક્રેડિટ માટે દાવો નહિ કરી શકે. અને આ જ સૌથી મોટી તકલીફ બનશે.  અને નવાઈની વાત તો એ છે કે એક્સાઈઝ અને સર્વિસ ટેક્સના કાયદાઓમાં જટિલ વ્યાખ્યાઓ અને વ્યવસ્થાઓને કારણે સુપ્રીમ કોર્ટ, હાઇર્કોર્ટ અને ટ્રિબ્યુનલો અને અપીલ કમિશ્નરો પાસે એક લાખ વીસ હજારથી વધુ કેસો લાઈનમાં છે. જીએસટી પણ આવા જ ભંદ્રભંદ્રી વ્યાખ્યાઓથી ભરેલું છે. "

ટુંકમાં સોના કરતા એની ઘડામણ મોંઘી પડશે અને સાથે જ ઉંદર કાઢતા ઊંટ પેસે એવી પરિસ્થિતીનું નિર્માણ થશે. હવે આ બધામાં કેટલા જણને આ કાયદાના ફુલ ફોર્મ સિવાય કશી ખબર છે ? એક જ લાઈનમાં બધા કાયદાની સમજ આપતા કહે છે કે બધા ટૅક્સ એક ટેક્સ હેઠળ જ આવી જશે. પછી ? કોઇને કશી ખબર નથી અને ખબર પાડવી પણ નથી. અને આ જ વાતનો એ તમામ ભ્રષ્ટ્રાચારીઓ ફાયદો ઉઠાવે છે. પણ જે પ્રજા પાયાની બાબતોમાં જ સાવ અદભુત જનરલ નોલેજ ધરાવે છે તેને આવી જટિલ બાબતોમાં રસ ક્યાંથી હોય ? એટલે પછી જ્યારે આવા કાયદા આવે ત્યારે મોકાણો ઉભી થાય છે. અને પછી સરકાર સામે બબડાટ અને ચુંટણી આવે ત્યારે ટુંકા ગાળાના ફાયદા જોઇને સરકારના જ પક્ષ કે વિપક્ષમાં તીરંદાજી શરુ. અલકચલાણું ચાલતું રહે. જનતા સરકારને લીંબુ આપે ને પછી સરકાર જનતાને. 

ચચરાટ-
જાણે સરકાર કહેતીના હોય કે તમે અમારી વાતને (કાયદાને) ના સમજો અને અમે તમારી વાતને(ફાયદાને) નહિ સમજીએ. 






Tuesday, July 12, 2016

દેશના લોકોને દેશની સિસ્ટમ પર ભરોસો નથી પણ એ જ લોકોને સિસ્ટમની ખબર પણ નથી.

આપણે ત્યાં સરકારમાં ચાલતા કે વિશ્વ કક્ષાએ ચાલતા રાજકારણમાં બધાને રસ હોય છે પણ રુચિ નથી હોતી. નરેન્દ્ર મોદી એ કેવા જુસ્સા સાથે એનએસજીના સભ્યપદ માટે ભારતની દાવેદારી રજુ કરી એ બાબતે બધાને ગર્વ થાય છે પણ એમણે એ દાવેદારી કેમ કરી ? શું કારણ છે એ કરવા પાછળનું તો કોઇ કરતા કોઇને ખબર નહિ હોય. સલમાન ખાન કઈ બ્રાન્ડની અંડરવેયર પહેરે છે થી લઈ અનુષ્કા અને વિરાટ ના રિલેશનશીપની ખબર જાણવા ઉત્સુક પ્રજા ભાગ્યે જ ગંભીર મુદ્દાઓ પર ધ્યાન આપવાની તસ્દી લેતી હોય છે. ગઈકાલે જ એક મિત્ર સાથે ચર્ચા થઈ જેને દેશની સિસ્ટમ પર ભરોસો નથી પણ સાથે જ દેશની સિસ્ટમ વિશે ખબર પણ નહોતી. અને આવા ઘણા બધા મુદ્દે આપણે સહુ હવે આયારામ ગયારામ જેવી પ્રણાલી મુજબ ટેવાઈ ગયા છીએ. વીતેલા અઠવાડિયામાં એનએસજીની બહુ ચર્ચા ચાલી. એમાં ચાઈના આપણને નડી રહ્યું છે એવી બુમરાણ મચી. પણ સાથે જ એવા મેસેજ પણ ફરતા થયા કે ચાઈનીઝ માલનો બહિષ્કાર કરો. પણ આ મેસેજ મોકલનાર મિત્રને જેવુ પુછ્યુ કે આ એનએસજી શું છે ? શા માટે હોય છે ? એનાથી શું ફાયદો થાય ? તો મેસેજ મોકલનાર મિત્રએ કહ્યું કે મને તો મેસેજ ફોરવર્ડ થયેલો એટલે મે ંપણ મોકલ્યો. એટલે બીજા બધા ઘેટાં હતા એટલે આ ભાઈ પણ ગાડરિયા પ્રવાહે તણાયા.

એનએસજી શું છે ?
ન્યુક્લિયર સપ્લાયર ગૃપ જેની સ્થાપના ૧૯૭૪માં થઈ હતી અને જોગાનુજોગ એની સ્થાપનાનું કારણ ભારત જ હતું કારણ કે ભારતના પહેલા પરમાણુ પરીક્ષણના પરિણામે એની સ્થાપના થઈ હતી. એ જ વર્ષે એનએસજીના સભ્ય દેશોની પહેલી મીટીંગ થઈ હતી. એનએસજીમાં અમેરિકા,ફ્રાન્સ, ચીન જેવા ૪૮ દેશો સભ્ય છે. અને એનએસજીનો હેતુ પરમાણુ હથિયારોને પ્રસારિત થતા અટકાવવાનો છે. એનએસજીના સભ્ય બનવા માટે એનપીટી ( પરમાણુ અપ્રસાર સંધિ ) પર સહી કરવું અનિવાર્ય છે. અને ભારતે હજી એના પર સહી કરી નથી. 

એન પી ટી શું  છે ?
પરમાણુ હથિયારોનો વિસ્તાર થતો અટકાવવા અને પરમાણુ ટેકનોલોજીનો શોંતિપૂર્ણ અને જવાબદારીપુર્વકનો ઉપયોગ થાય તે માટે એન પીટીની સ્થાપના ૧૯૭૦માં કરવામાં આવી હતી. જેના પર ૧૮૭ જેટલા દેશો એ સહી કરીને પોતાની સંમતિ દર્શાવી છે. એનપીટી પર સહી કરનારા દેશો ભવિષ્યમાં પરમાણુ હથિયારો વિક્સિત નહિ કરી શકે અને શાંતિપૂર્ણ ઉદ્દેશ્યો માટે પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરી શકે છે. 

ભારત માટે કેમ જરુરી છે એનએસજીનું સભ્યપદ  ?
ઉર્જાની જરુરિયાત પુરી કરવા ભારતનું એનએસજીમાં સભ્યપદ અનિવાર્ય છે. જેના સભ્ય બનતા જ ભારતને પરમાણુ ટેકનોલોજી મળશે. અને ભારતને યુરેનિયમ કોઇ પણ પ્રકારની સમજુતી વગર મળશે. પરમાણુ મશીનો વડે નીકળેલા કચરાના નિકાલ માટે સભ્ય દેશોની સલાહ અને મદદ મળશે અને પરમાણુ ટેકનોલોજી અને કાચો માલ ટ્રાન્સફર કરવામાં મદદ મળશે. 

આ  આખાય ઘટનાક્રમમાં ચીનની વૃતિ મામા શકુનિ જેવી છે. જેને દેખાય છે કે ભારત પરમાણુ ટેકનોલોજીનો જવાબદારીપુર્વક ઉપયોગ કરતું હોવા છતાં બધી જ વાતોને નજરઅંદાજ કરીને ભારતના સભ્યપદ સામે એને વાંધો છે. અને આ બધામાં હાડોહાડ અધર્મી એવા પાકિસ્તાનને પણ ભારત ભેગો એનએસજીમાં સભ્ય પદ મળે એવી એણે ખેવના રાખી છે. ચીનની મૂળ દલીલ એવી છે કે ભારતે એનપીટી પર સહી કરી નથી અને ઍટલે ભારતને સભ્યપદ નહિ મળે. આમાં ગાંડી સાસરે ન જાય અને ડાહીને સલાહ આપે એવો ઘાટ વર્તાય છે. કારણ કે ફ્રાન્સ એનએસજીના સ્થાપક દેશોમાંનો એક છે એણે પોતે જ એનપીટી પર સહી કરી નહોતી. અને ખુદ ચીને ત્રણ દશક સુધી એનપીટી પર સહી કરી નહોતી. ભારત સરકારે આ વર્ષે ભરપેટ પ્રયત્નો કર્યા કારણ કે ઓબામાનો કાર્યકાળ પુરો થાય છે. મનમોહન સરકાર વખતે જ ઓબામાં એ એનએસજીના સભ્ય બનાવવામાં ભારતને મદદ કરવા માટે વચન આપ્યુ હતું અને એટલે જ ભારત સરકારે આ વખતે એડીચોટીનું જોર લગાવ્યું. જેથી બરાક ઓબામા મારફતે એ કામ થઈ જાય. 

ભારતને સભ્ય બનાવવા બાબતે એનએસજીના સભ્ય દેશો પાંચ જુથમાં વિભાજીત થયેલા જોવા મળૅ છે.મૂળ ગૃપ હિમાયતી દેશોનો છે જેમાં અમેરિકા, જાપાન, રશિયા, કેનેડા, બ્રિટેન, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો છે. કે જેઓ ભારતને સપોર્ટ તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે તેઓ બીજા દેશોને ભારતને સપોર્ટ કરવા માટે મનાવવા પણ તૈયાર છે. બીજું ગૃપ એ દેશોનો હતો કે જેઓ સમર્થન કરવા તૈયાર હતા જેમાં પૂર્વી યુરોપ, મધ્ય એશિયા, નેધરલેન્ડ્સ અને બેલ્જીયમ જેવા પશ્ચિમી દેશોનો સમૂહ હતો. ત્રીજુ ગૃપ બ્રાઝિલ, સ્વિટઝર્લેન્ડ , તુર્કી સહિત એવા દેશોનું હતું કે જેઓ  ભારતને એનએસજીના સભ્ય બનાવવા માટે ટેકો આપવા તૈયાર હતા બસ શરત એ હતી કે સાથે સાથે ભારત અને પાકિસ્તાન જેવા એનપીટીના સભ્ય નથી એવા દેશોના એનએસજીના પ્રવેશ માટે એક સમજુતી કેળવવામાં આવે. ચોથા ગૃપમાં ત્રણ દેશો હતા, ઓસ્ટ્રિયા, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ. આ દેશો એક કડક પધ્ધતિ ઇચ્છતા હતા. જે મુજબ તેઓ ભારતની સભ્યતાનો વિરોધ નહોતા કરતા પણ ઈચ્છતા હતા કે પહેલા કેટલાક માપદંડો નક્કી કરવામાં આવે અને પછી જ ભારત સહિત અન્ય દેશોની અરજી પર વિચાર કરવામાં આવે. અને છેલ્લું ગૃપ માત્ર ચીન વડે જ બનેલું હતું જેનો વિરોધ જ તદ્દન ગેરવાજબી અને વાહિયાત હતો. 

ભારત માટૅ એનએસજીનું  સભ્યપદ મેળવવા માટે ઉતાવળનું કારણ એક નહિ પણ બે છે. 
પહેલું કારણ પેરિસ માં થયેલું જળવાયુ પરિવર્તન શિખર સંમેલન અને બીજું  ડિસેમ્બર ૨૦૧૬માં અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો કાર્યકાળ પુરો થાય છે. નવેમ્બર ૨૦૧૫માં થયેલા થયેલા જળવાયુ શિખર સંમેલનમાં ભાગ લેનારા દેશોને  ભારત એક સમસ્યા જેવો ભાસે છે. કારણ કે ભારત કોલસા અને અન્ય અશ્મીભૂત ઉર્જા માધ્યમો પર તેની નિર્ભરતા ટકાવી રાખવા મક્કમતા દર્શાવી રહ્યુ હતું. અને નરેન્દ્ર મોદીએ સાહસિક્તા સાથે પરિસ્થિતી બદલી અને તેને ભારતનો એક ભાગ જ બનાવી દીધો. જ્યાં નરેન્દ્ર મોદીએ  વાયદો કર્યો કે ૨૦૩૦ સુધીમાં ભારત બિન-અશ્મીભૂત ઉર્જા માધ્યમો થકી ઉર્જાની પોતાની હિસ્સેદારી ૪૦ ટકા સુધી વધારી દેશે. અને ત્યારબાદ તેમણે આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા સહયોગ માટેની રુપરેખા તૈયાર કરી જેથી સૌર ઉર્જા જેવી સસ્તી અને કાયમી પધ્ધતિ માટેની ટેકનોલોજી મેળવવામાં આવે. માત્ર સૌર ઉર્જા જ નહિ પણ મોદી સાહેબની ટીમ તો પરમાણુ વીજળી ના એકમો થકી પણ ઉર્જાની જરુરિયાતને પંહોચી વળવા માટે ઉત્સાહિત હતી. મોદીસાહેબે ૨૦૩૨ સુધીમાં ૬૩,૦૦૦ મેગાવોટ વીજળી માટે પરમાણુ ઉર્જા  પ્લાન્ટ  લગાવવાની આક્ર્મક યોજના તૈયાર કરી. અને આમ દેશનું કુલ વીજળી ઉત્પાદન નવ ટકા જેટલી થઈ જશે. તેથી જ મોદી સરકારે વધારાની ૧૦,૬૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદન માટે ૧૬ નવા ઘરેલુ વીજળી પ્લાન્ટ લગાવવાની મંજુરી આપી છે સાથે જ   અમેરિકા, રશિયા, ફ્રાન્સની વિદેશી કંપનીઓને ૨૬ નવા વીજ્ળીના પ્લાન્ટ સ્થાપિત કરવાનો કરાર કર્યો છે. જેના થકી ૨૯,૫૦૦ મેગાવોટ જેટલી વીજળી પૈદા થશે.

આ મહત્વકાંક્ષી લક્ષ્યોને પુરા કરવા માટે ભારત અને વિદેશી કંપનીઓ આર્થિક અને ટેકનોલોજીને લગતા કરારોની પરવાહ કરતી હતી. આ માટે આંતરરાષ્ટ્રીય રોકાણકારો રોકાણ કરવાની નીતિયોમાં સ્થાપિતતા લાવવા માંગતા હતા. પરમાણુ વેપારમાં યુરોપ, દક્ષિણ કોરિયા, અને જાપાન જેવા દિગ્ગજ ખેલાડીઓએ કહ્યું કે જો ભારત એનએસજીનું સભ્ય બની જાય છે તો એમને સરળતા રહેશે અને રોકાણ કરવા માટેના એમના વાયદાઓને પુરા કરવામાં પણ સરળતા રહેશે. અને એટલે એનએસજીનું સભ્યપદ ભારત માટે અગત્યનું બની ગયું.
તકલાદી દેશભક્તિ ધરાવતી પ્રજા જે દી સરકારના દરેક પગલાં વિશે માહિતી મેળવતી અને સમીક્ષા કરતી થશે તે દિવસે દેશ ઘણી બધી સમસ્યાઓથી મુક્ત થશે. ચાઈના અને બીજા એવા દેશો ભારતના સ્વાભિમાન પર છડેચોક ઘા કરી જાય છે તેનું કારણ આપણી પ્રજાની ખંધઈ છે. વાતે વાતે રાજકારણ રમતી પ્રજા એમાં ખુદને પણ જો બાકાત ન રાખતી હોય તો દેશની તો શું વિસાત છે. ?