બે ફિલ્મોના ટ્રેલર જોયા ત્યારથી જ મન હતું કે આ બન્ને ફિલ્મો તો જોવી જ રહી અને બન્ને જોઇ પણ નાંખી પણ બન્ને ફિલ્મોને જોતી વખતે એક જ વસ્તુ ફિલ થઈ કે ભાઈ હવે આ પિક્ચર પતે તો સારુ કે કંઈ સરપ્રાઈઝ આપે તો સારું. હરખપદુડા થઈને નવાજુદ્દીન સિદ્દિકીને વધાવવા માટે પહેલા ફ્રીકી અલી જોવાનું નક્કી કરીને અંકે ૧૦૦ રુપિયા ખર્ચી રવિવારની સવાર બગાડીને ફિલ્મ જોવા ગયા. તો માલૂમ પડ્યુ કે સોહેલ ખાને કાસ્ટિંગ ડિરેકટરને જ સીલેક્ટ કરવામાં થાપ ખાધી હતી. અને પછી બે ચાર પાત્રોને બાદ કરતા બાકીના મોટાભાગના પાત્રો નબળા પુરવાર થયા. કારણ કે કાસ્ટિંગ ડિરેકટરે કાસ્ટિંગમાં જ ગોથાં ખાધા છે. પેલા રાણી બનેલા આંટી સાથેનો પહેલો સીન જ કાસ્ટિંગ ડિરેકટરની ભુલો બતાવવાનું શરુ કરે છે. કેટલાક સીન જોઇને તો વારેવારે એમ થાય કે આવી મોટી ગોલ્ફની ટુર્નામેન્ટ અને એને જોવા માત્ર પચ્ચીસ પચાસ માણસો જ તાળીઓ પાડવા આવે ? સૈરાટમાં એક ક્રિકેટની ટુર્નામેન્ટ જોવા બસ્સો ત્રણસો જણા તો અમથા અમથા પણ સીનમાં દેખાય છે. ફ્રિકી અલીમાં ત્રણ જ જણને પગાર બરાબર મળ્યો છે અને તેઓ એ સરખો ન્યાય કર્યો છે. એક નવાજુદ્દિન સિદ્દિકી, બીજા હતા કેડી બનેલા આસિફ બસરા જેઓએ રોંગ સાઈડ રાજુ નામની ગુજરાતી ફિલ્મમાં મુખ્ય ભુમિકા ભજવી છે. અને ત્રીજો ડાયલોગ રાઈટર. ઘણા ડાયલોગ આપણને નવાજુદ્દિનની આગવી અદાને લીધે ગલગલિયા કરાવી જાય છે. બાકી અરબાઝે હવે એકટિંગ છોડી માત્ર ફિલ્મ નિર્માણ તરફ જ ફોકસ કરવું જોઇએ એવું અનુભવાય છે. ફિલ્મ જોતા જોતા એમ થાય છે કે અરબાઝની એકલતા અને બેકારી માટે થઈને અમારો ભોગ કેમ લો છો યાર ? એટલે ફ્રિકી અલી જોવા માટૅ સાવ નવરા હોવ અને સારી બધી સારી ફિલ્મો જોઇ નાંખી હોય અને તમારે ડ્રિસ્ટ્રેક્ટ જ થવું હોય અથવા બે ત્રણ કલાક પસાર કરવા હોય અને એસીવાળા થિયેટરમાં ઊંઘાવું હોય તો અને તો જ આ ફિલ્મ જોવી બાકી તો દુરથી પ્રણામ કરી દેવી.
આ લેખનું ટાઈટલ બે ફિલ્મોના ટાઈટલથી બનાવ્યું છે એટલે બીજી ફિલ્મની પણ વાત કરી લઈએ. ફ્રિકી અલી પુરી થઈ તો મિત્ર રોનક બોલ્યો આના કરતા રોંગ સાઈડ રાજુ જોઇ હોત તો સારું થાત. અને સારું થશે એવું ધારીને જ રોંગ સાઈડ રાજુ જોવા ગયો તો એમાં ફિલ્મની સ્પીડ જોઇ ડિરેક્ટરને કહેવાનું મન થાય કે ભાઈ થોડી સ્પીડ વધારને. કેવી રીતે જઈશ અને બે યાર જેવી સફળ અને ઉત્તમ ફિલ્મો આપનારા અભિષેકની ફિલ્મોમાં જોવા મળે છે એવા લોકલ ઉચ્ચારણો, નામો, કહેવતો, આમાં જોવા નથી મળતા. અરે કેવી રીતે જઈશ અને બે યાર માં આંખો ભીની કરનારા તો ગલગલિયા કરાવનારા ઘણા સીન હતા પણ રોંગ સાઈડ રાજુમાં તો એનો પુરેપુરો અભાવ છે. એક પણ સીન જોઇ આંખે ઝળઝળિયા આવતા જ નથી. અને ગલગલિયા તો પરાણે આવતા હોય એમ લાગે છે. અને ઘણા મુદ્દે તો ડિરેક્ટર સહિત બધા જ થાપ ખાતા હોય એવું અનુભવાય છે. એક બુટલેગર પકડાય તો એની પોલીસમાં ઓળખાણ જ ન હોય તે કેવી રીતે બની શકે ? હપ્તો આપ્યા વગર કોઇ બુટલેગર એનું કામ જ ન કરી શકે એ વાત તો જગજાહેર છે. અને પોલીસ ત્રણ બાટલી લઈને પકડાયેલા એક બુટલેગર પાસે ૨૦ લાખ રુપિયા પતાવટ માટે માંગે તે પણ કેવી વાત ? અને આવા બુટલેગરનો કોઇ કાયમી વકીલ પણ ન હોય તે પણ વાત ગળે ઉતરતી નથી. એક જરા સરખા ઝટકા ગાડીમાં અનુભવતો તગડો અમીરજાદો મરી કેવી રીતે જઈ શકે ? જે માણસ પોતાની ધાકથી પોતાના આવનારા પ્રોજેકટ સાથે જોડાનારાઓને કોન્ટ્રાક્ટ પર સાઈન કરવા મજબુર કરી શકે એ જ વ્યક્તિ કેવી રીતે કશું કર્યા વગર ખાલી ખાલી હાથ પગ મારીને બેસી રહી શકે ? ફેસબુક પર ઘણા લોકોના આ ફિલ્મના વખાણવાળા વિડીયો જોવા મળ્યા જેમાં ઘણા લોકોએ ખોટે ખોટા વખાણ કર્યા છે એવું રોંગ સાઈડ રાજુ ફિલ્મ જોયા બાદ ફલિત થાય છે. અરે હાઈકોર્ટના કોર્ટરુમનો સીન તો એવો હતો જાણે માર્કેટમાં કોઇ ઝઘડો થયો અને એમાં સામ સામી દલીલો કરીને ત્યાં જ ફેંસલો આણવાનો હતો. વિડીયો જોવા બાબતે જ્યારે વકીલો લડે છે ત્યારે એમ થાય કે સ્ટોરી લખનારને એ બાબતનો સહેજે ખ્યાલ નહિ હોય કે આવા હાઈ પ્રોફાઈલ કેસમાં અગત્યની લાગતી દરેક વસ્તુ કોર્ટમાં જોવી કે ન જોવી તે જજ પોતે નક્કી કરે છે એના માટે કોઇ દી આનાકાની કરી જ ન શકાય. ગજની, તારે ઝમીં પર જેવા ટાઈટલ મુકીને પ્રેક્ષકોને હસાવવાનો નિરર્થક પ્રયાસ થતો માલૂમ પડે છે. જ્યારે રાજુના વકીલ બનેલા હેતલ પુણીવાલા એ સીનનાં અંતે ઇમોશનલ થાય છે ત્યારે એમ થાય કે લે આ તો પાણીમાં વઘાર કરવા બેઠા. અને એન્ડ જોઇને એવું ફિલ થાય જાણે ફિલ્મ પ્રોડકશનના બધા ટિમ મેમ્બર ડિરેક્ટરને ધીમી રફતારથી કંટાળીને કહેતા હોય કે ભાઈ ફિલ્મ પુરી કરોને. અને ડિરેક્ટર ફ્ટ્ટાક દઈને ફિલ્મ પુરી કરી નાંખે છે.
મુદ્દો એ જ કે આ ફિલ્મનું પિષ્ટપિંજણ કરવાનું મન એટલા માટે થાય છે કારણ કે આ ફિલ્મ પાસેથી માફકસરની અપેક્ષા હતી. જેમ 'બે યાર' અને 'કેવી રીતે જઈશ ' ફિલ્મોના ખોબલે ખોબલે સાચાં વખાણ કર્યા હતા કારણ કે એ વખાણને લાયક હતી અને લોકોને સામેથી એ ફિલ્મો એક્વાર જોવાની રેડિયો થકી, સોશ્યલ મીડીયા થકી અથવા અંગત રીતે રુબરુમાં સલાહો આપી હતી. તેવી રીતે રોંગ સાઈડ રાજુ માટે કહેવાનો જીવ ચાલતો નથી.
ચચરાટ ઃ માન્યું ફિલ્મ બનાવવું એ બહુ જ અઘરું કામ છે. અને એ માટે રાત દિવસની મહેનત લાગતી હોય છે. પણ એ જ ફિલ્મને જોવા માટે ખર્ચાતા અમારા ૧૦૦ રુપિયા કમાવા માટે અને એ સો રુપિયાની ટિકિટ એડવાન્સમાં મેળવી લેવા માટે બે વાર થિયેટર પર આંટો મારવાની મહેનત કરવી પડતી હોય છે. જે આ કળયુગમાં બહુ મોટી વાત છે.
No comments:
Post a Comment