એક અખબારી અહેવાલ વાંચીને હિન્દી ફિલ્મ જગતનું એક ગીત ગણગણવાનું મન થાય છે કે યે તો હોના હી થા. ન્યુઝીલેન્ડમાં હાલમાં ૧૫૦થી વધારે વિધાર્થીઓને એટલા માટે દેશ છોડવાનો આદેશ અપાયો છે કારણ કે તેમણે વિઝા મેળવવા માટે નકલી ડોક્યુમેન્ટસનો સહારો લીધો હતો. આ માટૅ ન્યુઝીલેન્ડની સરકાર માટૅ એટલું જ કહી શકાય કે રાંડ્યા પછીનું આ ડહાપણ છે. કારણ કે જે વિધાર્થીઓએ ૧૪ લાખથી વધુની રકમ ખર્ચી અને જે દેશને પરોક્ષ રીતે પોષ્યો એણે જ્યારે સ્ટડી પુરી થવા આવી ત્યારે વિધાર્થીઓને નકલી ડોક્યુમેન્ટ માટે થઈને ડિપોર્ટ કરવાની સજા ફટકારી છે. વિધાર્થીઓ પર નભતા દેશોમાં ન્યુઝીલેન્ડ મોખરે હશે. કારણ કે એક વિધાર્થી ઓછામાં ઓછા ૧૦ થી ૧૫ લાખ લઈને દેશમાં પ્રવેશે છે. અને વાર્ષિક ૮૦ હજારથી વધુ વિધાર્થીઓ ન્યુઝીલેન્ડમાં ભણતરના નામે પ્રવેશ લે છે. અને વિધાર્થીઓ એ ભરેલા ફિસના રુપિયા પણ પ્રાઈવૅટ કોલેજો પાસે સીધા નથી જતાં પણ સરકાર પોતાની પાસે રાખી દર મહિને કોલેજોને હપ્તા પ્રમાણે ચુકવે છે. જુના જમાનામાં ભારતમાંથી મજુરોને પોતાના શાસિત પ્રદેશમાં લઈ જઈ અંગ્રેજો મજુરી કરાવતા. અને એવી જ પ્રથા આજે પણ યથાવત છે. બસ ફરક એટલો છે સસ્તા મજુરો આજે સ્વેચ્છાએ વિદેશોમાં મજુરી માટૅ સામેથી રુપિયા આપીને જાય છે. પોતાના દિકરા-દિકરીને હોંશે હોંશે વિદેશ ભણવા અને સેટલ કરવા મોકલતા માતા-પિતાઓ કેટલીક વાસ્તિવક્તાઓને ધ્યાને રાખીને એમને વિદેશ ભણવા મોકલે.
ન્યુઝીલેન્ડ જશો એટલે જોબ મળી જશે.
આ માટે એટલું જ કહેવાનું કે આ એક નકરું જુઠાણું છે. ત્યાં કોઇ કાળે નોકરી લઈને કોઇ બેઠું હોતું નથી. ત્યાં તમારા ગમે તેટલા સગા હશે પણ જોબ મેળવવા તમારે રીતસર કરગરવાની નોબત આવતી હોય છે. ઓળખીતાઓ તો દુઃખતા પર ડામ દેતા હોય તેમ સુફિયાણી સલાહ આપવા સિવાય કોઇ કામ કરતા નથી. ( એ બાબતે હું નસીબદાર હતો ) અને નોકરી- કામ મળે તો એમાં ક્લીનીંગના, મજુરીના, કુરિયર વાળાના, ખેતરોમાં મજુરી કરવાના, પિત્ઝા કે બર્ગરની દુકાને કે પેટ્રોલ પમ્પ પર તમારી નોકરી લાગે. અને આમાં પણ જ્યારે ભારતીયોની વાત આવે તો શોષણ કરવામાં એ લોકોના કિસ્સા તો જગજાહેર છે. નાની ઉંમરે ન્યુઝીલેન્ડ પંહોચીને સીક્યુરીટી કે કુરિયર બોક્ષ ઉંચકવાના કામો કરતા ટાબરિયા તમને ન્યુઝીલેન્ડના નીતિ નિયમો એવી રીતે શીખવે કે જાણે તમે તો જીવનમાં માત્ર જખ જ મરાવી છે. તમારા સંતાનને જો તમે રુપિયા પૈસા વગર મોક્લ્યા હશે તો એનું આવી બનશે. કારણ કે પાઈ પાઈનો હિસાબ રાખતા મોટાભાગના ચીકણા ભારતીયો તમારા સંતાનને ક્યારે ઘરમાંથી નીકળી જવા કહી દે તેનું કંઈ ઠેકાણું નહિ. બે નાના બેડરુમના એપાર્ટમેન્ટમાં સાત થી આઠ જણા એટલા માટે ગોંધાયને જીવે છે કે જેથી ડોલર બચે. અને મુંબઈની ચાલ સિસ્ટમ યાદ અપાવે.
ન્યુઝીલેન્ડમાં પી આર સરળતાથી મળૅ છે.
સુરતીમાં કહું તો 'કંટોલા'.તદન જુઠાણું. ન્યુઝીલેન્ડમાં તમને પી આર તો જ સરળતાથી મળે જો તમને કોઇ ત્યાંનો વ્યવસાયી સરકાર સમક્ષ તમારી હાજરીની અનિવાર્યતા સાબિત કરે કે આ વ્યકિતની અમને ખુબ જ ગરજ છે અને એના વિના ચાલે એમ નથી. અથવા તમે ત્યાંના નાગરિક જોડે પરણી જાવ. પી આર મેળવવા માટે વિધાર્થીઓ જે હિસાબે સંઘર્ષ કરે છે અને શોષણનો ભોગ બને છે તે હકીકતોના કિસ્સા પણ જાણવા જેવા છે. આઈ ટી, મેડિકલ એ સિવાયના વિષયવાળા ખાસ કરીને બિઝનેસ કોર્ષ લેનારા વિધાર્થીઓ માટે તો ન્યુઝીલેન્ડ એ શોષણનું કેન્દ્ર છે. જેમકે એક વિધાર્થી લેવલ ૫ ના બિઝનેસ કોર્ષમાં એડમિશન લે છે. અને એને અઠવાડિયે માત્ર ૨૦ કલાક જ કામ કરવાની પરવાનગી ઇમીગ્રેશન વિભાગ આપે છે. ત્યાર બાદ એને એક વર્ષના જોબ સર્ચ વિઝા મળૅ છે. જેમાં એણે એકાદ એવા એમપ્લોયીને શોધવાનું હોય છે જે એને વર્ક વિઝા માટૅ સપોર્ટ કરે જે મળવું લગભગ મુશ્કેલ છે. એટલે વિધાર્થી એક વર્ષમાં મજુરી કરી જે રકમ ભેગી કરે છે. પણ વિઝા સપોર્ટ ન મળતા તે ન્યુઝીલેન્ડમાં ટકી રહેવા ફરી લેવલ -૬ ના કોર્ષમાં એડમીશન લે છે અને કમાયેલા રુપિયા એમાં ખર્ચે છે. અને ફરી અઠવાડિયે ૨૦ કલાકની મર્યાદામાં જોબ કરવા બંધાય છે. એટલે ભેગી કરેલી મુડી ફરી ખર્ચાય છે. કારણ કે ન્યુઝીલેન્ડમાં એક મહિનાનો ખર્ચ જ ૭૦૦ થી ૮૦૦ ડોલરનો થાય છે. અને આ ક્રમ લેવલ ૭ સુધી ચાલે છે. અને અંતે વિધાર્થી દેશ પરત થાય છે.
વિઝા અને પી આર મેળવવા ત્યાંની નાગરિક હોય તેવી છોકરીઓ સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેવાના, અરે ઉંમર લાયક સ્ત્રીઓ સાથે પરણવાના કિસ્સા પણ સાંભળવા મળે છે. અને ઘણા તો લગ્ન પણ કરી લેતા હોય છે.
ન્યુઝીલેન્ડ્માં લાઈફ સેટ થઈ જશે.
કોઇ કાળે લાઈફ સેટ થતી જ નથી. એને સેટ થતા થતા સહેજે ૧૫ થી ૨૦ વર્ષ લાગી જાય છે. ઘણા બધાને વિઝાના ચક્કરમાં માતા-પિતાના અંતિમ સંસ્કાર ચુકી જવાના, લગ્નભંગના કિસ્સા કહેતા સાંભળ્યા છે. વાતે વાતે જાહેરમાં નૈતિકતાના બણગા ફુંકતા લોકો જ અનૈતિક રીતે સેટલ થવાના કિમીયા શોધતા અને બતાવતા હોય છે. ભગવાનની ભક્તિના યોજાતા કાર્યક્ર્મોમાં પણ લોકો એટલા માટે જાય છે જેથી કોઇ જોબ અપાવી દે. જીવનનાં શરુઆતના વર્ષો વર્ક વિઝા અને પી આર મેળવવામાં જતા રહે છે અને પી આર મળ્યા બાદ રાહત શું ? તો મેડિકલ ફ્રી , બાળકો માટે એજ્યુકેશન ફ્રી. પણ એની સામે ભોગ શાનો શાનો લેવાયો ?
માતા-પિતા નાદુરસ્ત હોય તો તેવા સમયે ફેસબુક પર બેસીને રોદણાં રોવાના કે " હું તારી સાથે નથી પણ હું હંમેશા તારી પડખે જ છું." ભારતમાં બાળપણના મિત્રો,સ્કુલ-કોલેજના મિત્રો, ઓફિસના સહકર્મચારીઓના જીવનમાં આવતી ખુશીઓને માત્ર ફેસબુક પર લાઈક કરીને ખુશ થતા રહેવું.
સસ્તી મજુરી મેળવવા માટે જ ન્યુઝીલેન્ડ બિઝનેસના વિધાર્થીઓને સરળતાથી વિઝા આપે છે.
ન્યુઝીલેન્ડની સરકાર જાણે છે કે ભારતીયો ગમે તે ભોગે કામ કરવા રાજી થશે. એટલે ૧૫ ડોલર પ્રતિ કલાકને બદલે જો ભારતીયોને ૨ ડોલર પણ મળશે તો તેઓ કામ કરશે. અને એવા ઘણા કિસ્સા પકડાયા છે. સાથે જ ખેતરોમાં કેશ કામ કરવા પણ મજુરો તરીકે ભારતીયો તૈયાર રહે છે. નિયમ મુજબ ૨૦ કલાક અઠવાડિયે કામ કરી શક્તા વિધાર્થીઓ નિયમ વિરુધ્ધ જઈ કેશમાં કામ કરતા જોવા મળે છે. બિઝનેસ કોર્ષ પર એડમિશન લેનાર વિધાર્થીને ન્યુઝીલેન્ડમાં વર્ક વિઝા મૅળવવા મેનેજરની પોસ્ટ જ ઓફર થવી જોઇએ અને તે પણ એવી કે જેમાં પ્રોડક્ટનો ભાવ નક્કી કરવાનો એને અધિકાર હોય. અને એવી પોસ્ટ મળવી લગભગ મુશ્કેલ. વળી કેટલાક વિસ્તારો તો એવા વસાહતીઓ માટે પ્રખ્યાત કે જેઓ પાસે વેલીડ વિઝા જ નથી. પણ બસ ત્યાં એક ગુમનામ જીવન જીવી રહ્યા છે. અને જે દી પકડાય તે દિવસે સીધા ડિપોર્ટ કરવાની સજા ભોગવીને ભારત પરત આવે છે.
એક સિસ્ટમ તો એવી છે જેમાં કેટલાક ભારતીયો એવી સ્કીમ ચલાવે છે કે જેમાં તમારે એમને એક તગડી રકમ આપવાની હોય છે અને તેના બદલે તેઓ તમને પી આર મેળવવામાં સપોર્ટ કરતા હોય છે.એટલે પી આર અપાવવો એ પણ એક તગડો બિઝ્નેસ છે.
અને આ વાર્તા માત્ર ન્યુઝીલેન્ડની જ નહિ પણ મોટાભાગના એ દેશોની છે જેમણે સ્ટુડન્ટ વિઝા નામની હાટડીઓ ખોલી રાખી છે. છાશવારે ભારતીયોને ત્યાંના નાગરિકો ભાંડતા હોય છે. પોલીસનો સહયોગ નાગરિકો પ્રત્યે વધુ જોવા મળે. સાંજે ૬ વાગ્યા પછી સબર્બ વિસ્તારોમાં ન નીકળવાની સલાહ તમામ લોકોને હોંશે હોંશે અપાય છે. કારણ કે ત્યાં તમને કોઇ પણ લુંટી શકે. યુવાનો લુંટારા બની સીસીટીવી કેમેરા સામે તમને લુંટીને જઈ શકે પણ સજા રુપે એમને સામાજીક કાર્યો કરવાની સજા ત્યાંની યુથ કોર્ટ આપે છે.૧૪ થી ૧૫ લાખની જે રક્મ વિધાર્થીએ ભરી હોય એમાં એક થી બે લાખનું કમીશન તો માત્ર તમારો વિઝા એજન્ટ જ કોલેજ સાથેના જોડાણ થકી ચાંઉ કરી જાય છે.
વધુ આવતા અઠવાડિયે...!
No comments:
Post a Comment