Thursday, September 15, 2016

રોંગ સાઈડ રાજુ અને અલી..!

બે ફિલ્મોના ટ્રેલર જોયા ત્યારથી જ મન હતું કે આ બન્ને ફિલ્મો તો જોવી જ રહી અને બન્ને જોઇ પણ નાંખી પણ બન્ને ફિલ્મોને જોતી વખતે એક જ વસ્તુ ફિલ થઈ કે ભાઈ હવે આ પિક્ચર પતે તો સારુ કે કંઈ સરપ્રાઈઝ આપે તો સારું. હરખપદુડા થઈને નવાજુદ્દીન સિદ્દિકીને વધાવવા માટે પહેલા ફ્રીકી અલી જોવાનું નક્કી કરીને અંકે ૧૦૦ રુપિયા ખર્ચી રવિવારની સવાર બગાડીને ફિલ્મ જોવા ગયા. તો માલૂમ પડ્યુ કે સોહેલ ખાને કાસ્ટિંગ ડિરેકટરને જ સીલેક્ટ કરવામાં થાપ ખાધી હતી. અને પછી બે ચાર પાત્રોને બાદ કરતા બાકીના મોટાભાગના પાત્રો નબળા પુરવાર થયા. કારણ કે કાસ્ટિંગ ડિરેકટરે કાસ્ટિંગમાં જ ગોથાં ખાધા છે. પેલા રાણી બનેલા આંટી  સાથેનો પહેલો સીન જ કાસ્ટિંગ ડિરેકટરની ભુલો બતાવવાનું શરુ કરે છે.  કેટલાક સીન જોઇને તો વારેવારે એમ થાય કે આવી મોટી ગોલ્ફની ટુર્નામેન્ટ અને એને જોવા માત્ર પચ્ચીસ પચાસ માણસો જ તાળીઓ પાડવા આવે ? સૈરાટમાં એક ક્રિકેટની ટુર્નામેન્ટ જોવા બસ્સો ત્રણસો જણા તો અમથા અમથા પણ સીનમાં દેખાય છે. ફ્રિકી અલીમાં ત્રણ જ જણને પગાર બરાબર મળ્યો છે અને તેઓ એ સરખો ન્યાય કર્યો છે. એક નવાજુદ્દિન સિદ્દિકી, બીજા હતા કેડી બનેલા આસિફ બસરા જેઓએ રોંગ સાઈડ રાજુ નામની ગુજરાતી ફિલ્મમાં મુખ્ય ભુમિકા ભજવી છે. અને ત્રીજો ડાયલોગ રાઈટર. ઘણા ડાયલોગ આપણને નવાજુદ્દિનની આગવી અદાને લીધે ગલગલિયા કરાવી જાય છે. બાકી અરબાઝે હવે એકટિંગ છોડી માત્ર ફિલ્મ નિર્માણ તરફ જ ફોકસ કરવું જોઇએ એવું અનુભવાય છે. ફિલ્મ જોતા જોતા એમ થાય છે કે અરબાઝની એકલતા અને બેકારી માટે થઈને અમારો ભોગ કેમ લો છો યાર ? એટલે ફ્રિકી અલી જોવા માટૅ સાવ નવરા હોવ અને સારી બધી સારી ફિલ્મો જોઇ નાંખી હોય અને તમારે ડ્રિસ્ટ્રેક્ટ જ થવું હોય અથવા બે ત્રણ કલાક પસાર કરવા હોય અને એસીવાળા થિયેટરમાં ઊંઘાવું હોય તો અને તો જ આ ફિલ્મ જોવી બાકી તો દુરથી પ્રણામ કરી દેવી. 

આ લેખનું ટાઈટલ બે ફિલ્મોના ટાઈટલથી બનાવ્યું છે એટલે બીજી ફિલ્મની પણ વાત કરી લઈએ. ફ્રિકી અલી પુરી થઈ તો મિત્ર રોનક બોલ્યો આના કરતા રોંગ સાઈડ રાજુ જોઇ હોત તો સારું થાત. અને સારું થશે એવું ધારીને જ રોંગ સાઈડ રાજુ જોવા ગયો તો એમાં ફિલ્મની સ્પીડ જોઇ ડિરેક્ટરને કહેવાનું મન થાય કે ભાઈ થોડી સ્પીડ વધારને. કેવી રીતે જઈશ અને બે યાર જેવી સફળ અને ઉત્તમ ફિલ્મો આપનારા અભિષેકની ફિલ્મોમાં જોવા મળે છે એવા લોકલ ઉચ્ચારણો, નામો, કહેવતો, આમાં જોવા નથી મળતા. અરે કેવી રીતે જઈશ અને બે યાર માં આંખો ભીની કરનારા તો ગલગલિયા કરાવનારા ઘણા સીન હતા પણ રોંગ સાઈડ રાજુમાં તો એનો પુરેપુરો અભાવ છે. એક પણ સીન જોઇ આંખે ઝળઝળિયા આવતા જ નથી. અને ગલગલિયા તો પરાણે આવતા હોય એમ લાગે છે. અને ઘણા મુદ્દે તો ડિરેક્ટર સહિત બધા જ થાપ ખાતા હોય એવું અનુભવાય છે.  એક બુટલેગર પકડાય તો એની પોલીસમાં ઓળખાણ જ ન હોય તે કેવી રીતે બની શકે ? હપ્તો આપ્યા વગર કોઇ બુટલેગર એનું કામ જ ન કરી શકે એ વાત તો જગજાહેર છે. અને પોલીસ ત્રણ બાટલી લઈને પકડાયેલા એક બુટલેગર પાસે ૨૦ લાખ રુપિયા પતાવટ માટે માંગે તે પણ કેવી વાત ? અને આવા બુટલેગરનો કોઇ કાયમી વકીલ પણ ન હોય તે પણ વાત ગળે ઉતરતી નથી. એક જરા સરખા ઝટકા ગાડીમાં અનુભવતો તગડો અમીરજાદો મરી કેવી રીતે જઈ શકે  ? જે માણસ પોતાની ધાકથી પોતાના આવનારા પ્રોજેકટ સાથે જોડાનારાઓને કોન્ટ્રાક્ટ પર સાઈન કરવા મજબુર કરી શકે એ જ વ્યક્તિ કેવી રીતે કશું કર્યા વગર ખાલી ખાલી હાથ પગ મારીને બેસી રહી શકે ?  ફેસબુક પર  ઘણા લોકોના આ ફિલ્મના વખાણવાળા વિડીયો જોવા મળ્યા જેમાં ઘણા લોકોએ ખોટે ખોટા વખાણ કર્યા છે એવું રોંગ સાઈડ રાજુ ફિલ્મ જોયા બાદ ફલિત થાય છે. અરે હાઈકોર્ટના કોર્ટરુમનો સીન તો એવો હતો જાણે માર્કેટમાં કોઇ ઝઘડો થયો અને એમાં સામ સામી દલીલો કરીને ત્યાં જ ફેંસલો આણવાનો હતો. વિડીયો જોવા બાબતે જ્યારે વકીલો લડે છે ત્યારે એમ થાય કે સ્ટોરી લખનારને એ બાબતનો સહેજે ખ્યાલ નહિ હોય કે આવા હાઈ પ્રોફાઈલ કેસમાં અગત્યની લાગતી દરેક વસ્તુ કોર્ટમાં જોવી કે ન જોવી તે જજ પોતે નક્કી કરે છે એના માટે કોઇ દી આનાકાની કરી જ ન શકાય. ગજની, તારે ઝમીં પર જેવા ટાઈટલ મુકીને પ્રેક્ષકોને હસાવવાનો નિરર્થક પ્રયાસ થતો માલૂમ પડે છે. જ્યારે રાજુના વકીલ બનેલા હેતલ પુણીવાલા એ સીનનાં અંતે ઇમોશનલ થાય છે  ત્યારે એમ થાય કે લે આ તો પાણીમાં વઘાર કરવા બેઠા. અને એન્ડ જોઇને એવું ફિલ થાય જાણે ફિલ્મ પ્રોડકશનના બધા ટિમ મેમ્બર ડિરેક્ટરને ધીમી રફતારથી કંટાળીને કહેતા હોય કે ભાઈ ફિલ્મ પુરી કરોને. અને ડિરેક્ટર ફ્ટ્ટાક દઈને ફિલ્મ પુરી કરી નાંખે છે. 

મુદ્દો એ જ કે આ ફિલ્મનું પિષ્ટપિંજણ કરવાનું મન એટલા માટે થાય છે કારણ કે આ ફિલ્મ પાસેથી માફકસરની અપેક્ષા હતી.  જેમ 'બે યાર' અને 'કેવી રીતે જઈશ ' ફિલ્મોના ખોબલે ખોબલે સાચાં વખાણ કર્યા હતા કારણ કે એ વખાણને લાયક હતી અને લોકોને સામેથી એ ફિલ્મો એક્વાર જોવાની રેડિયો થકી, સોશ્યલ મીડીયા થકી અથવા અંગત રીતે રુબરુમાં  સલાહો આપી હતી. તેવી રીતે રોંગ સાઈડ રાજુ માટે કહેવાનો જીવ ચાલતો નથી. 

ચચરાટ ઃ માન્યું ફિલ્મ બનાવવું એ બહુ જ અઘરું કામ છે. અને એ માટે રાત દિવસની મહેનત લાગતી હોય છે. પણ એ જ ફિલ્મને જોવા માટે ખર્ચાતા અમારા ૧૦૦ રુપિયા કમાવા માટે અને એ સો રુપિયાની ટિકિટ એડવાન્સમાં મેળવી લેવા માટે બે વાર થિયેટર પર આંટો મારવાની મહેનત કરવી પડતી હોય છે.  જે આ કળયુગમાં બહુ મોટી વાત છે. 

Tuesday, September 13, 2016

વિદેશ ફરવા જ જવાય સેટલ થવા કોઇ કાળે નહિ..

એક અખબારી અહેવાલ વાંચીને હિન્દી ફિલ્મ જગતનું એક ગીત ગણગણવાનું મન થાય છે કે યે તો હોના હી થા. ન્યુઝીલેન્ડમાં હાલમાં ૧૫૦થી વધારે વિધાર્થીઓને એટલા માટે દેશ છોડવાનો આદેશ અપાયો છે કારણ કે તેમણે વિઝા મેળવવા માટે નકલી ડોક્યુમેન્ટસનો સહારો લીધો હતો. આ માટૅ ન્યુઝીલેન્ડની સરકાર માટૅ એટલું જ કહી શકાય કે રાંડ્યા પછીનું આ ડહાપણ છે. કારણ કે જે વિધાર્થીઓએ ૧૪ લાખથી વધુની રકમ ખર્ચી અને જે દેશને પરોક્ષ રીતે પોષ્યો એણે જ્યારે સ્ટડી પુરી થવા આવી ત્યારે વિધાર્થીઓને નકલી ડોક્યુમેન્ટ માટે થઈને ડિપોર્ટ કરવાની સજા ફટકારી છે. વિધાર્થીઓ પર નભતા દેશોમાં ન્યુઝીલેન્ડ મોખરે હશે. કારણ કે એક વિધાર્થી ઓછામાં ઓછા ૧૦ થી ૧૫ લાખ લઈને દેશમાં પ્રવેશે છે. અને વાર્ષિક ૮૦ હજારથી વધુ વિધાર્થીઓ ન્યુઝીલેન્ડમાં ભણતરના નામે પ્રવેશ લે છે. અને વિધાર્થીઓ એ ભરેલા ફિસના રુપિયા પણ પ્રાઈવૅટ કોલેજો પાસે સીધા નથી જતાં પણ સરકાર પોતાની પાસે રાખી દર મહિને કોલેજોને હપ્તા પ્રમાણે ચુકવે છે. જુના જમાનામાં ભારતમાંથી મજુરોને પોતાના શાસિત પ્રદેશમાં લઈ જઈ અંગ્રેજો મજુરી કરાવતા. અને એવી જ પ્રથા આજે પણ યથાવત છે. બસ ફરક એટલો છે સસ્તા મજુરો આજે સ્વેચ્છાએ વિદેશોમાં મજુરી માટૅ સામેથી રુપિયા આપીને જાય છે.  પોતાના દિકરા-દિકરીને હોંશે હોંશે વિદેશ ભણવા અને સેટલ કરવા મોકલતા માતા-પિતાઓ કેટલીક વાસ્તિવક્તાઓને ધ્યાને રાખીને એમને વિદેશ ભણવા મોકલે.

ન્યુઝીલેન્ડ જશો એટલે જોબ મળી જશે.
આ માટે એટલું જ કહેવાનું કે આ એક નકરું જુઠાણું છે. ત્યાં કોઇ કાળે નોકરી લઈને કોઇ બેઠું હોતું નથી. ત્યાં તમારા ગમે તેટલા સગા હશે પણ જોબ મેળવવા તમારે રીતસર કરગરવાની નોબત આવતી હોય છે. ઓળખીતાઓ તો દુઃખતા પર ડામ દેતા હોય તેમ સુફિયાણી સલાહ આપવા સિવાય કોઇ કામ કરતા નથી. ( એ બાબતે હું નસીબદાર હતો ) અને નોકરી- કામ મળે તો એમાં ક્લીનીંગના, મજુરીના, કુરિયર વાળાના, ખેતરોમાં મજુરી કરવાના, પિત્ઝા કે બર્ગરની દુકાને કે પેટ્રોલ પમ્પ પર તમારી નોકરી લાગે. અને આમાં પણ જ્યારે ભારતીયોની વાત આવે તો શોષણ કરવામાં એ લોકોના કિસ્સા તો જગજાહેર છે. નાની ઉંમરે ન્યુઝીલેન્ડ પંહોચીને સીક્યુરીટી કે કુરિયર બોક્ષ ઉંચકવાના કામો કરતા ટાબરિયા તમને ન્યુઝીલેન્ડના નીતિ નિયમો એવી રીતે શીખવે કે જાણે તમે તો જીવનમાં માત્ર જખ જ મરાવી છે.  તમારા સંતાનને જો તમે રુપિયા પૈસા વગર મોક્લ્યા હશે તો એનું આવી બનશે. કારણ કે પાઈ પાઈનો હિસાબ રાખતા મોટાભાગના ચીકણા ભારતીયો તમારા સંતાનને ક્યારે ઘરમાંથી નીકળી જવા કહી દે તેનું કંઈ ઠેકાણું નહિ. બે નાના બેડરુમના એપાર્ટમેન્ટમાં સાત થી આઠ જણા એટલા માટે ગોંધાયને જીવે છે કે જેથી ડોલર બચે. અને મુંબઈની ચાલ સિસ્ટમ યાદ અપાવે. 

ન્યુઝીલેન્ડમાં પી આર સરળતાથી મળૅ છે. 
સુરતીમાં કહું તો 'કંટોલા'.તદન જુઠાણું. ન્યુઝીલેન્ડમાં તમને પી આર તો જ સરળતાથી મળે જો તમને કોઇ ત્યાંનો વ્યવસાયી સરકાર સમક્ષ તમારી હાજરીની અનિવાર્યતા સાબિત કરે કે આ વ્યકિતની અમને ખુબ જ ગરજ છે અને એના વિના ચાલે એમ નથી. અથવા તમે ત્યાંના નાગરિક જોડે પરણી જાવ.  પી આર મેળવવા માટે વિધાર્થીઓ જે હિસાબે સંઘર્ષ કરે છે અને શોષણનો ભોગ બને છે તે હકીકતોના કિસ્સા પણ જાણવા જેવા છે. આઈ ટી, મેડિકલ એ સિવાયના વિષયવાળા ખાસ કરીને બિઝનેસ કોર્ષ લેનારા વિધાર્થીઓ માટે તો ન્યુઝીલેન્ડ એ શોષણનું કેન્દ્ર છે. જેમકે એક વિધાર્થી લેવલ ૫ ના બિઝનેસ કોર્ષમાં એડમિશન લે છે. અને એને અઠવાડિયે માત્ર ૨૦ કલાક જ કામ કરવાની પરવાનગી ઇમીગ્રેશન વિભાગ આપે છે. ત્યાર બાદ એને એક વર્ષના જોબ સર્ચ વિઝા મળૅ છે. જેમાં એણે એકાદ એવા એમપ્લોયીને શોધવાનું હોય છે જે એને વર્ક વિઝા માટૅ સપોર્ટ કરે જે મળવું લગભગ મુશ્કેલ છે. એટલે વિધાર્થી એક વર્ષમાં મજુરી કરી જે રકમ ભેગી કરે છે. પણ વિઝા સપોર્ટ ન મળતા તે ન્યુઝીલેન્ડમાં ટકી રહેવા ફરી લેવલ -૬ ના કોર્ષમાં એડમીશન લે છે અને કમાયેલા રુપિયા એમાં ખર્ચે છે. અને ફરી અઠવાડિયે ૨૦ કલાકની મર્યાદામાં જોબ કરવા બંધાય છે. એટલે ભેગી કરેલી મુડી ફરી ખર્ચાય છે. કારણ કે ન્યુઝીલેન્ડમાં એક મહિનાનો ખર્ચ જ ૭૦૦ થી ૮૦૦ ડોલરનો થાય છે. અને આ ક્રમ લેવલ ૭ સુધી ચાલે છે. અને અંતે વિધાર્થી દેશ પરત થાય છે. 
વિઝા અને પી આર મેળવવા ત્યાંની નાગરિક હોય તેવી છોકરીઓ સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેવાના, અરે ઉંમર લાયક સ્ત્રીઓ સાથે પરણવાના કિસ્સા પણ સાંભળવા મળે છે. અને ઘણા તો લગ્ન પણ કરી લેતા હોય છે. 

 ન્યુઝીલેન્ડ્માં લાઈફ સેટ થઈ જશે.
કોઇ કાળે લાઈફ સેટ થતી જ નથી. એને સેટ થતા થતા સહેજે ૧૫ થી ૨૦ વર્ષ લાગી જાય છે. ઘણા બધાને વિઝાના ચક્કરમાં માતા-પિતાના અંતિમ સંસ્કાર ચુકી જવાના, લગ્નભંગના કિસ્સા કહેતા સાંભળ્યા છે. વાતે વાતે જાહેરમાં  નૈતિકતાના બણગા ફુંકતા લોકો જ અનૈતિક રીતે સેટલ થવાના કિમીયા શોધતા અને બતાવતા હોય છે. ભગવાનની ભક્તિના યોજાતા કાર્યક્ર્મોમાં પણ લોકો એટલા માટે જાય છે જેથી કોઇ જોબ અપાવી દે. જીવનનાં શરુઆતના વર્ષો વર્ક વિઝા અને પી આર મેળવવામાં જતા રહે છે અને પી આર મળ્યા બાદ રાહત શું ? તો મેડિકલ ફ્રી , બાળકો માટે એજ્યુકેશન ફ્રી. પણ એની સામે ભોગ શાનો શાનો લેવાયો ?
માતા-પિતા નાદુરસ્ત હોય તો તેવા સમયે ફેસબુક પર બેસીને રોદણાં રોવાના કે " હું તારી સાથે નથી પણ હું હંમેશા તારી પડખે જ છું." ભારતમાં બાળપણના મિત્રો,સ્કુલ-કોલેજના મિત્રો, ઓફિસના સહકર્મચારીઓના જીવનમાં આવતી ખુશીઓને માત્ર ફેસબુક પર લાઈક કરીને ખુશ થતા રહેવું. 

સસ્તી મજુરી મેળવવા માટે જ ન્યુઝીલેન્ડ બિઝનેસના વિધાર્થીઓને સરળતાથી વિઝા આપે છે.
ન્યુઝીલેન્ડની સરકાર જાણે છે કે ભારતીયો ગમે તે ભોગે કામ કરવા રાજી થશે. એટલે ૧૫ ડોલર પ્રતિ કલાકને બદલે જો ભારતીયોને ૨ ડોલર પણ મળશે તો તેઓ કામ કરશે. અને એવા ઘણા કિસ્સા પકડાયા છે. સાથે જ ખેતરોમાં કેશ કામ કરવા પણ મજુરો તરીકે ભારતીયો તૈયાર રહે છે. નિયમ મુજબ ૨૦ કલાક અઠવાડિયે કામ કરી શક્તા વિધાર્થીઓ નિયમ વિરુધ્ધ જઈ કેશમાં કામ કરતા જોવા મળે છે. બિઝનેસ કોર્ષ પર એડમિશન લેનાર વિધાર્થીને ન્યુઝીલેન્ડમાં વર્ક વિઝા મૅળવવા મેનેજરની પોસ્ટ જ ઓફર થવી જોઇએ અને તે પણ એવી કે જેમાં પ્રોડક્ટનો ભાવ નક્કી કરવાનો એને અધિકાર હોય. અને એવી પોસ્ટ મળવી લગભગ મુશ્કેલ. વળી કેટલાક વિસ્તારો તો એવા વસાહતીઓ માટે પ્રખ્યાત કે જેઓ પાસે વેલીડ વિઝા જ નથી. પણ બસ  ત્યાં એક ગુમનામ જીવન જીવી રહ્યા છે. અને જે દી પકડાય તે દિવસે સીધા ડિપોર્ટ કરવાની સજા ભોગવીને ભારત પરત આવે છે. 

એક સિસ્ટમ તો એવી છે જેમાં કેટલાક ભારતીયો એવી સ્કીમ ચલાવે છે કે જેમાં તમારે એમને એક તગડી રકમ આપવાની હોય છે અને તેના બદલે તેઓ તમને પી આર મેળવવામાં સપોર્ટ કરતા હોય છે.એટલે પી આર અપાવવો એ પણ એક તગડો બિઝ્નેસ છે.  

અને આ વાર્તા માત્ર ન્યુઝીલેન્ડની જ નહિ પણ મોટાભાગના એ દેશોની છે જેમણે સ્ટુડન્ટ વિઝા નામની હાટડીઓ ખોલી રાખી છે. છાશવારે ભારતીયોને ત્યાંના નાગરિકો ભાંડતા હોય છે. પોલીસનો સહયોગ નાગરિકો પ્રત્યે વધુ જોવા મળે. સાંજે ૬ વાગ્યા પછી સબર્બ વિસ્તારોમાં ન નીકળવાની સલાહ તમામ લોકોને હોંશે હોંશે અપાય છે. કારણ કે ત્યાં તમને કોઇ પણ લુંટી શકે. યુવાનો લુંટારા બની સીસીટીવી કેમેરા સામે તમને લુંટીને જઈ શકે પણ સજા રુપે એમને સામાજીક કાર્યો કરવાની સજા ત્યાંની યુથ કોર્ટ આપે છે.૧૪ થી ૧૫ લાખની જે રક્મ વિધાર્થીએ ભરી હોય એમાં એક થી બે લાખનું કમીશન તો માત્ર તમારો વિઝા એજન્ટ જ કોલેજ સાથેના જોડાણ થકી ચાંઉ કરી જાય છે. 

વધુ આવતા અઠવાડિયે...!