રસ્તે જ્યારે કોઇને ડ્રાઈવ કરતા કરતા મોબાઈલમાં મેસેજ ટાઈપ કરતા કે વાત કરતા જોઇએ તો એમ થાય કે ખરેખર આપણે જે કામ કરીએ છીએ એના માટે આટલા બધા રિસ્કની જરુર હોય ખરી ? અને પોતે તો રિસ્ક લઈએ પણ બીજાના જીવને જોખમમાં મુકવાની જરુર ખરી ? ૨૦ લાખની ગાડી લઈને પણ રોંગ સાઈડ ગાડી હંકાવતા જેન્ટલમેનને જોઇને એમ થાય કે આમા ખરેખર કોનું અપમાન છે. આધુનિક ટૅકનોલોજીવાળી ગાડીમાં કેવો અભણ ડ્રાયવર બેઠો છે. બેન્કો કે સરકારી કચેરીમાં જઈએ તો ઘણા લોકો ઉતાવળા થઈ ઉંચાનીચા થતાં જોવા મળે. નિરાંત વેચીને બધા ઉતાવળ ખરીદવા નીકળ્યા હોય તેવું લાગે. અને રસ્તે ગાડી ચલાવતી વખતે કયાં પંહોચવાની લ્હાય હોય છે કે હાઈસ્પીડની સાથે એકધારું હોર્ન મારતા જવાની કુટેવ સાથે બધા જીવતા થઈ ગયા છે. અને આટલી ઉતાવળ કર્યા બાદ અતિમહત્વના કામોમાં કયા કામો નીકળે તો એ કેન્ડી ક્રશ રમવાનું,વોટ્સ અપ , ફેસબુકનો ઉપયોગ કરવાનું, મિત્રો સાથે ગપ્પા મારવાનું, ક્રિકેટ મેચ જોવા જેવા કામો કરતા હોઇએ છીએ. (મને તો એમ કે આટલી ઉતાવળનો હેતુ ફેમીલી સાથે સમય વીતાવવા માટેનો હશે.) ટુંકમાં જાન હથેળી પર લઈને અને બીજાના જીવ જોખમમાં મુકીને આપણે કેવા કામો માટે ઉતાવળ કરીએ છીએ ? કેટલાક પ્રશ્નો તમારી જાતને પુછશો એટલે આપોઆપ ખુલાસો મળી જશે.
લાસ્ટ ટાઈમ તમે કઈ એડવેન્ચર એકટિવીટીમાં ભાગ લીધો હતો ? કુલ્લુ મનાલી જેવા બરફવાળા વિસ્તારોમાં જઈને બરફમાં કરી શકાય એવી એડવેન્ચર એક્ટિવીટીમાં તમે ભાગ લેવા શારીરિક રીતે સક્ષમ ના હોવ તો રુપિયા અને એને કમાવા માટેની ઉતાવળ નકામી છે.કારણ કે એ માટે જોઇએ એવું સ્ફુર્તિમય શરીર તમારી પાસે નથી. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હ્રદયરોગમાં એવા સપડાયેલા હોઇએ કે પૈસા વાપરો તોયે શાંતિ મળૅ નહિ . વોટર સ્પોર્ટસ, હાઇકિંગ, પેરાગ્લાઈડિંગ, હેન્ડ ગ્લાઈડિંગ, વોટર રાફ્ટિંગ જેવા કામોમાં કેટલા લોકો રસ લેતા હોય છે ? ટુંકમાં અઠવાડિયુ શરુ થાય કામથી, ભરપેટ અનાજથી મધ્યાંતર આવે, અને અઠવાડિયે એક આંટો નજીકના ફરવા લાયક સ્થળે અને, ગપ્પા સાથે જૈસે થે. જીવનને જીવવાની જાણે કોઇ ઇચ્છા જ નહિ. આજે કોઇ મને પુછે કે ન્યુઝીલેન્ડથી શું લઈને આવ્યો ? તો હું તરત કહું નિરાંત લઈને આવ્યો. જે ધીરજ વેચીને ઉતાવળ લીધી હતી તે ધીરજ વેચાતું લઈને આવ્યો છું. ઘણી બધી એક્ટિવીટીમાં ભાગ લઈ શકુ એવું શરીર બનાવવાનો જુસ્સો લઈને આવ્યો છું. વાંચન વધે, લોકોને સમજી શકુ એવી વિચારસરણી લઈને આવ્યો છું. દરિયા કાંઠે ફરવા જાંઉ તો મગફળી તો ખાંઉ જ છું પણ એના છોતરા દરિયાને અર્પણ કરવાને બદલે ભેગા કરી કચરાપેટીમાં નાંખવાની ખાનદાની શીખીને આવ્યો છું. કોઇ કામ બગડ્યું હોય કે સામે વાળી વ્યકિત કામ ન કરતી હોય તો એને માનપુર્વક ખખડાવવાની રીત શીખીને આવ્યો છું. રુપિયા કમાવાની બધાને લાલસા છે પણ એ જ રુપિયા શું કામ કમાઈએ છીએ એનો કોઇ ખુલાસો નથી આપી શક્તા. .ઘરની અંદર હોય કે ઘરની બહાર બધા એક અધીરાઈની બીમારીથી પીડાય છે. બધાને ઉતાવળ છે ? શા માટે ? શું કામ ? કોઇને ખબર નથી. બસ ઉતાવળ છે. રોડ પર ઉતાવળ, ટ્રેનમાં ચઢવાની અને ઉતરવાની ઉતાવળ, લાઈનમાં ઉભા રહીને પણ કામ પતાવવાની ઉતાવળ અને અકળામણ, ઘરે જમવાની ઉતાવળ, બસ ઉતાવળ જ ઉતાવળ.
સમાજમાં આપણે સહુ એક બાજુ અધીરાઈથી પીડાય છે તો બીજી બાજુ આપણી ભીતરના આક્રોશને ઠાલવવા માટેના માધ્યમો શોધીએ છીએ. કોઇ ભુલથી રોંગ નંબર લગાવી આપણને ફોન કરે તો એને સામો ફોન કરીને ખખડાવવાની તક કોઇ જતું કરવા તૈયાર નથી. બેન્કમાં સરકારી કચેરીઓમાં લોકોએ લાઈનમાં ઉભા રહેવું નથી. બધી વાતે બસ બટન દબાવો અને તરત કામ થાયની અપેક્ષા રાખતા થઈ ગયા છીએ. બટન દબાયા બાદ જો મશીન રિએક્ટ ના કરે તો એને તોડવા સુધીના પગલા લેવા માટેની વૃતિ રાખતા થઈ ગયા છીએ. કોઇનો હાથ ભુલથી લાગી જાય તો જોતો નથીનો ટપલીદાવ પણ થઈ જાય. પહેલા દબાઈને ખાઈપીને વજન વધારવાનું અને પછી એને ઉતારવા નુસ્ખાઓ અજમાવવાની આપણને આદત પડી ગઈ છે. શરીરની પત્તર ફાડી નાંખીએ છીએ. અને પછી ફરિયાદો કરતા રહીએ છીએ. નવાઈની વાત એ છે કે મનની શાંતિ શીખવતા મહાપુરુષોના દેશમાં જ લોકો મનની અશાંતિથી પીડાય છે.
અને આ બધામાં બીજી બીમારી છે એકબીજાને છેતરવાની. અને હદ તો ત્યારે થાય જ્યારે આપણે આપણી જાતને પણ છેતરીએ છીએ. ખબર છે કે શરીરનું વજન વધી ગયુ છે અને કમર અને ઘુંટણની પીડા વધી રહી છે. તોયે કાલથી જીમ શરુ એવું નક્કી કરીને રોજ એ જ વાયદો ભુલી જઈએ છીએ. સિગરેટ છોડી દેવી છે ની ડંફાસ મારીએ પણ અમલ કરતા જ ફાંફાં પડી જાય. કોઇને મુલાકાતનું કહીએ અને ક્યાં તો એને રાહ જોવડાવીએ ક્યાં તો ખુદ રાહ જોતા રહી જઈએ. ફોન કરીને પહેલા સારી સારી વાતો અને પછી તરત મતલબની વાતો. પોતે શિક્ષક તરીકે વિધાર્થીઓને સારા વિચારો ગ્રહણ કરવાનું શિક્ષણ આપીએ અને બીજી બાજુ ખુદની જ દિકરીને સમાજના ડરે ગમે ત્યાં ઠેકાણે પાડી દેવા કાવાદાવા કરીએ. જળ એ જીવન છે એવું ભણીએ પણ એને વેડફીએ પણ તન મન ધન દઈને. વૃક્ષનું જતન કરવાનું ફેસબુક પર જાહેર કરીએને ઘર આંગણે કોઇની જીદ ખાતર વૃક્ષો કપાતા મૂક પ્રેક્ષક બની જોતા રહીએ. લાઈફ આખી ફોરેન ટાઈપ કરી નાંખવી છે. પણ એ મુજબની માનસિક્તા કેળવવી નથી.
આખરે મુંબઈ હાઈકોર્ટે એ જ કર્યુ જે કરવા જેવું હતું. ૧૭ જુને રિલીઝ થવા તૈયાર ઉડતા પંજાબ ફિલ્મ માટે કેન્દ્રના ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડે સુચવેલા કટ સામે વિરોધ રુપે નિર્માતાઓ હાઇકોર્ટમાં ગયા અને દરેક કટ્ટ કર હાઇર્કોર્ટૅ સર્ટિફિકેશન બોર્ડને તેમની જ ફરજનું ભાન કરાવતા કરાવતા દરેક મુદ્દે તેમને બરાબર સંભળાવ્યું અને આટઆટલું થયા બાદ જો પહલાજ નિહલાની હોદ્દા પર બની રહે છે તે તેમની કારકિર્દીને લજવતું પગલું છે. હાઇર્કોર્ટને જે વસ્તુમાં જરાય વાંધાવચકા ના લાગ્યા તે જ વસ્તુ વર્ષોથી ફિલ્મોમાં કામ કરનારને કેવી રીતે વાંધાજનક લાગી શકે ? નવાઈની વાત તો એ છે કે જેવો આ ફિલ્મનો વિવાદ થયો એટલે ઘણી બધી ન્યુઝ ચેનલોએ પંજાબમાં પવર્તતી ડ્ર્ગસની બદી સામે આંકડા સહિત રજુઆત કરી. અને આ બાબત જ ૨૦૧૭માં થઈ રહેલી પંજાબની વિધાનસભાની ચુંટણીમાં મુદ્દો બની રહેશે. અગાઊ આ જ વિષય પર લખાયુ હોય આ વાત અંહિ સમેટીએ. પણ એક વાત સ્પષ્ટ છે કે લગભગ ૫૦-૬૦ના દાયકાવાળી પેઢી જ્યાં સુધી નહિ જાય ત્યાં સુધી આપણી ડબલ સ્ટાન્ડર્ડવાળું જીવન તો જીવીશું.
No comments:
Post a Comment