Wednesday, June 29, 2016

ટેકન ફોર ગ્રાન્ટૅડ લેવાની ગંદી બીમારી.

પહેલો કિસ્સો- જન્મદિવસે બધા જ એક બીજાને વિશ કરતા હોય છે અને એમાં પણ આપણી અપેક્ષા એવા સ્વજનોના વિશની ઉત્કંઠા વધારે હોય જે દિલમાં જગા બનાવીને બેઠા હોય. પણ એ જ સ્વજનને જન્મદિવસની સાંજે સામેથી ફોન કરીને પુછીએ કે બકા કેમ ફોન ના આવ્યો ? ત્યારે એ મિત્ર કામની વ્યસ્તતાનું બહાનું (બહાનું જ સ્તો કારણ કે તમે કોને પ્રાયોરિટી આપો છો એ વધારે મહત્વનું છે.) ધર્યુ અને પાછો એ જ ઉમેરીને કહે છે કે ફલાણા એ મને યાદ પણ અપાવેલી તારા જન્મદિવસની પણ કામમાં જ રહી જવાયું . હદ તો ત્યારે થઈ જ્યારે ફોન મારે કાપવાને બદલે એણે વાત ટુંકમાં પતાવીને કાપી નાંખ્યો. 

બીજો કિસ્સો- મિત્રને અઠવાડિયા પહેલા ફોન કરેલો અને ખબર અંતર પુછ્યા એટલે એણે સામેથી કહ્યું કે હું પાંચ મિનિટમાં સામેથી ફોન કરુ છું. તે દિવસ ને આજનો દિવસ એની પાંચ મિનિટ થઈ જ નહિ અને જ્યારે સામેથી ફોન કર્યો તો ફરી એ જ અલકચલાણું. ન્યુઝીલેન્ડ હતો ત્યારે આ જ મિત્ર એ આપણે મળીશું આપણે મળીશું ની પીપુડી વગાડેલી અને એની સામે એકેયવાર એવો પ્રયત્ન જ નહિ કે જેમાં મુલાકાત ગોઠવાય. 

ત્રીજો કિસ્સો અન્ય ભાઈએ શેર કરેલો કે એના એક મિત્રને રાતે ટેન્શનને કારણે સુવામાં તકલીફ પડતી હતી અને એને અનુકૂળતા રહે એ માટે એના પપ્પાએ આ ભાઈને એના મિત્રને થોડા દિવસ કંપની આપવાની વિનંતી કરી. અને આ ભાઈ બધા કામમાંથી સમય ચોરી ચોરીને એ મિત્રને સાચવવામાં લાગી પડ્યો. થોડા દિવસ બાદ એ મિત્રની જરુરિયાત પુરી થતા એણે આ ભાઈને કહ્યું કે હવે થોડા દિવસ તું મારાથી દુર રહે. તારી સાથે મારું જે વળગણ છે એને મારે દુર કરવું છે. હવે મને તારી કંપનીની જરુર નથી. અને આ ભાઈને છેતરાયેલા હોવાની લાગણી થઈ. 

ચોથો કિસ્સો-મારા એક મિત્રને શારીરિક તકલીફ હતી. એણે મારી સલાહ માંગી તો મેં એને શહેરના એક જાણીતા અને માનીતા ( જાણીતા એટલે કે ફેમસ જે ઘણા બધા હોય છે પણ માનીતા એટલે કે રીસ્પેકટૅડ બહુ ઓછા લોકો હોય છે.) એવા ડોકટરને ત્યાં એપોઇન્ટમેન્ટ લેવાની સલાહ આપી. એ મિત્રને ડોકટરની ઓફિસથી બે દિવસ રહીને મળવા આવવાની સુચના મળી. એટલે પછી ડોકટર સાહેબને મે સામેથી ફોન કરી એપોઇન્ટમેન્ટ માંગતા બીજા જ દિવસે બપોરે મળવાની સુચના મળી. (કારણ કે એમને મારો સ્વભાવ ખબર છે કે સમય બગાડ્યા વિના સીધી મુદ્દાની વાત કરવી) અમે ડોકટરને બતાવવા ગયા અને અમારી આગળ લગભગ પાંચેક જેટલા પેશન્ટ ડોકટરની કેબિનમાં ગયા એટલે મિત્રએ કહ્યું આપણો નંબર ક્યારે ? અને મેં કહ્યું બે દિવસ પછી જે સમય આપ્યો હતો એના કરતા તો બહુ પહેલા આવી જ જશે.  

પાંચમો કિસ્સો-એવો હતો કે ઘરની સામે દેરાસરનું કામ ચાલે છે. એટલે આરસપહાણના પત્થરો તોડવા કર્કશ અવાજવાળું મશીન રોજ વપરાય. અને એ ગયા રવિવારે વપરાતું હતું અને એના કારણે ઘરમાં શાંતિ જેવું કઈ અનુભવાતું નહોતું. ફેમીલી મેમ્બર્સને વાત કરી તો ઘરના સભ્યોએ  કહ્યું સોસાયટીમાં કોઇને વાંધો નથી તો શું કામ મગજમારીમાં પડે છ ? મેં કહ્યું કે અઠવાડિયાના છ દિવસ આ કામ ચાલે એની સામે મને કોઇ વાંધો નથી પણ રવિવારે ? અને બીજે દિવસે જઈને પહેલા વિનમ્રતાપૂર્વક અને  જો તેઓ ન માને તો પછી નિયમ મુજબ જે તે સરકારી વિભાગને જાણ કરવાની તૈયારી સાથે હું ગયો. કારીગરોને વિનમ્રતાપુર્વક રવિવારે આ કામ ન કરવાની વિનંતી કરી તો કારીગરે કહ્યું કે " સાહેબ અમે તો ના જ પાડતા હતાં કે સોસાયટીમાં આવા કામ ન રખાય કારણ કે એ નિયમ વિરુદ્ધ છે.આ તો જે ભાઈ આયોજક છે એમણે કહ્યું કે અંહિ બધા જૈન છે કોઇ ઓબ્જેક્શન નહિ લે. એટલે અમે અંહિ કામ શરુ કર્યું. " એટલે આયોજકે સોસાયટીના રહીશોની સહન કરવાની ક્ષમતાને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધા. હવે એ કારીગરો રવિવારે પેલું કર્કશ મશીન નહિ વાપરે. 

આપણે ત્યાં લોકોને એક ગંદી બીમારી છે. ટૅકન ફોર ગ્રાન્ટૅડ લેવાની. કોઇનો સમય, કોઇની મૂડી, કોઇનો ઉપકાર, સરકારની સિસ્ટમ બધાને. અને આવી બીમારીને કારણે જ લોકો બીજા પર ઉપકાર કરતા કે કોઇની ભલાઈ કરતા ચાર વાર વિચારે છે. નાજુક સમયમાં કોઇએ પડખે રહી મદદ કરી હોય અને નાજુક સમય સચવાય જાય પછી આપણી બોડી લેન્ગ્વેજ જ બદલાય જાય છે. હવે એમણે મદદ જ કરેલી ને. ધાડ તો મારી નહોતી એવું બોલતા પણ ખચકાતા નથી. પણ ડુબતાને તો એક પાંદડું ય જીવાદોરી લાગે. આવી જ રીતે કોઇને મળવા બોલાવ્યા હોય તો એને વહેલા બોલાવી એને રાહ જોવડાવીએ અથવા કોઇને મળવા જવાના હોય તો એને પણ રાહ જોવડાવીએ. કોઈ પણ કાર્યક્રમ રાખ્યો હોય તો જે સમયસર આવ્યા હોય એમને અવગણી એ લોકોની રાહ જોતા હોઇએ કે જેઓ માટે આપણો પ્રસંગ મહત્વનો નથી. આવી જ રીતે ઘરમાં મમ્મી-પપ્પા, મોટાભાઈ કે બહેન કે ભાઈ ભાભી બધાને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લેતાં હોઇએ છીએ. 

એવું નથી કે આ લખનાર આ બીમારીથી પીડાતો નથી. હું પણ પીડાઉ છું પણ આ બીમારીનું નિદાન કરી લીધું છે અને સમયસર એની સારવાર શરુ પણ કરી દીધી છે. રુપિયાની સામે માણસ નામની મૂડી કમાવાની ધગશ એ આ બીમારીનો રામબાણ ઇલાજ છે. 

ચચરાટ-
માણસના કામનું મુલ્યાંકન સ્મશાનમાં જ થતું હોય છે. 

Tuesday, June 14, 2016

અધીરાઈથી પીડાતા અને ખુદથી છેતરાયેલા આપણે.

રસ્તે જ્યારે કોઇને ડ્રાઈવ કરતા કરતા મોબાઈલમાં મેસેજ ટાઈપ કરતા કે વાત કરતા જોઇએ તો એમ થાય કે ખરેખર આપણે જે કામ કરીએ છીએ એના માટે આટલા બધા રિસ્કની જરુર હોય ખરી ? અને પોતે તો રિસ્ક લઈએ પણ બીજાના જીવને જોખમમાં મુકવાની જરુર ખરી ? ૨૦ લાખની ગાડી લઈને પણ રોંગ સાઈડ ગાડી હંકાવતા જેન્ટલમેનને જોઇને એમ થાય કે આમા ખરેખર કોનું અપમાન છે. આધુનિક ટૅકનોલોજીવાળી ગાડીમાં કેવો અભણ ડ્રાયવર બેઠો છે. બેન્કો કે સરકારી કચેરીમાં જઈએ તો ઘણા લોકો ઉતાવળા થઈ ઉંચાનીચા થતાં જોવા મળે. નિરાંત વેચીને બધા ઉતાવળ ખરીદવા નીકળ્યા હોય તેવું લાગે. અને રસ્તે ગાડી ચલાવતી વખતે કયાં પંહોચવાની લ્હાય હોય છે કે હાઈસ્પીડની સાથે એકધારું હોર્ન મારતા જવાની કુટેવ સાથે બધા જીવતા થઈ ગયા છે.  અને આટલી ઉતાવળ કર્યા બાદ અતિમહત્વના કામોમાં કયા કામો નીકળે તો એ કેન્ડી ક્રશ રમવાનું,વોટ્સ અપ , ફેસબુકનો ઉપયોગ કરવાનું, મિત્રો સાથે ગપ્પા મારવાનું, ક્રિકેટ મેચ જોવા જેવા કામો કરતા હોઇએ છીએ. (મને તો એમ કે આટલી ઉતાવળનો હેતુ ફેમીલી સાથે સમય વીતાવવા માટેનો હશે.) ટુંકમાં જાન હથેળી પર લઈને અને બીજાના જીવ જોખમમાં મુકીને આપણે કેવા કામો માટે ઉતાવળ કરીએ છીએ ? કેટલાક પ્રશ્નો તમારી જાતને પુછશો એટલે આપોઆપ ખુલાસો મળી જશે.

લાસ્ટ ટાઈમ તમે કઈ એડવેન્ચર એકટિવીટીમાં ભાગ લીધો હતો ? કુલ્લુ મનાલી જેવા બરફવાળા વિસ્તારોમાં જઈને બરફમાં કરી શકાય એવી એડવેન્ચર એક્ટિવીટીમાં તમે ભાગ લેવા શારીરિક રીતે સક્ષમ ના હોવ તો રુપિયા અને એને કમાવા માટેની ઉતાવળ નકામી છે.કારણ કે એ માટે જોઇએ એવું સ્ફુર્તિમય શરીર તમારી પાસે નથી. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હ્રદયરોગમાં એવા સપડાયેલા હોઇએ કે પૈસા વાપરો તોયે શાંતિ મળૅ નહિ . વોટર સ્પોર્ટસ, હાઇકિંગ, પેરાગ્લાઈડિંગ, હેન્ડ ગ્લાઈડિંગ, વોટર રાફ્ટિંગ જેવા કામોમાં કેટલા લોકો રસ લેતા હોય છે ? ટુંકમાં અઠવાડિયુ શરુ થાય કામથી, ભરપેટ અનાજથી મધ્યાંતર આવે, અને અઠવાડિયે એક આંટો નજીકના ફરવા લાયક સ્થળે અને, ગપ્પા સાથે જૈસે થે. જીવનને જીવવાની જાણે કોઇ ઇચ્છા જ નહિ. આજે કોઇ મને પુછે કે ન્યુઝીલેન્ડથી શું લઈને આવ્યો ? તો હું તરત કહું નિરાંત લઈને આવ્યો. જે ધીરજ વેચીને ઉતાવળ લીધી હતી તે ધીરજ વેચાતું લઈને આવ્યો છું.  ઘણી બધી એક્ટિવીટીમાં ભાગ લઈ શકુ એવું શરીર બનાવવાનો જુસ્સો લઈને આવ્યો છું. વાંચન વધે, લોકોને સમજી શકુ એવી વિચારસરણી લઈને આવ્યો છું. દરિયા કાંઠે ફરવા જાંઉ તો મગફળી તો ખાંઉ જ છું પણ એના છોતરા દરિયાને અર્પણ કરવાને બદલે ભેગા કરી કચરાપેટીમાં નાંખવાની ખાનદાની શીખીને આવ્યો છું. કોઇ કામ બગડ્યું હોય કે સામે વાળી વ્યકિત કામ ન કરતી હોય તો એને માનપુર્વક ખખડાવવાની રીત શીખીને આવ્યો છું.  રુપિયા કમાવાની બધાને લાલસા છે પણ એ જ રુપિયા શું કામ કમાઈએ છીએ એનો કોઇ ખુલાસો નથી આપી શક્તા. .ઘરની અંદર હોય કે ઘરની બહાર બધા એક અધીરાઈની બીમારીથી પીડાય છે. બધાને ઉતાવળ છે ? શા માટે ? શું કામ ? કોઇને ખબર નથી. બસ ઉતાવળ છે. રોડ પર ઉતાવળ, ટ્રેનમાં ચઢવાની અને ઉતરવાની ઉતાવળ, લાઈનમાં ઉભા રહીને પણ કામ પતાવવાની ઉતાવળ અને અકળામણ, ઘરે જમવાની ઉતાવળ, બસ ઉતાવળ જ ઉતાવળ.

સમાજમાં આપણે સહુ એક બાજુ અધીરાઈથી પીડાય છે તો બીજી બાજુ આપણી ભીતરના આક્રોશને ઠાલવવા માટેના માધ્યમો શોધીએ છીએ. કોઇ ભુલથી રોંગ નંબર લગાવી આપણને ફોન કરે તો એને સામો ફોન કરીને ખખડાવવાની તક કોઇ જતું કરવા તૈયાર નથી. બેન્કમાં સરકારી કચેરીઓમાં લોકોએ લાઈનમાં ઉભા રહેવું નથી. બધી વાતે બસ બટન દબાવો અને તરત કામ થાયની અપેક્ષા રાખતા થઈ ગયા છીએ. બટન દબાયા બાદ જો મશીન રિએક્ટ ના કરે તો એને તોડવા સુધીના પગલા લેવા માટેની વૃતિ રાખતા થઈ ગયા છીએ.  કોઇનો હાથ ભુલથી લાગી જાય તો જોતો નથીનો ટપલીદાવ પણ થઈ જાય. પહેલા દબાઈને ખાઈપીને વજન વધારવાનું અને પછી એને ઉતારવા નુસ્ખાઓ અજમાવવાની આપણને આદત પડી ગઈ છે. શરીરની પત્તર ફાડી નાંખીએ છીએ. અને પછી ફરિયાદો કરતા રહીએ છીએ. નવાઈની વાત એ છે કે મનની શાંતિ શીખવતા મહાપુરુષોના દેશમાં જ લોકો મનની અશાંતિથી પીડાય છે.

અને આ બધામાં  બીજી બીમારી છે એકબીજાને છેતરવાની. અને હદ તો ત્યારે થાય જ્યારે આપણે આપણી જાતને પણ છેતરીએ છીએ. ખબર છે કે શરીરનું વજન વધી ગયુ છે અને કમર અને ઘુંટણની પીડા વધી રહી છે. તોયે કાલથી જીમ શરુ એવું નક્કી કરીને રોજ એ જ વાયદો ભુલી જઈએ છીએ. સિગરેટ છોડી દેવી છે ની ડંફાસ મારીએ પણ અમલ કરતા જ ફાંફાં પડી જાય.  કોઇને મુલાકાતનું કહીએ અને ક્યાં તો એને રાહ જોવડાવીએ ક્યાં તો ખુદ રાહ જોતા રહી જઈએ. ફોન કરીને પહેલા સારી સારી વાતો અને પછી તરત મતલબની વાતો. પોતે શિક્ષક તરીકે વિધાર્થીઓને સારા વિચારો ગ્રહણ કરવાનું શિક્ષણ આપીએ અને બીજી બાજુ ખુદની જ દિકરીને સમાજના ડરે ગમે ત્યાં ઠેકાણે પાડી દેવા કાવાદાવા કરીએ. જળ એ જીવન છે એવું ભણીએ પણ એને વેડફીએ પણ તન મન ધન દઈને. વૃક્ષનું જતન કરવાનું ફેસબુક પર જાહેર કરીએને ઘર આંગણે કોઇની જીદ ખાતર વૃક્ષો કપાતા મૂક પ્રેક્ષક બની જોતા રહીએ. લાઈફ આખી ફોરેન ટાઈપ કરી નાંખવી છે. પણ એ મુજબની માનસિક્તા કેળવવી નથી. 

ચચરાટ-
આખરે મુંબઈ હાઈકોર્ટે એ જ કર્યુ જે કરવા જેવું હતું. ૧૭ જુને રિલીઝ થવા તૈયાર ઉડતા પંજાબ ફિલ્મ માટે કેન્દ્રના ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડે સુચવેલા કટ સામે વિરોધ રુપે નિર્માતાઓ હાઇકોર્ટમાં ગયા અને દરેક કટ્ટ કર હાઇર્કોર્ટૅ સર્ટિફિકેશન બોર્ડને તેમની જ ફરજનું ભાન કરાવતા કરાવતા દરેક મુદ્દે તેમને બરાબર સંભળાવ્યું અને આટઆટલું થયા બાદ જો પહલાજ નિહલાની હોદ્દા પર બની રહે છે તે તેમની કારકિર્દીને લજવતું પગલું છે. હાઇર્કોર્ટને જે વસ્તુમાં જરાય વાંધાવચકા ના લાગ્યા તે જ વસ્તુ વર્ષોથી ફિલ્મોમાં કામ કરનારને કેવી રીતે વાંધાજનક લાગી શકે ? નવાઈની વાત તો એ છે કે જેવો આ ફિલ્મનો વિવાદ થયો એટલે ઘણી બધી ન્યુઝ ચેનલોએ પંજાબમાં પવર્તતી ડ્ર્ગસની બદી સામે આંકડા સહિત રજુઆત કરી. અને આ બાબત જ ૨૦૧૭માં થઈ રહેલી પંજાબની વિધાનસભાની ચુંટણીમાં મુદ્દો બની રહેશે. અગાઊ આ જ વિષય પર લખાયુ હોય આ વાત અંહિ સમેટીએ. પણ એક વાત સ્પષ્ટ છે કે લગભગ ૫૦-૬૦ના દાયકાવાળી પેઢી જ્યાં સુધી નહિ જાય ત્યાં સુધી આપણી ડબલ સ્ટાન્ડર્ડવાળું જીવન તો જીવીશું. 

Tuesday, June 7, 2016

સંસ્કારી ફિલ્મ સેન્સર બોર્ડની અસંસ્કારી વાત.

હજી તો ભારતમાં પગ મુક્યો અને ગાડી મને લઈને જેવી એરપોર્ટની બહાર આવી એટલે મારો મિત્ર જે ગાડી ચલાવતો હતો તે ટ્રાફિક પોલીસના હાથે ઝડપાયો. સીટ બેલ્ટ બાંધી નહોતી. અને દંડ ભરવો પડ્યો. અને અસ્સલ ભારતીયપણું મને ઘેરી વળવા લાગ્યું. જેને જોવા  હું ઓકલેન્ડમાં તરસી ગયેલો. સિસ્ટમનો સતત બળાત્કાર કરતી પ્રજા સિસ્ટમનો પોતાની જરુરિયાત મુજબ દુરુપયોગ પણ કરતી હોય છે. ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડ એનું ઉત્તમ ઉદાહરણ છે. પહલાજ નિહલાનીના વડપણ હેઠળનું સેન્સર બોર્ડ હંમેશા વિવાદમાં રહ્યુ છે. સાવ સરકારી (સંસ્કારી) ધોરણે ચાલતા ભારતીય સેન્સર બોર્ડની કામગીરી ઉડતા પંજાબ ફિલ્મના વિવાદને લીધે આ દલીલમાં પુરવાર કરે છે કે તમે કંઈ પણ કહો અમે નહિ માનીએ. ફિલ્મ બની છે પંજાબના યુવાવર્ગ પર અને એમના જીવનમાં અજગર ભરડાની જેમ એમને ભીંસમાં લઈને એમનું જીવન બરબાદ કરતા ડ્રગ્સની લત પર. આમા સેન્સર બોર્ડએ વિવાદ એમ કહીને છંછેડ્યો કે ફિલ્મમાંથી પંજાબનો સંદર્ભ તમામ કાઢી નાંખવામાં આવે.

વિદેશમાં તમે આંટો મારો તો બે પ્રદેશના લોકો તમને અચુક જોવા મળશે. ગુજરાત અને પંજાબ. ગુજરાતી પ્રજાનો ડોલરમોહ જગજાહેર છે પણ પંજાબી યુવાવર્ગનું વિદેશ મોહ આ ડ્રગ્સની માયાજાળ છે. નશેડી તરીકે પંજાબનો યુવાવર્ગ જગ વિખ્યાત  છે. પંજાબમાં ખુબ મોટી માત્રામાં યુવાનો ડ્રગ્સના રવાડે પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. અને આ ક્રુર વાસ્તવિકતા નજર સામે નિહાળતા એ યુવાવર્ગના વડીલો પોતાના સંતાનને ડ્રગ્સની લતથી બચાવવા માટે જ જમીન વેચીને પણ પોતાના સંતાનોને વિદેશ મોકલતા હોવાના કિસ્સા ન્યુઝીલેન્ડના સમયગાળા દરમ્યાન સાંભળ્યા છે. અને વિદેશના કાયદાઓ અને મોંઘવારીને કારણે  આ જ યુવાનો માટે ડ્રગ્સ મેળવવું એ સ્વપ્ન સમાન છે. વળી આ જ યુવાવર્ગનો  એક કોમન સર્વે એ પણ જોવા મળ્યો કે પંજાબની વર્તમાન સરકાર પ્રત્યે પ્રજાજનોમાં ભારોભાર હતાશા અને આક્રોશ છે. પંજાબની વિધાનસભાની ચુંટણી છે. એટલે સ્વાભાવિક રીતે સેન્સરબોર્ડ જે ભારત સરકારની સંસ્થા છે તે ભાજપ સરકાર તરફ નમતું પલ્લું રાખે. કારણ કે પંજાબમાં અકાલી દળની સરકાર સાથે ભાજપનું ગઠબંધન છે. અને આવનારી ચુંટણીમાં ડ્રગ્સનો મુદ્દો પણ ચુંટણી મુદ્દા તરીકે જોવાય રહ્યો છે.  

વિવાદોના વમળમાં રહેતા સેન્સર બોર્ડની આ વાત ગળૅ ઉતરે એમ નથી. અને આખુ બોલીવુડ  ફિલ્મની તરફેણમાં લડવા તૈયાર છે. મૂળ મુદ્દો એ છે કે જે વાત હકીકત છે તે જોવા પ્રજા પોતે તરસે છે તો સરકાર કેમ નહિ ? સમાજની વાસ્તવિકતા કલાત્મક રીતે સમાજને બતાવવી એ જ તો કલાનું કામ છે. અભિવ્યકિતની સ્વતંત્રતા તો હોવી જ જોઇએ. પણ તન્મય ભટ્ટ જેવા હલકટ લોકો એનો દુરુપયોગ કરી સમાજને અસમંજસમાં મુકે છે કે ખરેખર અભિવ્યકિત બાબતે કોને કેટલી છુટ આપવી. અને તન્મય ભટ્ટ જેવા જ હલકી કક્ષાના લોકોની હલકી કોમેડી માણનારી પ્રજા પણ છે.  ઉડતા પંજાબ માટે  સેન્સર બોર્ડનો પક્ષ તદ્દન વાહિયાત લાગે છે. દિલ્લીમાં કોમી દંગલનો સીન બતાવતો અને વાંદરના નામે ઉભા થતા હાઉની વાર્તા દિલ્લી-૬ મુવીમાં હતી તો શું એ મુવીનું નામ બદલી દેવું ? ગેન્ગ ઓફ વસેપુરમાં તો વસેપુરની આખી દાસ્તાન સમૂળગી બતાવવામાં આવી હતી. અલીગઢ સમલૈંગિકો પરની ફિલ્મમાં પણ આવી જ વાત છે. કોઇ પણ વાત જો સમજવી હોય કે ગળે ઉતારવી હોય તો એ માટે સામેવાળાની સમજણ જરુરી છે. પણ એ જો માનવા માટે સામે વાળી વ્યક્તિ રાજી જ ન હોય તો એમાં કોઇ કશું નહિ કરી શકે. તન્મય ભટ્ટના લતા મંગેશકર અને સચિન તેન્ડુલકરની મિમિક્રી વાળો વિડીયો બંધ કરાવવા મુંબઈ પોલીસ તાબડતોડ યુટ્યુબના દરવાજે પંહોચ્યુ પણ મનસેના રાજ ઠાકરે દ્વારા પરપ્રાંતીયોની  રિક્ષા બાળવા માટે ઉશ્કેરતા વિડીયો માટે કોઇ પગલા લેવાયા જ નહિ. ટુંકમાં સિસ્ટમને મનફાવે ત્યારે પોતાની ઇચ્છા મુજબ બધા વાપરતા જોવા મળે છે. 

ભારતમાં સૌથી વધુ જો કોઇ કમનસીબ હોય તો એ ભારતનું બંધારણ પોતે છે. જેની દરકાર પણ આપણે આપણી જરુરિયાતમુજબ કરીએ છીએ. અને એની અવહેલના તો લગભગ દરેક પળે થાય છે. આપણી પ્રજાને (સરકારને) બીજાના બેડરુમની અંદર શું થાય છે એ જાણવાની અને એમાં પણ ચંચુપાત કરવાની ટૅવ છે. અને એટલે જ વિદેશોમાં દંભી પ્રજા તરીકેની સુગનો ભોગ ભારતીયો બનતા હોય છે. વાહિયાત મુદ્દાઓ પર વાહિયાત દલીલો કરતી ભારત સરકાર હાથના કર્યા હૈયે જ વગાડતી હોય તેમ સતત ખુદના જ પગે કુહાડી મારતી રહે છે. જોઇએ હવે આ ફિલ્મમાં ઉડતા પંજાબનું શું થાય છે.

ચચરાટ
અરે ભાઈ ઉડતા પંજાબ નહિ ઉડતા પીએમ બોલીએ. તો ફિલ્મ જોયા વગર પાસ કરી દેત સેન્સર બોર્ડ.