ગયા અઠવાડિયે બધાએ રંગેચંગે મધર્સ ડે ઉજવ્યો. અને એમાં બધાએ પોતાની માતા સાથેના ફોટા ફેસબુક પર વોટસ અપ ના ડિસ્પ્લે પિક્ચરમાં રાખી માતા પ્રત્યેની લાગણી વ્યકત કરી. અને એ પ્રાસંગિક પણ હતું પણ વ્હેણથી અલગ વ્હેવાના અભરખા રાખનારા કેટલાક છંછુદર જેવા નપાણિયાઓ આવી પળે ચુંટી ખણીને આપણા મૂડની પથારી ફેરવતા હોય છે. ઘણા એ લખ્યું કે આજે માતા પ્રત્યેનો પ્રેમ છલકાતો જોય એમ થાય છે કે આજે મોટાભાગના વૃધ્ધાશ્રમો ખાલી થઈ જશે. અને અડધું ફાધર્સ ડે ના દિવસે. જોકે ફેસબુક પર ફોટા મુકનારા તમામ લોકો પોતાના માતા-પિતા સાથે જ રહેતા હતા અને એમની સેવા કરતા હતા. આવા ખણખોદિયાઓ ક્યારેય વૃધ્ધાશ્રમોની મુલાકાતે જતા નથી અને ગયા બાદ અડધી માહિતી મેળવી પરત આવતા હોય છે. જે વડીલોએ રડતા રડતા કહ્યું કે સંતાનોએ તરછોડ્યા એમના સંતાનોનો પક્ષ સાંભળવા જવાની તસ્દી કોઇ લેતું નથી હોતું. આવા વૃધ્ધાશ્રમોમાં મોટાભાગે સંતાન વિહોણા, પુત્રીના લગ્ન બાદ એકલા પડેલા, અકાળે સંતાનોના મૃત્યુને કારણે એકલા પડેલા અને સંતાનોથી તરછોડાયેલાઓનો સમાવેશ થાય છે. આવી એક સંસ્થાનો અભ્યાસ કરવાનું મારા કોલેજકાળમાં અભ્યાસ હેઠળ બનેલું.
કુદરતી રીતે દિકરો માતા સાથે એક અદભુત મમત્વ ધરાવે છે. અને એ એની માતાને રડતી કદી ન જોઇ શકે. એવી જ રીતે દિકરી બીજી મા સમાન પોતાના પિતાની કાળજી લેતી હોય છે. પણ આ બધામાં ખરો કંકાસ ક્યા ઉદભવે છે ? તાળી એક હાથે કદી વાગતી નથી. મારા ઘરની જ વાત લંઉ તો જો બન્ને પક્ષને ધ્યાને ન લઈએ તો તો અમારા ઘરે રોજ કંકાસ છાપરે ચઢીને પોકારે. માતા-પિતા છેક ઉત્તરપ્રદેશના રહેવાસી એટલે દિકરીને ભણાવવાની નહિ, ઘરની બહાર સ્ત્રીઓ ઘુંઘટ તાણીને જ જવાનું, સ્ત્રીઓએ નોકરી નહિ કરવાની, બાળકોના લગન કિશોરાવસ્થામાં જ કરાવી દેવા જેવી વાતો રોજેરોજની હોય. એમાં મારા પિતાની આટલા રુપિયા આપ તો ગામ જઈ શાંતિથી જીવન વીતાવુનું રટણ હોય. જ્યારે એમની શારીરિક ક્ષમતા કોઇ કાળે શહેર બહાર રહેવાની નથી. કારણ કે જે ગામમાં વીજળી અને રસ્તાના ઠેકાણાં નહિ ત્યાં એમબ્યુલન્સના ઠેકાણા ક્યાંથી હોય ? અને જ્યારે અમે સંતાનો ભેગા થઈએ તો જેમનું ગામમાં કશું ઉપજતું ન હોય એવા લોકોના ઉદાહરણ આપી ટોણો મારે. કે ફલાણાના દિકરાએ ટ્રેકટર લીધું. પેલાના દિકરાએ ત્રણ માળનું ઘર બાંધ્યુ. અને અમે વધારે તપાસ કરીએ તો ખબર પડે કે એમના સંતાનો એમના માતા-પિતાના ત્રાસથી બચવા એમને ત્રીજા માળે રાખે જેથી ડોશા-ડોશી વારે વારે નીચે આવી ના શકે. અને કકળાટ ન થાય. ખુદનો દિકરો આખાય કુંટુંબમાં પહેલવહેલો પોસ્ટ ગ્રેજ્યુએટ થયો. વિદેશ ભણવા ગયો, ગામ આખામાં સમ્માન મેળવે છે તોયે દિવા તળે અંધારુ એ ઘાટ મુજબ મારા માતાપિતા બીજાના સંતાનો આગળ અમે સાવ નકામાં છીએનો ભાવ જ જન્માવે. અને આ બધાની વચ્ચે વહુઓને ટોણો મારવાનું કામ સતત. પૌત્રીઓની ઉંચાઈ જોઇ પરણાવવાની વાત દરરોજ કરે.
કોઇ જીદ પુરી ના કરો તો જમવાનું છોડી દે,વાત ના કરે, વાતે વાતે મરવાની વાત કરે. દિકરીઓને ભણાવવાની ના પાડે, એમને જલ્દી પરણાવવાની વાત કરે, દહેજપ્રથાને જીવતી રાખવા મથે.વહુઓને વાતે વાતે ટોણો મારે. વાતે વાતે અકળાય. કોઇ વસ્તુ ઝટ નહિ મળૅ તો રિસાય, જમવાનું માંડી વાળે, પ્રસંગોનો બહિષ્કાર કરે. વડીલ તરીકે મારું ઉપજતું નથી એવા ટોણા જાહેરમાં મારે. અને જે વાતે દિકરાએ સગવડ કરી આપી હોય એ જ વાતોમાં પોતે હેરાન થઈ દિકરાને પજવે. કશો વાંધો નહિ એમ કહેતા જાય અને વાંધા વિશે ગામ આખામાં મમરો પણ મુકતા આવે. આવા ડોહા ડગરાઓને સહન કરવા એ પણ બહુ મોટી વાત છે. અને એમને સહન કરી સેવા કરતા ઘણા શ્રવણો જોયા છે. અમારા દાદા અમારા મોટાભાઈઓને નાની ઉંમરે પરણાવી દહેજમાં ભેંસ લેતા. અને આજે અમારા એ મોટાભાઈઓનું જીવન ભેંસ કરતાય બદતર છે. તોયે ડોશો બધી સેવાચાકરી કરાવીને ગયો. આજે એના ભોગે જે લોકોના જીવન બદતર છે તે જોવા કેમ કોઇ નપાણિયો જતો નથી ? આ બધી લપ વચ્ચે પણ અમે ત્રણેય ભાઈઓ અમારા માતા-પિતાની બધી વાતે કાળજી લઈએ. એ લોકો ખોટા હોય તોયે પત્નીઓને વઢીએ. આટઆટલું કર્યા બાદ કેટલાક છંછુદરો સંતાનોને જ બદનામ કરવા નીકળે. ઘરમાં પ્રશ્નો ઉભા કરવામાં વડીલોનો બહુ મોટો ફાળો હોય છે. મારા દાદાનું હંમેશનું એક રટણ રહેતું કે "હવે કેટલા વર્ષ જીવીશ ફલાણાના લગ્ન જોતો જાઉં એવું મન છે" આ જ વાતનું રટણ કરી લગભગ પાંચ ભાઈઓના બાળલગ્ન કરાવી એક એક ભાઈ દીઠ પાંચ ભેંસ દહેજમાં મેળવી જલસા કરતા કરતા પરલોક સિધાવ્યા. જ્યારે કોઇ હરખભેર કહે કે મારા દાદા અમને વાર્તા કહેતા, ફરવા લઈ જતા, સારી વાત શીખવતા તો એની સામે અમે એમ જ કહીએ કે અમે એવા કેવા ભુંડા કરમ કરેલા કે આવો ડોશો અમારો દાદો બન્યો. દાદાની નિષ્કાળજીને લીધે જ દાદી અકાળે અવસાન પામેલા. જુગાર રમવામાં આખુ રાજપાઠ ગુમાવેલું. અને તોયે આજે બધા કહે દાદા હતા તો આબરુ હતી. (જેને અમે રોજ ચીંથરે વ્હેંચાતા જોયેલી.)
મા-બાપને ભુલશો નહિ ગાવાવાળા ઘેટાંના ટોળાની જેમ મળશે. પણ પોતાની જીદ, અહંકાર, સમાજની દેખાદેખી ખાતર સંતાનોના જીવન બદત્તર બનાવનાર મા-બાપની ભુલ કેમ એ માતા-પિતા પાસે કબુલાવતા નથી. સરસ્વતીનો અવતાર કહી શકાય એવી મારી મિત્રની અવહેલના એટલા માટે થાય કારણકે એ લગ્ન લાયક થઈ છે અને પોતાની કળાપ્રિયતા છોડી તે લગ્ન કરવા સમજુતી કરતી નથી. માતા-પિતાના રોજના મેણા-ટોણાથી તે ત્રાસીને આત્મહત્યા કરી લેવા સુધ્ધાની વાતો કરે છે. એક બિઝનેસવુમન વાળી એની પ્રતિભાની છડેચોક અવહેલના જોઇ મને થાય કે એના માતા-પિતાને ઘરડાઘરમાં સોંપી આવું.એણે મેળવેલા ઇલ્કાબો, ખિતાબો, સમ્માન, પ્રગતિ બધુ જ કોરાણે મુકી માત્ર એને લગ્ન કરી લેવા રોજેરોજ મેણાં ટોણા મરાય છે. આવા તો માંગો તો એક નહિ પણ હજાર કિસ્સા મળશે. પણ આપણે ત્યાં મૂર્ખાઓની જમાત એવી ને એટલી છે કે ના પુછો વાત.જો કહેવતો સાચી પડતી હોય તો એ કહેવત મુજબ જે સંસ્કાર તમે વાવ્યા હશે તે જ તમને વળતરમાં મળશે.જેવું કરશો તેવું ભરશો.
ચચરાટ-
વાજબી વાત કરે તો મા-બાપના બધા વચનો માથે. અને ગેરવાજબી વાત હોય તો ભલેને જતા ઘરડાઘરમાં. મને કંઈ જ ફેર નહિ પડે જેણે જે કહેવું હોય તે કહે. જેમ મા-બાપના ઘડપણને સમજવાની સંતાનોની ફરજ છે એ જ રીતે સંતાનોની સાંસારિક જવાબદારી સમજવાની વડીલોની પણ ફરજ છે. આમ પણ બાળસહજ ખોટી જીદો આપણે ક્યા ચલાવી લઈએ છીએ ?
No comments:
Post a Comment