Thursday, May 26, 2016

આર્ટસ લઈને મે બહુ ઉત્તમ ભુલ કરી.

આર્ટસ લઈને મે બહુ ઉત્તમ ભુલ કરી. ત્યારે હું ૧૧મા ધોરણની પરીક્ષાની તૈયારી કરતો હતો. રવિવાર હોવાને લીધે પપ્પા ઘરે હતા.ભંગાર લે-વેચ કરતા એક કાકા ઘરે આયા અને પાણી માંગ્યુ. પપ્પાએ લોટો ધર્યો. ભંગારવાળા કાકા પાણી પી લીધા બાદ પોરો ખાવા ઓટલે બેઠા અને વાતે લાગ્યા. મને ભણતા જોઇ કાકા બોલ્યા કે પંડિત છોકરો તો બહુ ભણે છે ને કયા ધોરણમાં છે. ? પપ્પાએ કહ્યું ૧૧મા ધોરણમાં છે. તે ભંગારવાળા કાકા આગળ વધ્યા. કહે કઈ સ્કુલમાં અને સાયન્સ કે કોમર્સ. તો પપ્પાએ કહ્યું આર્ટસ અને જીવીડીમાં ભણે છે. મારા બાપ કરતા તો પેલા ભંગાર જેવા દેખાતા ભંગારવાળાને હૈયે ફાળ પડી. તરત બીજો પ્રશ્ન ઇંગ્લીશ છે કે નથી ? પપ્પાએ કહ્યું ના અંગ્રેજી છોડવાની શરતે ગુજરાત સરકારે એને દસમામાં ઉપર ચઢાવેલો.(પાટીદારોને ફઈબા પર ખીજ આજકાલ ચઢી હશે મને તો ત્યારની છે.) ભંગારવાળા કાકાએ મારુ ભવિષ્ય ભાખતા હોય તેમ કહ્યું ઉઠાડી લો પંડિત. કેટલાય આર્ટસવાળાઓને ઝાડુ મારતા જોયા છે. પપ્પાને તો જાણે મોટો ભાઈ મળ્યો એમ એમનો ઉત્સાહ વધ્યો પણ એમને મારો સ્વભાવ ખબર એટલે સમસમીને રહી ગયા. ભંગારવાળા કાકાની ભંગાર જેવી વાતો જાણી-સમજી લીધા બાદ વારો મારો હતો.મે શરુ કર્યુ. કાકા તમારા ઘરમાં સૌથી વધારે કોણ ભણેલું ? કાકા કહે કે કોઇ નહિ. બધા અંગુઠા છાપ. બે ચાર ચોપડી પછી બધા ભણવાનું છોડી ભંગારના ધંધે લાગી જાય. અને મે શરુ કર્યુ, "તે તમે બધા ભણો નહિ તો તમારુ જીવન ભંગાર જેવું જ હોયને અને તમે બધા ભંગાર જેવું જ વિચારતા થાવ. અને બીજા પણ ભંગાર જેવા જ રહે એવું ગામ આખામાં સલાહ આપતા ફરો." મારો પિત્તો જતો જોઇ પપ્પા પામી ગયા કે હવે આ ભંગારવાળાને મારવા લેશે. એટલે પપ્પાએ ભંગારવાળાને રવાના કર્યો.આર્ટસ હોવા છતાં ખુબ મહેનત કરતા જોઇ ઘણાને એમ લાગતું કે આ સાયન્સમાં હશે. પણ જેવી ખબર પડે કે આર્ટસ છે તેવુ તરત જ મો કટાણું કરીને વહ્યા જાય. એ વાત અલગ છે કે નવાબો આજે ઓટો ચલાવે છે. પણ એ અભાગિયાઓને કેમ કરી સમજાવું કે આર્ટસ લેવાને કારણે કેટકેટલા સબ્જેકટ ભણવા મળ્યા.સમાજશાસ્ત્ર,તર્કશાસ્ત્ર, ભારતીય સંસ્કૃતિ અને સ્થાપત્ય કળા,રાજયશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, વસ્તીશાસ્ત્ર, પર્યાવરણશાસ્ત્ર. હજી યાદ છે કોલેજ કાળમાં મનોવિજ્ઞાન વિષય રાખવાનો એક જ ઇરાદો હતો કે એ મને નોકરી આપે કે ના આપે પણ જીવન જીવતા શીખવશે. અને થયું પણ એવુ જ. રાજ્યશાસ્ત્ર રાખવાનો હેતુ મારી અંદર રહેલી રાજનીતી પ્રત્યેની રુચિ જે આગળ જતા બેવડાઈ.એરિસ્ટોટલ,સોક્રેટિસ રુસો, સ્ટાલિન, ગાંધી, માર્ક્સ, મુસોલિની, એડોલ્ફ હિટલર, અરે કેટકેટલા વિચારકોના વિચારો રાજયશાસ્ત્રએ આપ્યા. કાલિદાસ, ભાસના નાટકોએ કેટલી મઝા કરાવી. સુર્યકાંત નિરાલાની 'વહ તોડતી પથ્થર' તો મન્નુ ભંડારીના પુસ્તકો. પ્રેમચંદની નોવેલ નિર્મલા પપ્પાની સીંગ ચણાની લારીએ દિવાના પ્રકાશે વાંચી હતી. પન્નાલાલ પટેલ તો ક.મા.મુનશીની કૃષ્ણાવતાર, તો ર.પા.ની કાગડો ઉડી ગયો તો વિનોદ જોશીની ઝાલર વાગે જૂઠડી. સાત પગલા આકાશમાં તો કાશીમાંની કુતરી, જુમો ભિસ્તી, કુમુદનું તહોમતનામું. કેટકેટલું શીખ્યો સંબંધ બાબતે. આર્ટસમાં ભણ્યો છું અને અંગ્રેજી વિના ભણ્યો છું અને દર વર્ષે કોલેજ ટોપ પણ કર્યુ છે. અને ન્યુઝીલેન્ડમાં બેસીને હજી આગળ ભણું છું. અને તોયે મારી બધી ડિગ્રી ધૂળ ખાતી અનુભવું છું કારણ કે મારા કામમાં ડિગ્રી કરતા સ્કીલ વધારે જોઇએ. ઘરમાં રહેલા સામાજીક કુરિવાજો દુર કરવામાં આર્ટસના ભણતરે જ તો વધારે હિમંત આપી. ઓફિશિયલ નામ આગળ એડવોકેટ લખવાની લાયકાત મેળવી છે તો હુલામણા નામને પણ આરજેનું બિરુદ આપ્યુ છે. હજી એમફિલ પીએચડી રાહ જુએ છે. આજે આર્ટસ કોલેજો બીમાર પડી છે. છોકરા મેળવવાના ફાંફા છે. અરે યંત્રો ચલાવતા તો શીખી જશો પણ મંત્રોચ્ચાર કરતા શીખવતી શાખાની જાળવણી પણ જરુરી છે. ભલે. જે વિષય જીવનમાં વણાયેલો હોવો જોઇએ એ શીખવા પણ જવું પડે એ પણ મોટી કમનસીબી જ ને. બાકી ગુજરાતી ભાષા ભણાવવાની જરુર ખરી ? એ તો હૈયે હોવી જોઈએ. ધૂળમાંથી ઉભો થયો છું એટલે ધૂળને ખંખેરતો નથી અને કેટલાક નમુના એટીકેટના નામે મોટલી મારવા નીકળે ત્યારે એમને કહેવાનું મન થાય કે ભાઈ ચોથા ધોરણની શા. કે. માં આવતી પેલી કવિતા હૈયે હજી અકબંધ છે. એવી માટીની ગંધ આવે યાદ રે હાલો ભેરુ ગામડે રે.

Thursday, May 19, 2016

પૃથ્વી ખરેખર ગોળ છે.

જીવનમાં આમ જોવા જઈએ તો આપણી અંદર રહેલા માનવીય અભિગમને આપણે શાણા બનવાના ચક્કરમાં ગુમાવતા હોઈએ છીએ અને પછી માનવસંબંધોમાં વ્યવહાર નામનો સડો પેસે છે. અને લુચ્ચાઈ નામની બીમારીનો બધા ભોગ બને છે. લુચ્ચાઈ અને ખાનદાની આ બંન્ને વચ્ચે આપણી જાત મુંઝાતી રહે છે. અને પરિણામે સમાજજીવનમાં તકલીફો ઉમેરાય છે. આ વાતને સાર્થક કરતી એક વાર્તા યાદ આવે છે. 

એક ગરીબ ભરવાડ કે જે ગામડે ગામડે ફરીને ઘી વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો તે ખરીદી કરવા અવારનવાર શહેરમાં જતો હતો. શહેરમાં જે દુકાનેથી તે પોતાના ઘર માટે કરિયાણું ખરીદતો હતો એ જ દુકાનનાં માલિકે એ ભરવાડને દર પખવાડિયે ૧૦ કિલો ઘી પોતાને વેચવાની ઓફર કરી. ભરવાડ રાજી થતો થતો ઘેર ગયો અને ઘી બનાવવાની તૈયારી આરંભી અને નિયત કરેલા દિવસે તે ૧૦ પેકેટ ઘી સાથે હાજર થઈ ગયો. ભરવાડને એના ઘીની રકમ ચુકવીને દુકાનદારે એને રવાના કર્યો અને ઘીના દસ પેકેટ એ જ રીતે રાખી વેચવા માટે મુક્યા અને લગભગ બે થી ત્રણ ગ્રાહકો એ ખરીદીને લઈ ગયા. દુકાનદાર રાજી થઈને મલકાતો હતો કારણ કે એને મૂળ કિંમતમાં લગભગ ૩૦ ટકા જેટલો નફો દરેક પેકેટ દીઠ મળતો હતો. ત્યાં તો ૩૦ મિનિટના અંતરે ટપોટપ ત્રણેય ગ્રાહક વારાફરતી એક કિલોને બદલે પોતાને ૯૦૦ ગ્રામ જ ઘી મળ્યું એવી ફરીયાદ કરી ઘીનું પેકેટ પરત કરી પોતાના પૈસા લઈ જતા રહ્યા.અને દુકાનદારને બરાબર સંભળાવી તે અલગ. દુકાનદારે તરત જ બીજા પેકેટ પણ જોખી જોયા તો એ બધા પણ ૯૦૦ ગ્રામના જ હતાં. દુકાનદાર ગુસ્સાથી ધુંઆપુંઆ થઈ ગયો અને ભરવાડ ફરી આવે તો પોતાને છેતરવા બદલ એને બરાબર પાઠ ભણાવવાની ગણતરી સાથે એણે બધા પેકેટ જેમના તેમ રાખી દીધા. ભરવાડ એના નિયત ક્રમ મુજબ પખવાડિયા બાદ આવી ગયો. અને દુકાનદારે એને ખરી ખોટી સંભળાવવાની શરુ કરી. અચાનક થયેલા આવા આક્ષેપોથી પેલો ગરીબ ભરવાડ ડઘાય ગયો અને ચુપચાપ દુકાનદારની વાતો અને ગુસ્સો બંન્ને ખમી લીધા બાદ એણે વિનમ્રતાપુર્વક કહ્યું કે સાહેબ હું તો ગામડાનો અભણ ભરવાડ છું. મને આવા તોલ-માપના સાધનોની શી ખબર ? અને આવા સાધનો ખરીદવાની મારી ત્રેવડ પણ નથી. એટલે તમારી જ દુકાનેથી ખરીદેલી ૧ કિલો ખાંડના પેકેટનો જ ઉપયોગ મે આ ઘી જોખવા માટે કર્યો. અને ભરવાડની આ વાત સાંભળી દુકાનદારની બોલતી બંધ થઈ ગઈ. 

માણસ તરીકે આપણા સ્વભાવની ખાસિયત એ છે કે આપણે જો કોઇને છેતરતા હોઇએ તો એને આપણે આપણી ચતુરાઈ તરીકે ખપાવીએ અને જો બીજો કોઇ આપણને છેતરે તો આપણે એને લુચ્ચાઈ તરીકે ગણતા હોઇએ છીએ. ત્રીજા માણસની આવી છેતરવાની વાર્તા સાંભળી એને આપણે એની ખંધ્ધઈ કહેતા હોઇએ છીએ. પરિણામે પૃથ્વી ગોળ છે એ કહેવત અનુસાર જ બધું આપણને જ ફરી મળતું હોય છે. ગયા મહિને જ્યારે હું ઇન્ડિયા ગયેલો ત્યારે મારા હોમટાઉન વલસાડની મુલાકાત લેતા વેળા એ તમામ વ્યકિતત્વોને મે મારો મળવાનો ક્રમ ફરી જાળવ્યો જે લોકોએ મારા ઘડતરમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફાળો આપ્યો હતો. અને મારી શુભેચ્છા મુલાકાતોને પરિણામે આવા સજ્જ્નો-સ્વજનોના ચહેરા પર જોવા મળતા આત્મસંતોષને જોઇ આપણને પણ કૃતજ્ઞી બન્યાનો આનંદ મળતો હોય છે. ઘણીવાર રસ્તે પસાર થતાં હોઇએ ત્યારે આપણા માટે નકામું ગણાતું કાગળ કે વસ્તુ આપણા ખિસ્સામાંથી નીચે અજાણતામાં પડી જાય તો કોઇ વ્યક્તિ આપણને એ માટે માહિતગાર કરે છે ત્યારે એ કાગળ જોઇને જ એ કામનું નથી એમ કહી આપણે એ કાગળ ઉચકવાનું માંડી વાળીએ છીએ. અને પરોક્ષ રીતે આપણને માહિતગાર કરનાર વ્યક્તિનું અપમાન કરીએ છીએ. ખરેખર તો આપણને માહિતગાર કરનાર વ્યક્તિના માન ખાતર પણ એ નકામું કાગળ ઉંચકીને લઈ લઈશું તો પેલી 
વ્યક્તિ બીજી વ્યકિતઓને પણ આવી ઘટના બનતી વખતે માહિતગાર કરવાનું ચાલું રાખશે. 

બીજા વડે થયેલી ભલમનસાઈને પોતાના અહંકાર ખાતર ભુલી જનારા ઘણા લોકો આપણી આસપાસ જોવા મળે જ છે. રસ્તા પર બાળકોને બેસાડીને ટુ-વ્હીલર પર જતાં વ્યક્તિને ડ્રાયવીંગ કરતી વખતે ફોન પર વાત ન કરવા માટે વિનમ્રતાપુર્વક ના પાડીએ અને સમજાવીએ તો એ વ્યક્તિ “તમે તમારું કામ કરોને “ એવો પ્રત્યુત્તર આપે છે. અને એને સલાહ આપનાર વ્યક્તિ પોતે અપમાનિત થયા બાદ હવે બીજીવાર કોઇને પણ આવી સલાહ આપવાનો કે સમજાવવાનો પ્રયત્ન માંડી વાળે છે. 

ચચરાટ-
અન્ય પર કરેલા ઉપકારો ને ભુલી જવું એ ભલા માણસોની ખાનદાની છે તો પોતાના પર થયેલા ઉપકારો ભલે ભલા માણસો ભુલી જાય પણ ઉપકાર જેના પર થયો છે તે વ્યક્તિ એને યાદ રાખે અને કૃતજ્ઞી બની ભલા માણસ  સાથે વિનમ્રતાપુર્વક વર્તે એ ઉપકાર મેળવનાર વ્યક્તિનીની ખાનદાની છે.

Tuesday, May 10, 2016

સંતાનોની જ નહિ પણ મા-બાપની ભુલોને પણ ભુલશો નહિ.

ગયા અઠવાડિયે બધાએ રંગેચંગે મધર્સ ડે ઉજવ્યો. અને એમાં બધાએ પોતાની માતા સાથેના ફોટા ફેસબુક પર વોટસ અપ ના ડિસ્પ્લે પિક્ચરમાં રાખી માતા પ્રત્યેની લાગણી વ્યકત કરી. અને પ્રાસંગિક પણ હતું પણ વ્હેણથી અલગ વ્હેવાના અભરખા રાખનારા કેટલાક છંછુદર જેવા નપાણિયાઓ આવી પળે ચુંટી ખણીને આપણા મૂડની પથારી ફેરવતા હોય છે. ઘણા લખ્યું કે આજે માતા પ્રત્યેનો પ્રેમ છલકાતો જોય એમ થાય છે કે આજે મોટાભાગના વૃધ્ધાશ્રમો ખાલી થઈ જશે. અને અડધું ફાધર્સ ડે ના દિવસે. જોકે ફેસબુક પર ફોટા મુકનારા તમામ લોકો પોતાના માતા-પિતા સાથે રહેતા હતા અને એમની સેવા કરતા હતા. આવા ખણખોદિયાઓ ક્યારેય વૃધ્ધાશ્રમોની મુલાકાતે જતા નથી અને ગયા બાદ અડધી માહિતી મેળવી પરત આવતા હોય છે. જે વડીલોએ રડતા રડતા કહ્યું કે સંતાનોએ તરછોડ્યા એમના સંતાનોનો પક્ષ સાંભળવા જવાની તસ્દી કોઇ લેતું નથી હોતું. આવા વૃધ્ધાશ્રમોમાં મોટાભાગે સંતાન વિહોણા, પુત્રીના લગ્ન બાદ એકલા પડેલા, અકાળે સંતાનોના મૃત્યુને કારણે એકલા પડેલા અને સંતાનોથી તરછોડાયેલાઓનો સમાવેશ થાય છે. આવી એક સંસ્થાનો અભ્યાસ કરવાનું મારા કોલેજકાળમાં અભ્યાસ હેઠળ બનેલું.

કુદરતી રીતે દિકરો માતા સાથે એક અદભુત મમત્વ ધરાવે છે. અને એની માતાને રડતી કદી જોઇ શકે. એવી રીતે દિકરી બીજી મા સમાન પોતાના પિતાની કાળજી લેતી હોય છે. પણ બધામાં ખરો કંકાસ ક્યા ઉદભવે છે ? તાળી એક હાથે કદી વાગતી નથી. મારા ઘરની વાત લંઉ તો જો બન્ને પક્ષને ધ્યાને લઈએ તો તો અમારા ઘરે રોજ કંકાસ છાપરે ચઢીને પોકારે. માતા-પિતા છેક ઉત્તરપ્રદેશના રહેવાસી એટલે દિકરીને ભણાવવાની નહિ, ઘરની બહાર સ્ત્રીઓ ઘુંઘટ તાણીને  જવાનું, સ્ત્રીઓએ નોકરી નહિ કરવાની, બાળકોના લગન કિશોરાવસ્થામાં જ કરાવી દેવા જેવી વાતો રોજેરોજની હોય. એમાં મારા પિતાની આટલા રુપિયા આપ તો ગામ જઈ શાંતિથી જીવન વીતાવુનું રટણ હોય. જ્યારે એમની શારીરિક ક્ષમતા કોઇ કાળે શહેર બહાર રહેવાની નથી. કારણ કે જે ગામમાં વીજળી અને રસ્તાના ઠેકાણાં નહિ ત્યાં એમબ્યુલન્સના ઠેકાણા ક્યાંથી હોય ? અને જ્યારે અમે સંતાનો ભેગા થઈએ તો જેમનું ગામમાં કશું ઉપજતું હોય એવા લોકોના ઉદાહરણ આપી ટોણો મારે. કે ફલાણાના દિકરાએ ટ્રેકટર લીધું. પેલાના દિકરાએ ત્રણ માળનું ઘર બાંધ્યુ. અને અમે વધારે તપાસ કરીએ તો ખબર પડે કે એમના સંતાનો એમના માતા-પિતાના ત્રાસથી બચવા એમને ત્રીજા માળે રાખે જેથી ડોશા-ડોશી વારે વારે નીચે આવી ના શકે. અને કકળાટ થાય. ખુદનો દિકરો આખાય કુંટુંબમાં પહેલવહેલો પોસ્ટ ગ્રેજ્યુએટ થયો. વિદેશ ભણવા ગયો, ગામ આખામાં સમ્માન મેળવે છે તોયે દિવા તળે અંધારુ ઘાટ મુજબ મારા માતાપિતા બીજાના સંતાનો આગળ અમે સાવ નકામાં છીએનો ભાવ જન્માવે. અને બધાની વચ્ચે વહુઓને ટોણો મારવાનું કામ સતત. પૌત્રીઓની ઉંચાઈ જોઇ પરણાવવાની વાત દરરોજ કરે

કોઇ જીદ પુરી ના કરો તો જમવાનું છોડી દે,વાત ના કરે, વાતે વાતે મરવાની વાત કરે. દિકરીઓને ભણાવવાની ના પાડે, એમને જલ્દી પરણાવવાની વાત કરેદહેજપ્રથાને જીવતી રાખવા મથે.વહુઓને વાતે વાતે ટોણો મારેવાતે વાતે અકળાયકોઇ વસ્તુ ઝટ નહિ મળૅ તો રિસાયજમવાનું માંડી વાળેપ્રસંગોનો બહિષ્કાર કરેવડીલ તરીકે મારું ઉપજતું નથી એવા ટોણા જાહેરમાં મારેઅને જે વાતે દિકરાએ સગવડ કરી આપી હોય   વાતોમાં પોતે હેરાન થઈ દિકરાને પજવેકશો વાંધો નહિ એમ કહેતા જાય અને વાંધા વિશે ગામ આખામાં મમરો પણ મુકતા આવેઆવા ડોહા ડગરાઓને સહન કરવા પણ બહુ મોટી વાત છે. અને એમને સહન કરી સેવા કરતા ઘણા શ્રવણો જોયા છે. અમારા દાદા અમારા મોટાભાઈઓને નાની ઉંમરે પરણાવી દહેજમાં ભેંસ લેતા. અને આજે અમારા મોટાભાઈઓનું જીવન ભેંસ કરતાય બદતર છે. તોયે ડોશો બધી સેવાચાકરી કરાવીને ગયો. આજે એના ભોગે જે લોકોના જીવન બદતર છે તે જોવા કેમ કોઇ નપાણિયો જતો નથી ? આ બધી લપ વચ્ચે પણ અમે ત્રણેય ભાઈઓ અમારા માતા-પિતાની બધી વાતે કાળજી લઈએ. લોકો ખોટા હોય તોયે પત્નીઓને વઢીએ.  આટઆટલું કર્યા બાદ કેટલાક છંછુદરો સંતાનોને બદનામ કરવા નીકળે. ઘરમાં પ્રશ્નો ઉભા કરવામાં વડીલોનો બહુ મોટો ફાળો હોય છે.  મારા દાદાનું હંમેશનું એક રટણ રહેતું કે "હવે કેટલા વર્ષ જીવીશ ફલાણાના લગ્ન જોતો જાઉં એવું મન છે" વાતનું રટણ કરી લગભગ પાંચ ભાઈઓના બાળલગ્ન કરાવી એક એક ભાઈ દીઠ પાંચ ભેંસ દહેજમાં મેળવી જલસા કરતા કરતા પરલોક સિધાવ્યા. જ્યારે કોઇ હરખભેર કહે કે મારા દાદા અમને વાર્તા કહેતા, ફરવા લઈ જતા, સારી વાત શીખવતા તો એની સામે અમે એમ જ કહીએ કે અમે એવા કેવા ભુંડા કરમ કરેલા કે આવો ડોશો અમારો દાદો બન્યો. દાદાની નિષ્કાળજીને લીધે જ દાદી અકાળે અવસાન પામેલા. જુગાર રમવામાં આખુ રાજપાઠ ગુમાવેલું. અને તોયે આજે બધા કહે દાદા હતા તો આબરુ હતી. (જેને અમે રોજ ચીંથરે વ્હેંચાતા જોયેલી.)

મા-બાપને ભુલશો નહિ ગાવાવાળા ઘેટાંના ટોળાની જેમ મળશે. પણ પોતાની જીદ, અહંકાર, સમાજની દેખાદેખી ખાતર સંતાનોના જીવન બદત્તર બનાવનાર મા-બાપની ભુલ કેમ એ માતા-પિતા પાસે કબુલાવતા નથી. સરસ્વતીનો અવતાર કહી શકાય એવી મારી મિત્રની અવહેલના એટલા માટે થાય કારણકે લગ્ન લાયક થઈ છે અને પોતાની કળાપ્રિયતા છોડી તે લગ્ન કરવા સમજુતી કરતી નથી. માતા-પિતાના રોજના મેણા-ટોણાથી તે ત્રાસીને આત્મહત્યા કરી લેવા સુધ્ધાની વાતો કરે છે. એક બિઝનેસવુમન વાળી એની પ્રતિભાની છડેચોક અવહેલના જોઇ મને થાય કે એના માતા-પિતાને ઘરડાઘરમાં સોંપી આવું.એણે મેળવેલા ઇલ્કાબો, ખિતાબો, સમ્માન, પ્રગતિ બધુ કોરાણે મુકી માત્ર એને લગ્ન કરી લેવા રોજેરોજ મેણાં ટોણા મરાય છે. આવા તો માંગો તો એક નહિ પણ હજાર કિસ્સા મળશે. પણ આપણે ત્યાં મૂર્ખાઓની જમાત એવી ને એટલી છે કે ના પુછો વાત.જો કહેવતો સાચી પડતી હોય તો કહેવત મુજબ જે સંસ્કાર તમે વાવ્યા હશે તે તમને વળતરમાં મળશે.જેવું કરશો તેવું ભરશો.


ચચરાટ-
વાજબી વાત કરે તો મા-બાપના બધા વચનો માથે. અને ગેરવાજબી વાત હોય તો ભલેને જતા ઘરડાઘરમાં. મને કંઈ ફેર નહિ પડે જેણે જે કહેવું હોય તે કહે. જેમ મા-બાપના ઘડપણને સમજવાની સંતાનોની ફરજ છે રીતે સંતાનોની સાંસારિક જવાબદારી સમજવાની વડીલોની પણ ફરજ છે. આમ પણ બાળસહજ ખોટી જીદો આપણે ક્યા ચલાવી લઈએ છીએ ?