Saturday, February 20, 2016

ભારતના નાગરિકોના બધા જ ઓફિશિયલ ડોક્યુમેન્ટસમાંથી જાતિ અને ધર્મ લખવાનું બંધ કરીએ તો ?

મોદીસાહેબ અને એમની પાર્ટીની વિચારસરણી કયા પ્રકારની છે એ ખબર જ નથી પડતી. દેશભક્તિ બાબતે ગામ ગજવીને ઢંઢેરો પીટતી મોદી સરકાર કાશ્મીરમાં ભારત સામે જ  ભારોભાર આડા ફાટવાની વૃતિ અને સંભાવના ધરાવતી મહેબુબા આગળ ઘુંટણ ટેકવે છે. અને ઉપરથી બેનને પાછા અલગાવવાદીઓ સાથે કૂણી લાગણીઓ છે એ પ્રકારની વાત મોટાભાગના પત્રકારો મહેબુબા મુફતીના અળવીતરા સ્વભાવ અને એ સિવાયની વાતોને કારણે કરી ચુક્યા છે.(મતલબ વખોડી ચુક્યા છે) જે રામ માધવ અખંડ ભારત બનાવવાનો હુંકાર કરે છે (જે તદ્દન વાહિયાત અને નકરો વાણીવિલાસ છે) એ જ પાછા આ આખા કેસમાં મધ્યસ્થી કરે છે. મતલબ હિન્દુત્વની વાતને સત્તાની વાત આવે તો સાઈડ પર હડસેલતા એમને પણ વાર નથી લાગતી.બીજી બાજુ મોદીસાહેબ મેક ઈન ઈન્ડિયાના નારા બુલંદ કરે છે અને ભારતની  સિટીઓને સ્માર્ટ બનાવવા માઈક્રોસોફટ અને આઈબીએમને કામગીરી સોંપવા ઉત્સુક જોવા મળે છે. સ્વદેશી અપનાવવાની ચળવળ સાથે જે પાર્ટીના પોતાના છેડા હોય તે જ પાર્ટીના મોદી સાહેબની આ ડબલ ઢોલ જેવી વાત ગળે ઉતરતી નથી. અને એ જ મોદીસાહેબના કિસાન મેલા માટે ૧૦૦ કરોડથી વધુ ખર્ચાયા. (એક એક લાખની સહાય પણ વ્યક્તિગત ધોરણે કરી હોત તો ૧૦૦૦૦ ખેડુતોને રાહત આપી શકાઈ હોત.) સબસીડી છોડવાની વાત કરતા વડાપ્રધાનશ્રીની સભા જાજરમાન શા માટે હોવી જોઇએ ? ભુતપુર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંઘ  જ્યારે સત્તામાં હતા અને મૌન રહેતા તો મોદીસાહેબ અને એમના ચાહકો કાયમ કહેતા કે આપણા વડાપ્રધાનને મૌન રહેવાની ટૅવ છે. અને હંમેશા મોટાભાગના ભાષણોમાં વડાપ્રધાન બનવા પહેલા "એક્વાર વડાપ્રધાન બનાવો પછી તડને ફડ કરી બતાવીશ" જેવી અને જેટલી વાતો થતી તે બધી આજે હવામાં ગોળીબાર જેવી ભાસે છે. અને હવે એમને સમજાય છે કે દેશના વડાપ્રધાન તરીકે એક છીંક ખાવા માટે પણ ચાર વાર વિચારવું પડે. સત્તા પર આવતા જ પાકિસ્તાન જોડે બે-બે હાથની કરી જ લઈશું એવી જે ચાનક હતી ત્યાં આજે તેઓની નીતિ બકરીની જેમ બેં-બેં કરતી હોય એવું લાગે છે.  અને આ બધા બનાવો પરથી એમ લાગે કે જાણે મનમોહન સિંધની હાય લાગી હોય કે ," મુજ વીતી તુજ વીતશે ધીરજ રાખ બાપુડિયા." મુત્સદીપણું મોદી સાહેબમાં એક વહીવટી વ્યકતિ તરીકે ભરપેટ છે પણ સાહેબની સામે એમની પાર્ટી આવે એટલે એ વહીવટી કુશળતા દેશ અને પાર્ટી સામે વહેંચાય જાય છે. અને પરિણામે હાલના તાયફા થતા જોવા મળે છે.

 કરેલા કરમ અંહિ જ ભોગવવા પડે એ કહેવત અનુસાર હવે મોદીસાહેબની મંડળીના હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે.રામમંદિરના મુદ્દે વોટ વસુલતી એમની જ પાર્ટી હવે એ મુદ્દે મૌન સેવીને બેઠી છે. વિરોધીને જડમૂળથી નાબુદ કરવાની વૃતિ ધરાવતા મોદીજી અને અમિત શાહની અવળચંડાઈ ગુજરાતમાં ચાલી પણ કેન્દ્રમાં એમના માટે જ બુમરેંગ સાબિત થઈ છે. જે આપણી સાથે છે એ વિકાસપુરુષ છે અને જે આપણી વિરુધ્ધ છે તે વિકાસવિરોધી અને દેશદ્રોહી છે એવું માનનારી મોદીસરકારની આ દાનતનો સજ્જડ પુરાવો દિલ્લીમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ સેંકડો પોલીસકર્મીઓની મૂક હાજરીમાં કન્હેયા પર વકીલોએ કોર્ટ પરિસરમાં જ  કરેલા આક્રમણએ સાબિત કર્યુ છે. મતલબ કે કોઇ માણસ અપરાધી છે કે નહિ એ નક્કી કરવા માટે રચાયેલી કોર્ટ જેવી માતબર સંસ્થાઓ તેલ લેવા જાય, પહેલા આ લોકો જ ફેંસલો લેશે અને સજા પણ આપશે. અને આવા પ્રકારે કેળવાયેલી માનસિક્તાઓ એવી રીતે ભેળસેળ પામી છે કે, "હવે ખરેખર કોણ દેશદ્રોહી છે અને કોણ નથી એની ખબર જ નથી પડતી." ન્યુઝ ચેનલો પર ઇન્ટરવ્યુ આપતા પેલા ત્રણ યુવાનો કે જેઓએ આખી આગ જેએનયુમાં ભડકાવી એમ કહેવાય છે તેઓ કહે કે અમે કોઇને પણ મૃત્યુદંડ આપવાના વિરોધી છીએ અને અફઝલને પોતાના બચાવની પૂરતી તક ન અપાઈ હોવાની કેફિયત રજુઆત કરી. મતલબ વર્ષો સુધી અફઝલના કેસની સુનવણી કરીને ફેંસલો લેનારી સુપ્રીમ કોર્ટની આખી બેંન્ચ મુરખી અને એ લોકો  સમજદાર. અને એવી જ રીતે કન્હૈયાની ધોલ ધપાટ કરનારાઓ પણ આ જ તાલે ઝુમી રહ્યા છે.

મૂળ મુદ્દાઓ ભુલીને આમ ભટકવાનું ચાલુ રહેશે તો  આ બધા કકળાટ વચ્ચે શેરબજારની હાલત ખરાબ છે તે એવી જ ખરાબ રહેશે. રુપિયો કરગરે છે અને એ કરગરતો જ રહેશે અને બેકારી પૂરજોશમાં છે તે કાયમી રહેશે અને દેશમાં મંદી છે એ પણ એમ જ રહેશે. ત્રણ-ચાર પૈસાના ઘટાડા સામે ૩૦થી ૪૦ પૈસાનો વધારો પેટ્રોલ-ડીઝલમાં ઝીંકાતો રહે છે. ઘણીવાર મારા રેડિયો શોમાં  મે કહ્યું હતું અને આજે પણ એ જ કહેવુ છે કે જો ભારતના નાગરિકોના બધા જ ઓફિશિયલ ડોક્યુમેન્ટસમાંથી જાતિ અને ધર્મ કાઢી નાંખવામાં આવે તો લગભગ મોટાભાગની બલાઓ નાબુદ થાય. કારણ કે બધી મોકાણ ધર્મ અને જાતિથી મળતા લાભો, સહાનુભુતિ , ધિક્કાર, અને અહંકાર સાથે જોડાયેલી છે. પણ ધર્મ અને જાતિ નાબૂદ કરવા જેવા નિર્ણય લેવાની તાકાત તો રામજાણે કઈ પેઢીમાં આવશે.  અને પડતા પર પાટું જેવી આપણી મોટી કમનસીબી એ છે કે આપણી પાસે સ્પષ્ટ મુદ્દાઓ પર સ્પષ્ટ રજુઆત કરતો વિરોધપક્ષ પણ નથી.

શાહરુખ અને આમીરનો વિરોધ કરવા રોડ પર નીકળતી પ્રજા સ્કુલ ઓટોના રીક્ષા ચાલકોની હલકી દાદાગીરી અને વેકેશનના મહિનાઓ માટે પણ પૈસા ઉઘરાવવાની લૂંટ આગળ મીંઢા બનીને રહે છે તો એને અસહિષ્ણુતા જ કહેવાય ને. રસ્તા વચ્ચે ચાર જણા મળીને એક જણની ધોલધપાટ કરતા હોય ત્યારે મુક પ્રેક્ષક બની રહેતી પ્રજા કયા પ્રકારની સહિષ્ણુતા દાખવતી હોય છે ?


ચચરાટ
૨૫૧માં મળતો મોબાઈલ જોઇને હરખાયો
પછી
એના માટે આવેલા રીપોર્ટ જોઇને મુંઝાયો.
પછી
બચી ગયો એમ જાણીને હું  હરખાયો.


-સહુના મનનો મીત
ન્યુઝીલેન્ડ











Friday, February 12, 2016

નરેન્દ્ર મોદીને ચાહનારાઓ જ દેશભક્તો છે એ વાત ખોટી અને અફઝલ ગુરુના સમર્થનમાં દેશવિરોધી નારેબાજી કરનારાઓ દેશદ્રોહી જ છે એ વાત સો ટકા સાચી.


આજના લેખની શરુઆત એક વાર્તાથી કરીએ. એક સ્ટેડિયમમાં કુશ્તીની હરીફાઈ ચાલતી હતી અને એ હરીફાઈમાં એક હરીફ બધા જ પહેલવાનોને દમદાર અદાથી બધાને ચત્તા કરી હરાવતો જોવા મળ્યો. આ જોઇ લોકો એના ફેન્સ બની ગયા. અને એ પહેલવાને અહંકારમાં આવીને ત્રાડ પાડી કે," છે કોઇ માઈ નો લાલ કે જે મારી સાથે બાથ ભીડી શકે." પહેલવાને બીજા બધા હરીફોને જે રીતે પછાડ્યા હતા એ જોઇને કોઇની હિમ્મત ચાલતી નહોતી. એ જોઇને બધા જ ડરી ગયેલા હતા. પણ પહેલવાન વારે વારે ગર્જના કરીને પડકાર ફેંક્યે જ જતો હતો. અને ત્યાં એક સાવ સુકલડી વ્યકિતએ ગર્જના કરી એનો પડકાર ઝીલ્યો. અને કહ્યું કે હું તને હરાવીને બતાવીશ. બધા જ આશ્ચર્યચકિત થઈ માંડ પચાસ કિલો જેટલું વજન ધરાવતા એ વ્યકિતને જોવા માંડયા. ઘણાએ તો એને સમજાવ્યો પણ કે ભાઈ તારા ગજાની વાત નથી જવા દે.પણ પેલી વ્યકિત તસની મસ ના થઈ અને એ કુશ્તીના અખાડામાં આવી ગયો. બધાએ હો હા મચાવી. પહેલવાને પણ એક ઝાટકે એને નીચે પાડી ચત્તો કરી દેવાની તૈયારી સાથે જુસ્સો દાખવ્યો. અને જેવી હરીફાઈ શરુ થઈ એટલે પેલી સુકલડી વ્યકિત જમીન પર ચત્તી સુઈ ગઈ. જે પહેલવાન બધાને હરાવીને પડકાર ફેંકતો હતો તે મુંઝાયો કે આને કેવી રીતે હરાવું જે પહેલેથી જ હારી ગઈ છે. અને પેલી નીચે સુતેલી વ્યકિતએ ફરી પડકાર ફેંક્યો કે મને હરાવી બતાવ ક્યાં તો હાર માની લે. અને આખરે પહેલવાને હાર માનવી પડી.

આપણી આસપાસ પણ આવી જ ઘટનાઓ બનતી હોય છે. કોઇ કહે 'ભારતમાતા કી જય' તો એમ કહેવા માત્રથી ભારતમાતા ધન્ય ના થઈ જાય. એના માટે હનુમનથપ્પા જેવા બનવું પડે. એવી જ રીતે કોઇ ભારતમાતા મુર્દાબાદ કહે તો ભારતદેશ ખરાબ નથી બની જતો.

હાલમાં જેએનયુ-દિલ્હીમાં  કેટલાક લોકો અફઝલ ગુરુના સમર્થનમાં જોવા મળ્યા. આખરે એ કેવા પ્રકારનું બ્રેન વોશિંગ હશે કે જે માણસને ન્યાયતંત્રએ ફાંસી આપવા સુધીની સજા સંભળાવી એ અફઝલ ગુરુના સમર્થનમાં પણ નારેબાજી થઈ. અને રાજકીય પાર્ટીઓ સત્તા માટે દેશવિરોધી નારેબાજી માટે ઉત્સાહિત કરતા પણ જોવા મળે છે.  અને આપણા મીડીયાને તો રામ જાણે કયા પ્રકારનો હડકવા થયો છે કે આવી વાતોમાં વધારે પડતું જોર આપીને આખા દેશમાં અરાજકતા જ છે એવું દાખવવાનો પ્રયત્ન થાય છે.  ગાંધીજીના દેશને એ શીખવવુ પડે કે અસત્ય ગમે તેટલી ચીસ પાડે એની સામે સત્ય હંમેશા મૌન રહીને જીતતું આવ્યું છે. સત્યનો આગ્રહ રખાય પણ દુરાગ્રહ કદી નહિ. અને દરેક માણસને સત્ય વિશે ખબર તો હોય જ છે પણ પોતે સત્યથી અજાણ છે એવો ડોળ તે હંમેશા કરતો રહે છે. મારો અંગત અનુભવ છે કે મારી સાથે જે કોઇ વિવાદે ચઢે છે અને મને એમ લાગે કે ભારોભાર એની ભુલ છે તો એની સાથે વાત કરવાનું ટાળીને એની સામે સત્યાગ્રહ કરવો. અને જો મારી ભુલ છે એવું ભાન થાય તો તરત માફી માંગી લેવી. અસત્યની સામે તમે લડો તો એ બેવડી તાકાતથી તમારી સામે લડવા આવે છે. પણ જો અસત્યને અવગણીએ અને એની હાજરીની દરકાર પણ ન કરીએ તો એ આપોઆપ નષ્ટ થવાને આરે ઉભુ રહે છે. આપણા દેશમાં એક ગજબની પરંપરા થઈ પડી છે. મૂળભુત સત્યની પડખે રહેવા કોઇ તૈયાર નથી અને પોતાને ગમતું સત્ય જ બધાને ગમે છે. અને પોતાની વાતને પુરવાર કરવા પહેલા લોકો નફ્ફ્ટ થઈ વર્તે અને જ્યારે તેમની દલીલ સત્યતાની એરણે સાવ ગેરલાયક ઠરે ત્યારે નાગા થઈ ત્રાગા કરી પોતાની દલીલને જ વળગી રહે છે. એરલીફટ મુવીમા આવતા પાત્ર જ્યોર્જને અને એની વાતોને જોઇ દરેક દર્શક કંટાળીને એને એક લાફો ઝીંકી દેવા તૈયાર છે પણ પોતાને જ્યારે જરુર પડે ત્યારે ખુદ જ્યોર્જ બની જતા પણ  આપણે ક્યાં અચકાઈએ છીએ ?

આપણા દેશમાં આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારવાની માત્ર વાત કરનાર અક્ષયકુમારને અતુલ્ય ભારતનો બ્રાન્ડ એમ્બેસ્ડર બનાવવા ફેસબુક પર વોટ લેનારી પ્રજા પણ છે. પણ ભારતને અતુલ્ય બનાવનારા કલાકાર-કસબીઓને કેમ અતુલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસ્ડર નથી બનાવાતા ? 

-સહુના મન નો મીત
ન્યુઝીલેન્ડ.

       

Friday, February 5, 2016

"બીજા ગાંધીબાપુ હવે નહિ આવે પણ હા એમની નાની નાની આવૃતિઓ આવતી-લડતી ને ઝઝુમતી રહેશે."-કવિશ્રી ઉશનસ.

ગુજરાતી ભાષામાં એક શબ્દ છે, 'ચાનક'. જે મને આજે ચઢી. આ લખું છુ ત્યારે ન્યુઝીલેન્ડમાં મળસ્કેના પોણા પાંચ વાગ્યા છે. બીજા દિવસે શનિવાર અને રજા હોવાને લીધે મોડે સુધી જાગીને ફિલ્મ જોશું અને મોડા ઉઠીશું એવી ધારણા સાથે શોધખોળ આદરી. અને એમાં હાથે ચઢી ગોર હરિ દાસ્તાન. ભારતની આઝાદી માટે લડનારા એક એવા સ્વતંત્રતા સેનાનીની  વાર્તા કે જે પોતાની જ ઓળખ મેળવવા આખી જિંદગી લડે છે. ધક્કા ખાય છે. લોકો એનું કામ કરાવવા એની પાસે રીતસરના પૈસા માંગે છે અને એ આપવાની ના પાડે તો ઉપરથી ચા-પાણીના પૈસા પણ એની પાસેથી જ ભરાવડાવે છે. બહુ સરસ રીતે એ અંતે મુખ્યમંત્રીને લજ્જિત કરતા કહે છે કે "બ્રિટિશ રુલમાં એક વાત સારી હતી કે તેમાં ખબર તો રહેતી કે દુશ્મન કોણ છે ?

આવી ફિલ્મો ક્યારે આવે છે અને ક્યાં જતી રહે છે તેની જાણ સુધ્ધા નથી થતી.

હવે બીજીવાત-
સામાન્ય રીતે આપણી ઉગતી પેઢીને હંમેશા એવી વાતોમાં રસ રહ્યો છે જેનો સંબંધ સીધો કે આડકતરો સેક્સ એજ્યુકેશન સાથે છે. મોટાભાગની યુવાની ક્યાં તો સેક્સ બાબતે મુંઝાયેલી અવસ્થામાં જ વીતે અથવા તો નફ્ફ્ટ અને નાગી વાતોમાં.અને કેટલાક જડસુ ડોસલાઓને લીધે સેક્સ એજ્યુકેશન ના આપી શકાતા આપણે ત્યાં અબ્દુલ કલામ જેવા વિચારકોને બદલે સની લીયોની ગુગલ સર્ચમાં નંબર વન આવે છે. અથવા તો એની સેક્સ કોમેડીવાળી ફિલ્મો હિટ જાય છે. અને ગોર હરિ દાસ્તાન જેવી ફિલ્મો જોવાતી પણ નથી. જ્યાં સુધી આપણો સમાજ આ સેક્સ એજ્યુકેશન નામની બલાને ટાળતો રહેશે ત્યા સુધી સની લિયોનીનું માર્કેટ ગરમ રહેવાનું અને ગૌર હરિ દાસ જેવાઓ માટે બનેલી ફિલ્મો આયારામ ગયારામની જેમ સવારે વંચાતા અને સાંજે પસ્તી બની જતા છાપા જેવી જ બની રહેશે.
નવાઈની વાત તો એ છે કે પશ્ચિમની જે પ્રજાને આપણે સંસ્કારહીન ગણીએ છીએ તેઓ તો આ બાબતે આપણાથી જોજનો દુર આગળ નીકળેલી સુંસંસ્કૃત સભ્યતાવાળી છે. અંહિ ન્યુઝીલેન્ડમાં તમને જેવો રસ એવી જગા. સેક્સમાં રસ છે તો એની લાયસન્સ સહિતની જગા. જાઓ અને કરો મનભરીને સેક્સ બંધ બારણે. દારુ પીવો છે તો એની પણ જગા. જુગાર રમવુ છે તો એની પણ. સટ્ટો રમવો છે તો એના માટે પણ લાયસન્સવાળી જગાઓ ઉપલબ્ધ. તમને પુસ્તકોમાં રસ છે ? તો એની સભાઓ ભરાય. ફિલ્મો જોવાનો. યોગા કરવાનો, ચાલવા જવાનો, અરે માણસ તરીકે તમને જેવો રસ તેવી ચોખવટ સાથેની બધી જ જગાઓ સ્વતંત્ર રીતે અંહિ ચાલે.પોતાના મોજ માટે બીજાને પીડા આપવી નહિ. અને એટલે જ કદાચ આ દેશમાં બળાત્કાર જેવી દુર્ધટનાઓ નથી સાંભળવા મળતી. માણસ તરીકે અંહિ માણસની ગણના થાય છે.

અને આપણે ત્યાં હજી પણ આપણને પેદા કરનારી ભગવાન જેવી માને પણ ભગવાનના મંદિરમાં પ્રવેશ માટે કોર્ટૅ ચઢવું પડે છે.ગાયને માતા કહી આંદોલન કરનારા ગોભકતો ગાયમાતાના પેટમાંથી પ્લાસ્ટિક નીકળે તો એના માટે થઈ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા રાજી નથી. રસ્તે રઝળતી જોવા મળે તો કોઇ ઘેર લઈ જવા રાજી નથી.ભગવાન રામના નામે તો એટલી ભવાઈઓ થઈ કે હવે તો ભગવાન રામે પણ પોતાના નામનું ન્હાઈ નાંખ્યુ હશે. નરેન્દ્ર મોદી સાહેબની ટીકા કરનારી સ્ત્રીઓને વેશ્યા કહેતા પણ નરેન્દ્ર મોદી સાહેબના ટેકેદારો ખચકાતા નથી. ભાષાનું તો ધનોતપનોત કાઢી નાંખે એવી છી્છરી ભાષા ભણેલા ગણેલા પણ વાપરતા જોવા મળે. અને આ બધાની વચ્ચે પોતાને થતાં અન્યાય સામે પણ ખુબ જ વિનમ્રતાપુર્વક ગોર હરિ દાસ જેવો માણસ ત્રીસ વર્ષની લડાઈ જુજ નિષ્ઠાવાન પત્રકારોની મદદથી આખરે જીતે છે. સ્વઓળખ માટેની લડાઈ ફિલ્મમાં મિ.દાસ જીતે છે અને છાતી ગજ ગજ દર્શકની ફુલે છે.

વલસાડ આર્ટસ કોલેજમાં યોજાયેલા વ્યાખ્યાનમાં કવિ શ્રી ઉશનસે  એક વિધાન કહેલું જે આજે પણ યાદ છે કે, "બીજા ગાંધીબાપુ હવે નહિ આવે પણ હા એમની નાની નાની આવૃતિઓ આવતી-લડતી ને ઝઝુમતી રહેશે." મિ.દાસ આવી જ નાની નાની આવૃતિઓમાંના એક છે.

-સહુના મનનો મીત
ન્યુઝીલેન્ડ.