Wednesday, January 13, 2016

જીવનમાં બધુ કમાજો પણ વસવસો કદી ના કમાતા.


ન્યુઝીલેન્ડ આવ્યો ત્યારે મનમાં તો હતું જ કે અંહિ આવીને વસનારા મોટાભાગના ભારતીયો એમને એમ સેટલ નહિ થયેલા હોય. કારણ કે દુરથી દેખાતા રળિયામણા ડુંગર નજીકથી બિહામણાં હોય છે.ઉપરથી જગત આખાનો નિયમ છે કે કશું મેળવવા માટે કશુંક તો કુર્બાન કરવુ જ પડે. અનેં અંહિ તો આખેઆખી ફેમીલી, મિત્રોનું વૃંદ કુર્બાન કરનારા ઘણા મળ્યા. અંહિ આવ્યો અને એક પછી એક કિસ્સાઓ ખુલતા ગયા.મોટાભાગે વિદેશોમાં ભણવા આવતા છોકરાઓ એજન્ટોના શિકાર જ બનતા હોય છે. વધુ કમિશન મળે અને સરળતાથી વિઝા મળે એવા કોર્ષમાં એડમિશન અપાવવાથી લઈને ભાતભાતની રીતે કમાણી કરનારા એજન્ટો તમને ભારતમાં બેઠા બેઠા વિદેશના મૃગજળ જેવા સપના બતાવી મોકલે કે " અરે બહુ તકો છે ત્યાં જશો એટલે સેટ થઈ જશોને મને યાદ કરશો." છ-છ મહિના જોબ વગર અટવાતો દિકરો મા-બાપની ચિંતા કરીને ખોટુ બોલે કે, "પપ્પા બધુ સારુ છે."( આ બાબતે આપણે નસીબદાર કે આવ્યા એના બીજા જ અઠવાડિયે જોબ મળી ગઈ તે પણ એ જ ફિલ્ડમાં જેમાં હું ભારતમાં કામ કરતો હતો.) મારો બેટો એક એજન્ટ એવુ તો કદી નહિ કહે કે તમે પરદેશ જાવ છો તો તમારી ફેમીલી તમારા મિત્રો બધુ જ તમારે ભુલી જવું પડશે. નોકરી મેળવવામાં ફક્કડ ફાંફાં પડશે. માનસિક રીતે ધોવાય જશો. અને અંહિ તમારું શોષણ ભરપેટ કરનારા તમારા જ જાત-બિરાદરો મળશે.મા-બાપ કે કોઇ સ્વજન માંદુ પડે તો તમે એમની ખબર કાઢવા ભારત ન જઈ શકો એવા એક ચક્રવ્યુહમાં તમે ફસાશો. 

માન્યુ કે તમે પરદેશ જઈ ડોલર કમાઈને ભારત રહેતા તમારા સંતાનને કે માતા-પિતાને ચાંદીની ચમચીથી જમવાની વ્યવસ્થા કરાવવા જેટલ સક્ષમ થઈ જશો. પણ તમે તમારા સંતાન કે માતા-પિતાને તમારા સ્વહાથે કોળિયો ખવડાવો તે વધારે વાજબી છે કે ચાંદીની ચમચીના બીજે છેડે તમારી ગેરહાજરી ? માતા-પિતા માટે મસાજર ચેર લઈ આપશો-નર્સ ભાડે લઈ આપશો પણ તમે પોતે એમને દવા પીવડાવો એ વધારે વાજબી છે કે તમારી ગેરહાજરી ? લોકોએ પોતાની વેદના વર્ણવતા કહ્યુ કે મારી મમ્મી માંદી હતી તો હું જઈ ના શક્યો કારણ કે જોબમાંથી રજા મળે એમ નહોતું. મારા લંગોટિયાના લગ્ન હતાં પણ ત્યારે જ વિઝા માટે પ્રોસેસ કરવાનું હતું. અને કશું જ ના હોય તો ટિકિટ મોંધી-રજાના વાંધા અને આવું ઘણુ બધું.
એનો મતલબ એમ કે ડોલર કમાવાના ચક્કરમાં સ્વજનની કાળજી, મિત્રોના લગ્ન બધુ જ ભુલી જવું ? અને આ તે કેવી કમાણી ? ખરેખર તો એને ખોટનો ધંધો જ કહેવાય.

મારા સ્વજનોને જરુર પડે અને હું હાજર ના થઈ શકું તો મારી હયાતીનો અર્થ શુ ? અને આવા ડોલરવાળી કમાણીનો અર્થ પણ શું ? હશે ! દરેકના જીવનમાં જીવન જીવવાના પોતાના ફંડા હશે . જીવનનાં આટલા બધા અનુભવોમાંથી પસાર થયા બાદ એક વાત તો સમજાણી કે જીવનમાં બધુ કમાવું પણ વસવસો કદી ના કમાવવો. હું લાખો ડોલર ખર્ચુ તોયે મારી મમ્મીના હાથની ખીચડી મને અંહિ ન્યુઝીલેન્ડમાં તો નસીબ નહિં જ થાય, મારા મિત્ર રોનકની કાળા ગોગલ્સની નાઈટ ડ્રાયવિંગની મઝા નહિ મળે અને ચાર પૈંડા પર એકલતા લઈને ફરતા વિશાલને કંપની નહિ આપી શકું. મૂળ મુદ્દાની એક જ વાત કે ફોન પર લેવાતી કાળજી કરતા નજર સામે રહીને લઈ શકાતી કાળજી ઉત્તમ અને વાજબી કાળજી છે. બાકી બધુ જ ધુળ અને ઢેફું છે ભાઈ. 
-સહુના મન નો મીત.

Wednesday, January 6, 2016

સંબંધોની પારાશીશી.


આમ તો આપણા જીવનમાં ઘણા બધા સંબંધો હોય છે પણ મારા અનુભવ અને સમજણને આધારે મે એના ત્રણ પ્રકાર પાડ્યા છે. પોફેશનલ, સોશ્યલ અને પર્સનલ.

પ્રોફેશનલ સંબંધીઓ તમને મોટી સંખ્યામાં જોવા મળશે. આ લોકો બધા જ સંબંધોને વ્યવહારમાં વટાવી એની રોકડી કરવામાં જ માને છે. તેઓ કોઇવાર ફોન કરે તો શરુઆત ફાલતું વાતોથી કરે. 'ઘરે કેમ છે બધા ? મમ્મીને કેવું ? તારા પપ્પા લંડનથી આવી ગયા ? અને આપણે લાગણીશીલ બની જવાબ દેવાનું જેવું શરુ કરીએ એટલે તક મળતા જ એ લોકો અટકાવી ને કહે , "અચ્છા સાંભળને બકા તારુ એક કામ હતું." આવા લોકો જ તમને અચુક કહેતા જોવા મળશે, " આ તો તમે છો એટલે બાકી હું ડિસ્કાઉન્ટ કોઇને આપતો જ નથી."  આવા જ લોકો માટે કહેવત બની છે." ઘોડા ઘાસસે દોસ્તી કરેગા તો ખાયેગા ક્યા? " અને આવી રીતે ઘણા મિત્રો ક્યારેક ઇન્શ્યોરન્સ વેચી તો ક્યારેક કોઇ પ્રોડકટ પકડાવી પોતાના સંબંધની રોકડી કરી ગયા છે.  ઘણા તો રુપિયા ઉધાર લઈને પણ આવી જ રીતે પોતાના સંબંધની કિંમત વસુલીને રફા-દફા થઈ ગયા છે. આવા માંગો તો એક નહિ પણ હજાર મળશે.

બીજો પ્રકાર એ લોકોનો જેને હું સોશ્યલ જીવ કહું છું. આવા લોકો માટે કહેવત બની છે, "સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ " આ સંબંધીઓને ગામ શું કહેશે એની ચિંતા બહુ હોય. દરેક સામાજીક બાબતની આ લોકો નોંધ રાખે. આવા લોકો સામાજીક હિસાબકિતાબ રાખનારા હોય છે. લગ્નપ્રસંગે કોણે શું આપ્યુ ? સ્વજનનાં મરણ પ્રસંગે કોણ કેટલું દુઃખી થયેલુ ?માદગી કે આફત સમયે કોણ આવ્યુ કોણ ના આવ્યુ અને આવું બધુ જ યાદ રાખી એ રીતે જ વર્તે. ઘણા કહેતા જોવા મળશે કે." મારા દાદા માંદા હતા તો એક્વાર પણ જોવા નહિ આવેલા તો આપણે શું કામ છે એમને ત્યા જોવા જવાની ?" " મારી જીગીના લગ્નમાં એક કામ કરેલું નહિ તો હું શુ કામ એમનું કરવા જાઉ ?" "મારા ભાવેશની વહુના શ્રીમંત વખતે એમણે કશું આપેલું નહિ જ્યારે એમની વહુને મે સોનાની વીંટી આપેલી."
બસ આમાં ને આમા જ એમની ગાડી અટવાયેલી હોય છે. સમાજના ભયે આ લોકો દિકરા-દિકરીનો પણ ભોગ આપવા ક્યારેક તૈયાર થઈ જાય છે. પરાણે પરણાવેલા સંતાનોની વેદના આનું ઉત્તમ ઉદાહરણ છે. 

અને ત્રીજો પ્રકાર એટલે પર્સનલ લોકો. આ લોકો પોતે વેચાય જવા તૈયાર હોય. ખાનદાની બધી જ વાતે છલકાતી હોય. કોઇને આપેલો સમય,વચન, જુબાન જાળવવા હંમેશા તત્પર રહેનારા આવા જીવ બહુ ઓછા જોવા મળશે. ખાનદાની કોઇ દિવસ ખરીદી શકાતી નથી. એ માણસની સમજણમાંથી જન્મે છે. આવા લોકોને બીજા પાસેથી શું મળ્યું કે શું મળશે એની ગતાગમ હોતી જ નથી. બસ લુંટાવાની ખેવના જ હોય છે. આવા લોકો સંબંધ બનાવતા પહેલા એને બરાબર ચકાસે અને પછી જ આગળ વધે. સમજણની કક્ષા એટલી ઉંચી હોય કે સામે વાળી વ્યકિતને પુરો આદર-સત્કાર આપે. એના વિચાર, લાગણીનું જતન કરે. વિનમ્રતા ઠાંસી ઠાંસીને ભરી હોય છે આવા સંબંધીઓમાં. પોતાના વચન , અને સમયપાલન માટે તેઓ અતિક્રમીને પણ સાહસ કરતા હોય છે.

હવે તમે નક્કી કરો કે તમે અને તમારી આસપાસના લોકો  ક્યા પ્રકારમાં સમાવેશ પામે છે ?
-સહુના મનનો મીત