Sunday, March 19, 2017

કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના તેવી જ રીતે કરતા ભી દિવાના ઔર સહેતા ભી દિવાના.

આ પોસ્ટ સપ્રેમ એ લોકોને જેઓ

યોગી આદિનાથના સીએમ બનવાનો વિરોધ કરે છે પણ કાશ્મીરમાં ચાલતા ઉગ્રવાદ વિશે બોલવામાં સિફતપુર્વક કલ્ટી મારે છે અને મહેબુબા મુફતીનું રાજીનામું માંગતા નથી. જે લોકો ગૌવધનો વિરોધ તો કરે છે પણ ભારતના માંસનિકાસમાં નંબર વન બનવા પર કોઇ રીતે પ્રતિક્રિયા આપતા નથી.જે લોકો મીડીયામાં હાઈલાઈટ મળે એવા બનાવો-ઘટનાઓ પર પ્રતિક્રિયા આપે છે પણ જેમાં ખરેખર અન્યાય થયો છે એવા સાચુકલા કિસ્સાઓ પર મગનું નામ મરી નથી પાડતા. કોણે શું ખાવું પીવું પહેરવું ગાવું નાચવું એ બધુ નક્કી કરે છે પણ ખુદ એ બધામાં બધી છુટ લઈને દાદાગીરીપુર્વક વર્તે છે. શહેરમાં લોકો વડે થતી ગંદકીનો વિરોધ કરવાને બદલે જે તે ઐતિહાસિક ઇમારતમાં જઈ ઐતિહાસિક અરીસાઓ તોડે છે. પટનામાં કોઇ ઘટના બને છે અને વિરોધ રુપે સુરતમાં બસ સળગાવનારાઓ પણ આ જ ધરતી પરના લોકો જ છે.

કાશ્મીરમાં મહેબુબા મુફતીની સરકાર આવી અને ત્યાં તોફાનો વધ્યા.દેશ વિરોધી નારેબાજી અને પાકિસ્તાનના ગુણગાન ગવાયા. એક છોકરી ગીત ગાય છે તો મુલ્લાઓ ફતવાઓનો નવો રેકોર્ડ બનાવે છે. ખબર નહિ કવ્વાલી ગાવાની પ્રથા ક્યાંથી આવી છે ? રમઝાનના સમયે એક રિક્ષામાં ' નન્હે રોઝા ' નામની આવી જ સંગીતબધ્ધ રચના સાંભળી એક બાળક ની ઇબાદત સાંભળી ગદગદ થયેલો. ખ્વાજા મેરે ખવાજા સાંભળીને એ જ ભક્તિ જન્મે છે જે બાહુબલીનું કૈલાશ ખેરના અવાજમાં ગવાયેલું તાંડવ સાંભળીને જન્મે છે.

બીજી બાજુ એક જૈન મુનિ ઘટતી જતી વસ્તીનો હવાલો આપી પરધર્મી યુવકો જે-તે ધર્મની દિકરીઓને ભગાવી જતા હોવાનો આક્ષેપ કરે છે. તો પછી આપશ્રીઓએ જે શિક્ષણ-સંસ્કાર અને સમજ સમાજને આપ્યું એ બધુ જ એળૅ ગયું એવું સાબિત થાય છે.  એ માટે પરધર્મી કેવી રીતે જવાબદાર ? જે માલિકે આ દુનિયા બનાવી એને માણસની વસ્તી ઘટશે કે વધશે એની જોડે નિસ્બત નથી ( કારણ કે એ જ્યારે વિફરે છે ત્યારે એક સાથે લાખોને લઈ જાય છે.) તો આપણે બધા કોણ ? મુનિશ્રીને જત જણાવવાનું કે અમારા ઘરની સામે બંધાતા દેરાસરનું કામ રાતે દસ દસ વાગે  સુધી સ્ટોનકટર જેવા મશીનોથી ચાલતું તેને બંધ કરાવવા હાથ જોડીને વિનંતીઓ કર્યા બાદ પણ બંધ ન થતા પોલીસની  હેલ્પ લેવી પડતી હતી. સાંજે સુરજ ઢળતા તો પંખીઓનો પણ કલબલાટ બંધ થઈ જાય છે. તો દેરાસરના કામ રાતે દસ વાગ્ય સુધી ચાલુ રખાય એ પણ એ દલીલ સાથે કે અંહિ રહેનારા મોટાભાગના જૈનો છે એટલે કોઇ વિરોધ નહિ કરે. આ બધી બાબતોમાં સામાન્ય સમજ કેમ નહિ અપાતી હોય ? અંહિ કોઇના જીવનને કકળાવીને બંધાયેલ સ્થાનકનો પાયો કકળાટ પર રચાયેલો છે એવું નથી લાગતું ? આ દરેક ધર્મને લાગુ પડે છે જો તેઓ આ જ રીતે વર્તે છે.

જો કે હવે ઉત્તરપ્રદેશમાં પણ હવે કંઈક આવો નજારો હશે. સરકારી કામોમાં ભુલ કરી તો ક્ષમાયોગ કરવુ પડશે. એટલે હરિ ઓમ ચોરાહા પર એણે એક પગે પાયશ્ચિત કરવું પડશે.સરકારી નોકરી માટે ધક્કાયોગ કરવુ પડશે અને એક લાખ મંત્રજાપ કરવા પડશે. મોંઘવારી વધે તો રાજયના કલ્યાણ માટે ઉપવાસ કરવાના રહેશે.ખુદની સુરક્ષા માટે લાઠીયોગ કરવાનું રહેશે.પગાર વધારા માટૅ ગીતાશ્લોક પરીક્ષાની માર્કશીટ બીડવાની રહેશે.સરકારી કર્મચારીઓ હવે એમના સીનીયરને ગુડમોર્નિંગ સર નહિ કહે પણ ચરણસ્પર્શ કરીને હરિ ઓમ કહેશે. સરકારી નોકરીના ઇન્ટરવ્યુમાં ગીતા ઉપનિષદ વેદો કંઠસ્થ રાખવા પડશે.
કુદરતી આફતો વખતે મંત્રોચ્ચાર કરીને આફત નિવારણ કરાશે.
અને જો કોઇ વાત નહિ માને તો.............

હવે મૂળ મુદ્દાની વાત.
સુરત કે અન્ય શહેરોનું  ટ્રાફિક જે હિસાબે ચાલે છે એના જેવો ત્રાસવાદ બીજો કયો ? ( અને એ તમામ ધર્મી કે સંપ્રદાયના લોકો કરી રહ્યા છે. ) ત્રાસવાદી ઘટનાઓ કરતા તો વધારે મૃત્યુ લોકોનું માર્ગ અકસ્માતમાં થાય છે.  ધાર્મિક પ્રસંગો, ધાર્મિક સ્થળો અને ધાર્મિક કામના નામે લોકો ને અવાજ, ઘોંઘાટ, અને ટ્રાફિક જેવા ત્રાસ વેઠવો પડે છે એનું શું ? સાલું સ્વચ્છતા જેટલી માનવસહજ એક આદત તો પળાતી નથી, અરે  ચપ્પલ બુટ મુકવામાં પણ જે લોકોના ઠેકાણા નથી. જે લોકો ટ્રાફિકના નિયમો પાળતા નથી , બીજાની સગવડ વિચાર્યા વગર નફ્ફ્ટાઈથી જીવનારા એ લોકો જેવા છે જે રેલ્વે ટ્રેક પર મોર બની હાજત કરતા હોય છે અને જેમને એમ લાગે છે કે એમને કોઇ જોતું નથી. તેમ આ લોકોને એમ લાગે છે કે એ લોકો જે કરે છે એ લોકોને દેખાતું નથી. અને એ લોકો બધુ અજાણ્યામાં જ કરે છે.

દંભ આપણને વારસામાં મળેલો સંસ્કાર છે. અને આપણે દંભી રહેવા જ જન્મેલા છીએ.

ખરેખર આ દેશનું તો ભગવાન જ ભલું કરે. 

Saturday, January 14, 2017

શ્રી પારલેજી બિસ્કિટવાળા

આખી રાત નીંદર નહિ આવી. ટેન્શનના લીધે નહિ પણ લુઝ મોશનના લીધે. ઉત્તરાયણ દિલ (તલના લાડુ)થી તમે ઉજવો એનું ઉત્તમ ઉદાહરણ-પરિણામ છે. ઝાડા. પતંગ ચગાવવા કરતા લુંટવામાં અને લુટેલા પતંગો્ને વેચવાનો શાહુકારી ધંધો જ બાળપણમાં આવડતો એટલે કોઇ પતંગ કપાય તો એના કપાવાના હરખ કરતાં એને લુંટવા મુઠ્ઠી વાળીને દોડવાનું મન થઈ આવે. આજે જોઇએ તેટલા પંજા (પતંગ) ખરીદી લેવાની હેસિયત હોવા છતાં મારા ભીતરના બાળકને તો પતંગ લુંટવા દોડવાની તલપ જ વ્હાલી લાગે. આ બધાની વચ્ચે ઘરે સંતાડીને રાખવું પડે ( કારણ કે મારી જેમ જ બાળકો તરત જ સફાચટ કરી દે) એવું પારલે-જીનું પેકેટ વ્હારે આવ્યું. કહે, " ખા બકા ખા અને ભરી લે અપની હોજરી." એમ થાય કે આપણી ભેગું પારલે-જી પણ ક્યાં મોટું થયુ છે ? આપણને ચાર રુપિયા પેકેટૅ મળતું આજે પાંચ રુપિયે મળે છે. (જો કે " હમારે જમાને મેં એસા મિલતા થા" એવો ભીડે માસ્તર મને ના સમજતા કારણ કે હું હજી વર્તમાન જમાનાનો જ છું.) પારલે-જી બનાવનાર કંપનીને પણ આ પ્રોડકટ સાથે કેવી લાગણી હશે કે એમણે એવી સોંગદ લીધી હોય કે "ભલે ગામ આખામાં રો મટીરીયલ્સનો ભાવ વધે પણ આનો ભાવ કદી વધવા નહિ દઈએ." આજે પણ માંદગીમાં કોઇ પારલે-જી લઈને ખબર કાઢવા આવે તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય ભલેને સામે શબનમી અદાઓ સાથેના સફરજન હોય. નાનપણમાં માંદા પડતા તો વિચારતા કે ચાલો આ બહાને બધા આપણને કેટલી બધી પારલે-જીના પેકેટસ આપી જશે. એક પેકેટ પારલે-જી અને એક લોટો પાણી. પત્યું ! બાવન પકવાનોની મોજ એક પેકેટમાં મળી જાય. પારલે-જીનું પેકેટ હાથમાં હોય ત્યારે સામે ગબ્બર જેવા ડાયલોગ બોલતા બાળકો હોય, "દો બિસ્કિટ દે દે ઠાકુર " તો કોઇ નિરુપમા રોય બની કહેતા હોય કે "ભગવાન કે લિયે દો બિસ્કુટ મેરી ઝોલીમે ડાલ દો મે તુમ્હારા અહેસાન કભી નહિ ભુલુંગી " જેના નામમાં જ 'જી' લાગવાને કારણે રિસ્પેક્ટ ભારોભાર રહે છે તે પારલે-જી વાળી વાસી ઉતરાણની ફ્રેશ મોર્નિંગ બધાને મુબારક.
-સહુના મનનો મીત #પારલેજી

Tuesday, November 8, 2016

૫૦૦ કે ૧૦૦૦ની નોટો ખાનગી જ રાખે તો બધા રુપિયા કાગળ બની જાય અને જો બહાર કાઢે તો બધા રુપિયા કાગળ પર ચઢી જાય.

એક બાજુ અમેરિકામાં નવા રાષ્ટ્રપતિની ચુંટણી માટે વોટિંગ ચાલતી હતી ત્યાં દેશના વડાપ્રધાન મોદી  સાહેબે જેવી જાહેરાત કરી કે ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ૮મી નવેમ્બર ૨૦૧૬ની મધરાતથી રદબાતલ જાહેર થશે કે તરત જ મારા ઘરે હોબાળો મચ્યો. અમેરિકા વોટિંગમાં તો ભારત નોટિંગમાં  એટલે કે નોટ ગણતરીમાં વ્યસ્ત થઈ ગયું. ભારે હૈયે મારા પત્નીશ્રી બોલ્યા કે હવે ? મે પુછ્યુ કે કેટલી નોટો છે ? ( મને એમ હતું કે  એની પાસે બે પાંચ નોટ હશે અને મારી પાસે તો ગણીને માત્ર બે જ છે) ત્યાં તો પત્ની શ્રી એક આખુ બંડલ લઈને આવ્યા. અને મને ફાળ પડી ? મનોમન મોદી સાહેબનો મનથી આભાર માન્યો કે જેમના કારણે મારા ઘરમાં રહેલું કાળું નાણું બહાર આવ્યું.જે સમૂળગું મારી જાણ બહાર સચવાયેલું હતું  ( અને જે મારા મહેનતની જ આડપેદાશ હતી).

ત્યાં તો એક મિત્રનો ફોન આવ્યો કે મીતભાઈ મારી પાસે ૨૦ પેટી છે એનું શું થશે ? મને એટલા રુપિયા મળશે ને ? મેં કહ્યું દસ પેટી મને આપી જા નવ પેટી અપાવવાની મારી જવાબદારી. અને એ રસ્તો ના સુઝતો હોય તો ૨૦ જણાની ટીમ બનાવી બધાને ઓશન ઈલેવન જેવી ટીમ બનાવી વારાફરતી નોટો બદલાવવા મોકલ. તો વળી બીજા મિત્રએ ફેસબુક પર રાડ પાડી કે એટીએમ કેમ બંધ રહેશે ? મેં કહ્યુ મોદી સાહેબ એક દિવસ માટે તમને ગાંધીજીની કિંમત કરાવવા માંગે છે. જે દસ દસ રુપિયાના છુટ્ટાની કિંમત નહોતા કરતા એમને મોદી સાહેબે ભાન કરાવ્યું કે રકમ મોટી નથી હોતી પણ ટાઈમીંગ મહત્વની હોય છે. મને ઘણીવાર થતું કે ઘણા અમીરોને ત્યાં ઘરે પાંચ દસ પેટી રોકડા પડેલા હોય છે?  મારા ઘરે પાંચ પેટી દસ પેટી કેમ નથી ? તેની સામે હવે થાય સારું થયુ કે હાલ પુરતી નથી. બેન્કવાળાઓની કટકટથી બચ્યો. ૫૦૦ કે ૧૦૦૦ની નોટો ખાનગી જ રાખે તો બધી કાગળ બની જાય અને જો બહાર કાઢે તો બધી કાગળ પર ચઢી જાય.

મોદીસાહેબે ચુંટણી વખતે જાહેરાત કરી હતી કે દેશમાં બ્લેકમની તેઓ પરત લઈને આવશે. પણ એમણે આ પગલું લઈ લોકોને હેપ્પી રિયલાઈઝેશન કરાવ્યુ કે જે વસ્તું તમારી પાસે છે તેની શોધ બહાર શું કામ કરો છો ? જે લક્ષ્મીની અપેક્ષા તમે મારી પાસે રાખો છો એ તો તમારા ઘરમાં જ છે એને બહાર શોધવા જવાની જરુર નથી. એટલે મોદી સાહેબે બધાના અંતરના ચક્ષુ ખોલી આપ્યા. મોદી સાહેબ ૨૦૧૯ની ચુંટણી માટેની ઇલેકશનની સ્પીચમાં કવર કરતા કહેશે, " મેરે ભાઈઓ ઔર બહેનો મે સ્વીકારતા હું કિ મેં વિદેશ મે રહે કાલે ધનકો ભારત કે અંદર મેં લેકર નહિ આયા પર દેશ કે અંદર રહે કાલે ધન કો બાહર લેકર આયા વો ભી કમ ઉપલબ્ધિ નહિ હૈ."  દિવાળી પર આખુ વર્ષ અમારી રક્ષા કરતા વોચમેનને મેં હરખપદુડા થઈ ૫૦૧ રુપિયાની બોણી આપેલી જે લઈને અમારા વોચમેન દરવાજે પ્રગટ્યા જેમાં પાંચસોની નોટ લઈને વોચમેન આવ્યો અને કહ્યું સાહેબ આ ૫૦૦ની નોટ બદલાવી ૧૦૦ ની પાંચ નોટ આપી દેજોને. તમતમારે ટાઈમ લેજો મને કોઇ ઉતાવળ નથી." મે એને એ નોટો આવતા વર્ષે જ આપવાનો નિર્ધાર કર્યો છે. જોકે મોદીસાહેબના નિર્ણય સામે સૌથી મોટો બળાપો એટીએમ મશીનો કાઢશે. કારણ કે હવે ૫૦૦ રુપિયા આપવા એકને બદલે પાંચ નોટો ગણવી પડશે. અમેરિકન રાષ્ટ્રપતિના ઉમેદવારોને એમ હતું કે આવનારા દિવસોમાં અમે દુનિયામાં છવાયેલા રહીશું તો મોદી સાહેબે બધાને કહ્યું કે બકા થોડી હવા આવવા દે.


હવે પેપરમાં જાહેરાતો આવશે.
નવી જાહેરાત-નોટ બદલાવવા માટે માણસ જોઇએ છે.જરુરી લાયકાત- આધારકાર્ડ, પાનકાર્ડ ધારક હોવો જોઇએ. બેન્કમાં લાઈનમાં ઉભા રહેવાની શારીરિક ક્ષમતા અને પુરતી નવરાશ હોવી જોઇએ.
બેન્કવાળા કટાણું કરે તો સહન કરવાની સહનશક્તિ હોવી જોઇએ.પગાર-લાખ રુપિયે ૫૦૦/- મળશે.


મારુ મન થાય કે આજે જ ફોરેન ટ્રીપ મારી આવુ.મેક માઈ ટ્રીપ વાળાની હોટેલોમાં રહીને કેશ ઓન ચેક આઉટમાં કેશ ૫૦૦ કે ૧૦૦૦ની નોટો આપું. આઈસ્ક્રીમ ખાવા ફેમીલી સાથે જાઉં  અને રાજભોગ નો ભોગ લીધા બાદ ૫૦૦ની નોટ પકડાવું. અને પેલો લેવાની ના પાડે તો કહું ખાતે લખી દેજે. પેટ્રોલ પંપ પર ૧૦૦૦નું પેટ્રોલ ભરાવી ૧૦૦૦ની નોટ આપું. હવે ગણપતિ નવરાત્રિમાં ફાળો ૨૦૦૧ મંગાશે. પાવૈયા પણ એટલી જ રકમ આશીર્વાદ આપવા માંગશે. લગ્નોમાં દહેજ માંગનારાઓની હાલત કફોડી થશે કારણ કે ૫૦૦ અને ૨૦૦૦ની નવી નોટોમાં ટ્રેકિંગ સિસ્ટમ છે. કોઇ પેમેન્ટ લઈ જાય અને જો બોલે પેમેન્ટ મળ્યું નથી તો ટ્રેકિંગ વડે એ પણ પકડાશે. આંગડિયાઓનું કામ સરળ થશે. અરે ઘરમાં કોઇ ચોરી કરે તો એનો ચોર પણ પકડાશે. એટલે ઘણી કામવાળી બાઈઓના પેટે પણ લાત મારી મોદી સાહેબે. નવાઈની વાત તો એ છે કે હજી તો મોદી સાહેબે જાહેરાત કરી કે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો આજથી રદબાતલ તો ઘણા પુછવા બેઠા કે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો રદબાતલ થઈ તો આ બાબતે તમારું શું માનવું છે ? અરે નવરીના માનવું એટલું જ છે કે દેશ માટે આ જરુરી હતું. અને એ જ કર્યું.

એક વાતની અંહિ ગંભીર નોંધ લેજો. ભારતના અધિકાંશ લોકોની ઝિંદગી લાઈન મારવામાં અને લાઈનમાં રહેવામાં જ વીતતી હોય છે. પહેલા આધારકાર્ડ, પછી વોટિંગ કાર્ડ, પછી પાસપોર્ટ, જનધન યોજના, બેન્ક, વોટ આપવા માટેની લાઈન, હોસ્પિટલોમાં લાઈન અને  હવે રુપિયા બદલાવવાની લાઈન.

ચચરાટ-કોઇ પણ સરકારી અધિકારી માટે ચેતવણી કે નવી નોટો લાંચ રુપે લેવી નહિ. નહિતર હવે તો ફિંગર પ્રિન્ટની પણ જરુર નહિ પડે બસ ટ્રેકિંગથી જ પકડાય જવાની સંભાવના રહેલી છે.


Thursday, September 15, 2016

રોંગ સાઈડ રાજુ અને અલી..!

બે ફિલ્મોના ટ્રેલર જોયા ત્યારથી જ મન હતું કે આ બન્ને ફિલ્મો તો જોવી જ રહી અને બન્ને જોઇ પણ નાંખી પણ બન્ને ફિલ્મોને જોતી વખતે એક જ વસ્તુ ફિલ થઈ કે ભાઈ હવે આ પિક્ચર પતે તો સારુ કે કંઈ સરપ્રાઈઝ આપે તો સારું. હરખપદુડા થઈને નવાજુદ્દીન સિદ્દિકીને વધાવવા માટે પહેલા ફ્રીકી અલી જોવાનું નક્કી કરીને અંકે ૧૦૦ રુપિયા ખર્ચી રવિવારની સવાર બગાડીને ફિલ્મ જોવા ગયા. તો માલૂમ પડ્યુ કે સોહેલ ખાને કાસ્ટિંગ ડિરેકટરને જ સીલેક્ટ કરવામાં થાપ ખાધી હતી. અને પછી બે ચાર પાત્રોને બાદ કરતા બાકીના મોટાભાગના પાત્રો નબળા પુરવાર થયા. કારણ કે કાસ્ટિંગ ડિરેકટરે કાસ્ટિંગમાં જ ગોથાં ખાધા છે. પેલા રાણી બનેલા આંટી  સાથેનો પહેલો સીન જ કાસ્ટિંગ ડિરેકટરની ભુલો બતાવવાનું શરુ કરે છે.  કેટલાક સીન જોઇને તો વારેવારે એમ થાય કે આવી મોટી ગોલ્ફની ટુર્નામેન્ટ અને એને જોવા માત્ર પચ્ચીસ પચાસ માણસો જ તાળીઓ પાડવા આવે ? સૈરાટમાં એક ક્રિકેટની ટુર્નામેન્ટ જોવા બસ્સો ત્રણસો જણા તો અમથા અમથા પણ સીનમાં દેખાય છે. ફ્રિકી અલીમાં ત્રણ જ જણને પગાર બરાબર મળ્યો છે અને તેઓ એ સરખો ન્યાય કર્યો છે. એક નવાજુદ્દિન સિદ્દિકી, બીજા હતા કેડી બનેલા આસિફ બસરા જેઓએ રોંગ સાઈડ રાજુ નામની ગુજરાતી ફિલ્મમાં મુખ્ય ભુમિકા ભજવી છે. અને ત્રીજો ડાયલોગ રાઈટર. ઘણા ડાયલોગ આપણને નવાજુદ્દિનની આગવી અદાને લીધે ગલગલિયા કરાવી જાય છે. બાકી અરબાઝે હવે એકટિંગ છોડી માત્ર ફિલ્મ નિર્માણ તરફ જ ફોકસ કરવું જોઇએ એવું અનુભવાય છે. ફિલ્મ જોતા જોતા એમ થાય છે કે અરબાઝની એકલતા અને બેકારી માટે થઈને અમારો ભોગ કેમ લો છો યાર ? એટલે ફ્રિકી અલી જોવા માટૅ સાવ નવરા હોવ અને સારી બધી સારી ફિલ્મો જોઇ નાંખી હોય અને તમારે ડ્રિસ્ટ્રેક્ટ જ થવું હોય અથવા બે ત્રણ કલાક પસાર કરવા હોય અને એસીવાળા થિયેટરમાં ઊંઘાવું હોય તો અને તો જ આ ફિલ્મ જોવી બાકી તો દુરથી પ્રણામ કરી દેવી. 

આ લેખનું ટાઈટલ બે ફિલ્મોના ટાઈટલથી બનાવ્યું છે એટલે બીજી ફિલ્મની પણ વાત કરી લઈએ. ફ્રિકી અલી પુરી થઈ તો મિત્ર રોનક બોલ્યો આના કરતા રોંગ સાઈડ રાજુ જોઇ હોત તો સારું થાત. અને સારું થશે એવું ધારીને જ રોંગ સાઈડ રાજુ જોવા ગયો તો એમાં ફિલ્મની સ્પીડ જોઇ ડિરેક્ટરને કહેવાનું મન થાય કે ભાઈ થોડી સ્પીડ વધારને. કેવી રીતે જઈશ અને બે યાર જેવી સફળ અને ઉત્તમ ફિલ્મો આપનારા અભિષેકની ફિલ્મોમાં જોવા મળે છે એવા લોકલ ઉચ્ચારણો, નામો, કહેવતો, આમાં જોવા નથી મળતા. અરે કેવી રીતે જઈશ અને બે યાર માં આંખો ભીની કરનારા તો ગલગલિયા કરાવનારા ઘણા સીન હતા પણ રોંગ સાઈડ રાજુમાં તો એનો પુરેપુરો અભાવ છે. એક પણ સીન જોઇ આંખે ઝળઝળિયા આવતા જ નથી. અને ગલગલિયા તો પરાણે આવતા હોય એમ લાગે છે. અને ઘણા મુદ્દે તો ડિરેક્ટર સહિત બધા જ થાપ ખાતા હોય એવું અનુભવાય છે.  એક બુટલેગર પકડાય તો એની પોલીસમાં ઓળખાણ જ ન હોય તે કેવી રીતે બની શકે ? હપ્તો આપ્યા વગર કોઇ બુટલેગર એનું કામ જ ન કરી શકે એ વાત તો જગજાહેર છે. અને પોલીસ ત્રણ બાટલી લઈને પકડાયેલા એક બુટલેગર પાસે ૨૦ લાખ રુપિયા પતાવટ માટે માંગે તે પણ કેવી વાત ? અને આવા બુટલેગરનો કોઇ કાયમી વકીલ પણ ન હોય તે પણ વાત ગળે ઉતરતી નથી. એક જરા સરખા ઝટકા ગાડીમાં અનુભવતો તગડો અમીરજાદો મરી કેવી રીતે જઈ શકે  ? જે માણસ પોતાની ધાકથી પોતાના આવનારા પ્રોજેકટ સાથે જોડાનારાઓને કોન્ટ્રાક્ટ પર સાઈન કરવા મજબુર કરી શકે એ જ વ્યક્તિ કેવી રીતે કશું કર્યા વગર ખાલી ખાલી હાથ પગ મારીને બેસી રહી શકે ?  ફેસબુક પર  ઘણા લોકોના આ ફિલ્મના વખાણવાળા વિડીયો જોવા મળ્યા જેમાં ઘણા લોકોએ ખોટે ખોટા વખાણ કર્યા છે એવું રોંગ સાઈડ રાજુ ફિલ્મ જોયા બાદ ફલિત થાય છે. અરે હાઈકોર્ટના કોર્ટરુમનો સીન તો એવો હતો જાણે માર્કેટમાં કોઇ ઝઘડો થયો અને એમાં સામ સામી દલીલો કરીને ત્યાં જ ફેંસલો આણવાનો હતો. વિડીયો જોવા બાબતે જ્યારે વકીલો લડે છે ત્યારે એમ થાય કે સ્ટોરી લખનારને એ બાબતનો સહેજે ખ્યાલ નહિ હોય કે આવા હાઈ પ્રોફાઈલ કેસમાં અગત્યની લાગતી દરેક વસ્તુ કોર્ટમાં જોવી કે ન જોવી તે જજ પોતે નક્કી કરે છે એના માટે કોઇ દી આનાકાની કરી જ ન શકાય. ગજની, તારે ઝમીં પર જેવા ટાઈટલ મુકીને પ્રેક્ષકોને હસાવવાનો નિરર્થક પ્રયાસ થતો માલૂમ પડે છે. જ્યારે રાજુના વકીલ બનેલા હેતલ પુણીવાલા એ સીનનાં અંતે ઇમોશનલ થાય છે  ત્યારે એમ થાય કે લે આ તો પાણીમાં વઘાર કરવા બેઠા. અને એન્ડ જોઇને એવું ફિલ થાય જાણે ફિલ્મ પ્રોડકશનના બધા ટિમ મેમ્બર ડિરેક્ટરને ધીમી રફતારથી કંટાળીને કહેતા હોય કે ભાઈ ફિલ્મ પુરી કરોને. અને ડિરેક્ટર ફ્ટ્ટાક દઈને ફિલ્મ પુરી કરી નાંખે છે. 

મુદ્દો એ જ કે આ ફિલ્મનું પિષ્ટપિંજણ કરવાનું મન એટલા માટે થાય છે કારણ કે આ ફિલ્મ પાસેથી માફકસરની અપેક્ષા હતી.  જેમ 'બે યાર' અને 'કેવી રીતે જઈશ ' ફિલ્મોના ખોબલે ખોબલે સાચાં વખાણ કર્યા હતા કારણ કે એ વખાણને લાયક હતી અને લોકોને સામેથી એ ફિલ્મો એક્વાર જોવાની રેડિયો થકી, સોશ્યલ મીડીયા થકી અથવા અંગત રીતે રુબરુમાં  સલાહો આપી હતી. તેવી રીતે રોંગ સાઈડ રાજુ માટે કહેવાનો જીવ ચાલતો નથી. 

ચચરાટ ઃ માન્યું ફિલ્મ બનાવવું એ બહુ જ અઘરું કામ છે. અને એ માટે રાત દિવસની મહેનત લાગતી હોય છે. પણ એ જ ફિલ્મને જોવા માટે ખર્ચાતા અમારા ૧૦૦ રુપિયા કમાવા માટે અને એ સો રુપિયાની ટિકિટ એડવાન્સમાં મેળવી લેવા માટે બે વાર થિયેટર પર આંટો મારવાની મહેનત કરવી પડતી હોય છે.  જે આ કળયુગમાં બહુ મોટી વાત છે. 

Tuesday, September 13, 2016

વિદેશ ફરવા જ જવાય સેટલ થવા કોઇ કાળે નહિ..

એક અખબારી અહેવાલ વાંચીને હિન્દી ફિલ્મ જગતનું એક ગીત ગણગણવાનું મન થાય છે કે યે તો હોના હી થા. ન્યુઝીલેન્ડમાં હાલમાં ૧૫૦થી વધારે વિધાર્થીઓને એટલા માટે દેશ છોડવાનો આદેશ અપાયો છે કારણ કે તેમણે વિઝા મેળવવા માટે નકલી ડોક્યુમેન્ટસનો સહારો લીધો હતો. આ માટૅ ન્યુઝીલેન્ડની સરકાર માટૅ એટલું જ કહી શકાય કે રાંડ્યા પછીનું આ ડહાપણ છે. કારણ કે જે વિધાર્થીઓએ ૧૪ લાખથી વધુની રકમ ખર્ચી અને જે દેશને પરોક્ષ રીતે પોષ્યો એણે જ્યારે સ્ટડી પુરી થવા આવી ત્યારે વિધાર્થીઓને નકલી ડોક્યુમેન્ટ માટે થઈને ડિપોર્ટ કરવાની સજા ફટકારી છે. વિધાર્થીઓ પર નભતા દેશોમાં ન્યુઝીલેન્ડ મોખરે હશે. કારણ કે એક વિધાર્થી ઓછામાં ઓછા ૧૦ થી ૧૫ લાખ લઈને દેશમાં પ્રવેશે છે. અને વાર્ષિક ૮૦ હજારથી વધુ વિધાર્થીઓ ન્યુઝીલેન્ડમાં ભણતરના નામે પ્રવેશ લે છે. અને વિધાર્થીઓ એ ભરેલા ફિસના રુપિયા પણ પ્રાઈવૅટ કોલેજો પાસે સીધા નથી જતાં પણ સરકાર પોતાની પાસે રાખી દર મહિને કોલેજોને હપ્તા પ્રમાણે ચુકવે છે. જુના જમાનામાં ભારતમાંથી મજુરોને પોતાના શાસિત પ્રદેશમાં લઈ જઈ અંગ્રેજો મજુરી કરાવતા. અને એવી જ પ્રથા આજે પણ યથાવત છે. બસ ફરક એટલો છે સસ્તા મજુરો આજે સ્વેચ્છાએ વિદેશોમાં મજુરી માટૅ સામેથી રુપિયા આપીને જાય છે.  પોતાના દિકરા-દિકરીને હોંશે હોંશે વિદેશ ભણવા અને સેટલ કરવા મોકલતા માતા-પિતાઓ કેટલીક વાસ્તિવક્તાઓને ધ્યાને રાખીને એમને વિદેશ ભણવા મોકલે.

ન્યુઝીલેન્ડ જશો એટલે જોબ મળી જશે.
આ માટે એટલું જ કહેવાનું કે આ એક નકરું જુઠાણું છે. ત્યાં કોઇ કાળે નોકરી લઈને કોઇ બેઠું હોતું નથી. ત્યાં તમારા ગમે તેટલા સગા હશે પણ જોબ મેળવવા તમારે રીતસર કરગરવાની નોબત આવતી હોય છે. ઓળખીતાઓ તો દુઃખતા પર ડામ દેતા હોય તેમ સુફિયાણી સલાહ આપવા સિવાય કોઇ કામ કરતા નથી. ( એ બાબતે હું નસીબદાર હતો ) અને નોકરી- કામ મળે તો એમાં ક્લીનીંગના, મજુરીના, કુરિયર વાળાના, ખેતરોમાં મજુરી કરવાના, પિત્ઝા કે બર્ગરની દુકાને કે પેટ્રોલ પમ્પ પર તમારી નોકરી લાગે. અને આમાં પણ જ્યારે ભારતીયોની વાત આવે તો શોષણ કરવામાં એ લોકોના કિસ્સા તો જગજાહેર છે. નાની ઉંમરે ન્યુઝીલેન્ડ પંહોચીને સીક્યુરીટી કે કુરિયર બોક્ષ ઉંચકવાના કામો કરતા ટાબરિયા તમને ન્યુઝીલેન્ડના નીતિ નિયમો એવી રીતે શીખવે કે જાણે તમે તો જીવનમાં માત્ર જખ જ મરાવી છે.  તમારા સંતાનને જો તમે રુપિયા પૈસા વગર મોક્લ્યા હશે તો એનું આવી બનશે. કારણ કે પાઈ પાઈનો હિસાબ રાખતા મોટાભાગના ચીકણા ભારતીયો તમારા સંતાનને ક્યારે ઘરમાંથી નીકળી જવા કહી દે તેનું કંઈ ઠેકાણું નહિ. બે નાના બેડરુમના એપાર્ટમેન્ટમાં સાત થી આઠ જણા એટલા માટે ગોંધાયને જીવે છે કે જેથી ડોલર બચે. અને મુંબઈની ચાલ સિસ્ટમ યાદ અપાવે. 

ન્યુઝીલેન્ડમાં પી આર સરળતાથી મળૅ છે. 
સુરતીમાં કહું તો 'કંટોલા'.તદન જુઠાણું. ન્યુઝીલેન્ડમાં તમને પી આર તો જ સરળતાથી મળે જો તમને કોઇ ત્યાંનો વ્યવસાયી સરકાર સમક્ષ તમારી હાજરીની અનિવાર્યતા સાબિત કરે કે આ વ્યકિતની અમને ખુબ જ ગરજ છે અને એના વિના ચાલે એમ નથી. અથવા તમે ત્યાંના નાગરિક જોડે પરણી જાવ.  પી આર મેળવવા માટે વિધાર્થીઓ જે હિસાબે સંઘર્ષ કરે છે અને શોષણનો ભોગ બને છે તે હકીકતોના કિસ્સા પણ જાણવા જેવા છે. આઈ ટી, મેડિકલ એ સિવાયના વિષયવાળા ખાસ કરીને બિઝનેસ કોર્ષ લેનારા વિધાર્થીઓ માટે તો ન્યુઝીલેન્ડ એ શોષણનું કેન્દ્ર છે. જેમકે એક વિધાર્થી લેવલ ૫ ના બિઝનેસ કોર્ષમાં એડમિશન લે છે. અને એને અઠવાડિયે માત્ર ૨૦ કલાક જ કામ કરવાની પરવાનગી ઇમીગ્રેશન વિભાગ આપે છે. ત્યાર બાદ એને એક વર્ષના જોબ સર્ચ વિઝા મળૅ છે. જેમાં એણે એકાદ એવા એમપ્લોયીને શોધવાનું હોય છે જે એને વર્ક વિઝા માટૅ સપોર્ટ કરે જે મળવું લગભગ મુશ્કેલ છે. એટલે વિધાર્થી એક વર્ષમાં મજુરી કરી જે રકમ ભેગી કરે છે. પણ વિઝા સપોર્ટ ન મળતા તે ન્યુઝીલેન્ડમાં ટકી રહેવા ફરી લેવલ -૬ ના કોર્ષમાં એડમીશન લે છે અને કમાયેલા રુપિયા એમાં ખર્ચે છે. અને ફરી અઠવાડિયે ૨૦ કલાકની મર્યાદામાં જોબ કરવા બંધાય છે. એટલે ભેગી કરેલી મુડી ફરી ખર્ચાય છે. કારણ કે ન્યુઝીલેન્ડમાં એક મહિનાનો ખર્ચ જ ૭૦૦ થી ૮૦૦ ડોલરનો થાય છે. અને આ ક્રમ લેવલ ૭ સુધી ચાલે છે. અને અંતે વિધાર્થી દેશ પરત થાય છે. 
વિઝા અને પી આર મેળવવા ત્યાંની નાગરિક હોય તેવી છોકરીઓ સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેવાના, અરે ઉંમર લાયક સ્ત્રીઓ સાથે પરણવાના કિસ્સા પણ સાંભળવા મળે છે. અને ઘણા તો લગ્ન પણ કરી લેતા હોય છે. 

 ન્યુઝીલેન્ડ્માં લાઈફ સેટ થઈ જશે.
કોઇ કાળે લાઈફ સેટ થતી જ નથી. એને સેટ થતા થતા સહેજે ૧૫ થી ૨૦ વર્ષ લાગી જાય છે. ઘણા બધાને વિઝાના ચક્કરમાં માતા-પિતાના અંતિમ સંસ્કાર ચુકી જવાના, લગ્નભંગના કિસ્સા કહેતા સાંભળ્યા છે. વાતે વાતે જાહેરમાં  નૈતિકતાના બણગા ફુંકતા લોકો જ અનૈતિક રીતે સેટલ થવાના કિમીયા શોધતા અને બતાવતા હોય છે. ભગવાનની ભક્તિના યોજાતા કાર્યક્ર્મોમાં પણ લોકો એટલા માટે જાય છે જેથી કોઇ જોબ અપાવી દે. જીવનનાં શરુઆતના વર્ષો વર્ક વિઝા અને પી આર મેળવવામાં જતા રહે છે અને પી આર મળ્યા બાદ રાહત શું ? તો મેડિકલ ફ્રી , બાળકો માટે એજ્યુકેશન ફ્રી. પણ એની સામે ભોગ શાનો શાનો લેવાયો ?
માતા-પિતા નાદુરસ્ત હોય તો તેવા સમયે ફેસબુક પર બેસીને રોદણાં રોવાના કે " હું તારી સાથે નથી પણ હું હંમેશા તારી પડખે જ છું." ભારતમાં બાળપણના મિત્રો,સ્કુલ-કોલેજના મિત્રો, ઓફિસના સહકર્મચારીઓના જીવનમાં આવતી ખુશીઓને માત્ર ફેસબુક પર લાઈક કરીને ખુશ થતા રહેવું. 

સસ્તી મજુરી મેળવવા માટે જ ન્યુઝીલેન્ડ બિઝનેસના વિધાર્થીઓને સરળતાથી વિઝા આપે છે.
ન્યુઝીલેન્ડની સરકાર જાણે છે કે ભારતીયો ગમે તે ભોગે કામ કરવા રાજી થશે. એટલે ૧૫ ડોલર પ્રતિ કલાકને બદલે જો ભારતીયોને ૨ ડોલર પણ મળશે તો તેઓ કામ કરશે. અને એવા ઘણા કિસ્સા પકડાયા છે. સાથે જ ખેતરોમાં કેશ કામ કરવા પણ મજુરો તરીકે ભારતીયો તૈયાર રહે છે. નિયમ મુજબ ૨૦ કલાક અઠવાડિયે કામ કરી શક્તા વિધાર્થીઓ નિયમ વિરુધ્ધ જઈ કેશમાં કામ કરતા જોવા મળે છે. બિઝનેસ કોર્ષ પર એડમિશન લેનાર વિધાર્થીને ન્યુઝીલેન્ડમાં વર્ક વિઝા મૅળવવા મેનેજરની પોસ્ટ જ ઓફર થવી જોઇએ અને તે પણ એવી કે જેમાં પ્રોડક્ટનો ભાવ નક્કી કરવાનો એને અધિકાર હોય. અને એવી પોસ્ટ મળવી લગભગ મુશ્કેલ. વળી કેટલાક વિસ્તારો તો એવા વસાહતીઓ માટે પ્રખ્યાત કે જેઓ પાસે વેલીડ વિઝા જ નથી. પણ બસ  ત્યાં એક ગુમનામ જીવન જીવી રહ્યા છે. અને જે દી પકડાય તે દિવસે સીધા ડિપોર્ટ કરવાની સજા ભોગવીને ભારત પરત આવે છે. 

એક સિસ્ટમ તો એવી છે જેમાં કેટલાક ભારતીયો એવી સ્કીમ ચલાવે છે કે જેમાં તમારે એમને એક તગડી રકમ આપવાની હોય છે અને તેના બદલે તેઓ તમને પી આર મેળવવામાં સપોર્ટ કરતા હોય છે.એટલે પી આર અપાવવો એ પણ એક તગડો બિઝ્નેસ છે.  

અને આ વાર્તા માત્ર ન્યુઝીલેન્ડની જ નહિ પણ મોટાભાગના એ દેશોની છે જેમણે સ્ટુડન્ટ વિઝા નામની હાટડીઓ ખોલી રાખી છે. છાશવારે ભારતીયોને ત્યાંના નાગરિકો ભાંડતા હોય છે. પોલીસનો સહયોગ નાગરિકો પ્રત્યે વધુ જોવા મળે. સાંજે ૬ વાગ્યા પછી સબર્બ વિસ્તારોમાં ન નીકળવાની સલાહ તમામ લોકોને હોંશે હોંશે અપાય છે. કારણ કે ત્યાં તમને કોઇ પણ લુંટી શકે. યુવાનો લુંટારા બની સીસીટીવી કેમેરા સામે તમને લુંટીને જઈ શકે પણ સજા રુપે એમને સામાજીક કાર્યો કરવાની સજા ત્યાંની યુથ કોર્ટ આપે છે.૧૪ થી ૧૫ લાખની જે રક્મ વિધાર્થીએ ભરી હોય એમાં એક થી બે લાખનું કમીશન તો માત્ર તમારો વિઝા એજન્ટ જ કોલેજ સાથેના જોડાણ થકી ચાંઉ કરી જાય છે. 

વધુ આવતા અઠવાડિયે...!

Tuesday, August 23, 2016

કેટલીક ભણેલી પણ અભણ જેવી અને કેટલી્ક અભણ પણ ભણેલી માતાઓ માટૅ.

શીર્ષક વાંચીને ઘણાને ચચરાટ થયો હશે પણ બોસ મારો માતૃપ્રેમ જગજાહેર છે. મને મારી માતા દુનિયામાં સૌથી વધુ વ્હાલી છે. અને આ શીર્ષક મારા ઘરની મહિલાઓને પણ લાગુ પડે જ છે. જો કે દિવા તળે અંધારુ હોય અને શેઠની શિખામણ ઝાંપા સુધી હોય એ કહેવત અનુસાર મારા ઘરમાં પણ મારા ઘરની મહિલાઓ નિયમ મુજબ જીવવાની વાતો ભુલી જાય છે.  એ લોકોની પણ કોઇ પારકી માતા બને અને એમના કાન વીંધે એવી પ્રભુને પ્રાર્થના કરુ છું. અને હું પણ આવી જ માતાઓના કાન વીંધવા આ લેખ લખી રહ્યો છું. 

સામાન્ય રીતે ભારતમાં ઇમાનદાર હોવું એ મુર્ખામીની નિશાની છે. કોઇ વ્યક્તિ નિયમ મુજબ ચાલે અથવા નિયમની વાત કરે છે કે તરત એને હડકાયેલા કુતરાની જેમ અનિયમિત અને અનિયંત્રિત લોકો કરડવા દોડતા હોય છે. મતલબ રીતભાત કોઇએ શીખવા મથવું જ નથી અને જે રીતભાતથી ચાલે છે એને પણ અસભ્ય બનાવવા મથે છે. છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ જગાએ ફરવા જવાનું થયું અને ત્યાં આગળ આપણી અસભ્યતા અને અસંસ્કૃતિ જોઇને દંભી ભારત માટેની વાત પૂરવાર થાય છે. બીલપુડી પાસે આવેલા જોડીયા ધોધની મુલાકાત લેવા ગયા તો ત્યાં ઠેર ઠેર વેફર્સના પેકેટ, પાણીની બોટલોનો પ્લાસ્ટિકનો કચરો અને કચરા જેવા માનસિકતા વાળા દેખાયા. ત્યાં જ શરાબની વ્યવસ્થા પણ જોઇ ( શરાબ પીવે એનો મને વાંધો નથી પણ એ પીતા પીતા વેફરના પેકેટ ત્યા રઝળતા મુકે મને એનો સખત વાંધો છે.) અને કેટલાક લોકોને પ્રકૃતિની ઘોર મશ્કરી કરતા પણ જોયા.  એવું જ કંઈક સુરતનાં ગોપીતળાવમાં પણ અનુભવાયું જ્યા આવેલા ચતુષ્મુખી વાવમાં વેફરનું રેપર,પ્લાસ્ટિકની થેલી એ બધું પડેલું જોયું. ફુવારામાં કોઇએ પ્રવેશવું નહિ એવી સુચનાઓ પણ જોઇ અને ગમે તેમ થુંકવું નહિ એના બોર્ડ પણ જોયા. અને તોયે  અમારી જ આગળ ચાલતા એક પરિવારના બાળકે ભુંગળાનું  પ્લાસ્ટિકનું પેકેટ રસ્તામાં પધરાવ્યું.  સ્વચ્છતા એ તો આપણો માનવીય ગુણધર્મ છે જે આપણા કરતા પશુઓ વધારે સારી રીતે પાળે છે અને એ તો જન્મજાત આવડવું જ જોઇએ.

આ ગુણધર્મ શીખવવાની ત્રેવડ મનુષ્ય જાતિમાં એક જ વ્યકિતના હાથમાં પ્રાથમિક કક્ષાએ  હોય છે અને તે વ્યક્તિ એટલે માતા. માતા જ બાળકને જમતા, ચાલતા બોલતા શીખવવામાં મહત્વની ભુમિકા ભજવે છે. અને બાળક ત્યાંથી જ સ્વચ્છતાના પાઠ પણ શીખે છે.  જ્યારે આપણે ત્યાં ગંદકી અને અસ્વચ્છતાનું પ્રમાણ જોઇએ છીએ તો એમ થાય છે કે જેને ઇશ્વર ગણીને આપણે પૂજા કરીએ છીએ એ માતાઓ તો સ્વચ્છતાની કેળવણી આપવામાં ઉણી ઉતરી છે. અનુભવ અને નિરીક્ષણથી કહું છુ કે આ બાબતે મોટાભાગની ભણેલી લાગતી માતાઓ જ નાપાસ થતી જોવા મળે છે. બસ, ટ્રેન કે રિક્ષામાંથી કચરો બહાર ફેંકવાની કેળવણી માતા જ બાળકને પરોક્ષ રીતે આપે છે. અને એ જ પરંપરા બાળક આગળ ધપાવે છે.  અને એમાં જો કોઇ માતાને ટોકીએ તો તે સણસણતો જવાબ બાળકની સામે જ નફ્ફટ બની આપે કે "તમે તમારું કામ કરોને. અમે અમારા બાળકોને ગમે તે શીખવીએ તમારા બાપનું શું જાય છે. "

એવી જ રીતે ઘણી માતાઓને બાળકોને લઈને રસ્તે ચાલતા જોઇએ છીએ જેમાં બાળક પૂરપાટ ઝડપે ચાલતા વાહનો બાજુ અને મમ્મીઓ અંદરના ભાગે ચાલતી હોય છે. અને આપણે એ માતાઓને  વિનમ્રતાપુર્વક કહીએ કે " બેન તમારા બાળકને અંદરની સાઈડ લઈ લો " તો જાણે કોઇ ઘોર પાપ કર્યુ હોય તેમ તેઓ આપણને જુએ છે અને ધરાર નફ્ફટાઈપુર્વક કોઇ પ્રકારનું પરિવર્તન કરતા નથી. અને બાળક રોડ સાઈડ જ રહે છે અને તે પોતે અંદરની સાઈડ જ ચાલે છે. બાળકોને શાળા કે ટ્યુશનથી છુટયા બાદ પીક  અપ કરવા જતી માતાઓ જ્યારે એક નાનું સર્કલ ફરવાને બદલે રોંગ સાઈડ ગાડી ચલાવી બાળકને ઘરે લઈ જતી જોવા મળે ત્યારે ઘણા પ્રશ્નો ઉભા થાય કે જે માતા પોતાના સંતાનને ખુદ રોંગ સાઈડ ચલાવતી હોય તે કેવી રીતે ભવિષ્યમાં પોતાના સંતાનના રોંગ સાઈડ ચાલવા સામે ફરિયાદ કરી શકે ? માતા ખુદ હેલ્મેટ નથી પહેરતી, ચાલુ ડ્રાયવિંગે ફોન પર વાત કરતી જોવા મળે, ઘણી તો બાળકો સાથે હોવા છતાં જાણે રેસ લગાવતી હોય તેમ ગાડી હંકારે અને એ માતાઓ આખરે બાળકને શું શીખવવા માંગે છે ? ટ્રેનમાં બાળકોને સીટ તોડવા છતાં ન અટકાવતી, સ્કુલ ઓટોમાં બાળકને ઓટો ડ્રાયવરની બાજુમાં બેસીને સ્કુલ જવા દેવી માતા એ ખરેખર માતા છે ? બાળક્ની સેફટી એની કાળજી અંહિ ક્યાં જાય છે? માતાનું રુપ વિશ્વમાં પ્રાણી જગતમાં સર્વોચ્ચ છે અને તે રહેશે પણ આવું શીખવતી માતાઓ માતૃત્વનું કયું પાત્ર ભજવી રહ્યા છે ? 
જે લોકો રસ્તે ગમે તેમ માવો ખાઈને થુંકે છે તેઓ કેમ ભુલી જાય છે કે તેઓ પોતાની માતાને એક ખરાબ શિક્ષક તરીકે ચીતરી રહ્યા છે. 

જો કોઇ છોકરો છોકરી જોવા જાય છે તો એણે છોકરીના સ્વચ્છતાના સંસ્કાર જાણવા એના ટોયલેટની અને રસોડાની સ્વચ્છતા અચુક તપાસવી જોઇએ એવી જ રીતે છોકરાને ત્યાં જાવ તો ત્યાં પણ બંને જગાઓ ખાસ ચેક કરવી જોઇએ જેથી કરીને છોકરાની મા ભેગા એના દિકરાની પણ સ્વચ્છતાની સુઝ લઈ શકાય. તમારા બાળકને ફાઈવસ્ટાર સ્કુલ કે કોલેજ્માં મોકલો તો એના પણ જાજરુ અને સ્વચ્છતાના ધારાધોરણોને જ પહેલા પ્રાથમિકતા આપવી જોઇએ. 

સ્વચ્છતા એ નાનો સુનો ગુણધર્મ નથી પણ એ માણસના સ્વચ્છ વ્યકિતત્વ અને ચરિત્રની નિશાની છે.
બાળકના વ્યકિતત્વમાં શું આપી રહ્યા છો ? એની કોઇને ફિકર કે તમા જ નથી. તમે રોંગ સાઈડ જાવ છો, નિયમો તોડો છો, બેબાકળા થઈને બધા કામો કરો છો, શરીરને સાચવતા નથી, બીમારીઓનો ભોગ બનો છો, લડો છો ,ઝઘડો છો અને અંતે મરો છો. શું કામનો એ વૈભવ જ્યાં તમારી ફાંદ નીકળી હોય અને તમારા વાળ ધોળા થઈ ચુક્યા હોય અને દાંતમાં પીળાશ હોય અને તમે બીએમડબ્લ્યુમાંથી ઉતરતા હોવ. વિચારો દોસ્ત વિચારો.   

ચચરાટ- મોટા ભાગની ભણેલી મમ્મીઓ કરતા મોટાભાગની અભણ માતાઓ સારી.