Sunday, March 19, 2017

કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના તેવી જ રીતે કરતા ભી દિવાના ઔર સહેતા ભી દિવાના.

આ પોસ્ટ સપ્રેમ એ લોકોને જેઓ

યોગી આદિનાથના સીએમ બનવાનો વિરોધ કરે છે પણ કાશ્મીરમાં ચાલતા ઉગ્રવાદ વિશે બોલવામાં સિફતપુર્વક કલ્ટી મારે છે અને મહેબુબા મુફતીનું રાજીનામું માંગતા નથી. જે લોકો ગૌવધનો વિરોધ તો કરે છે પણ ભારતના માંસનિકાસમાં નંબર વન બનવા પર કોઇ રીતે પ્રતિક્રિયા આપતા નથી.જે લોકો મીડીયામાં હાઈલાઈટ મળે એવા બનાવો-ઘટનાઓ પર પ્રતિક્રિયા આપે છે પણ જેમાં ખરેખર અન્યાય થયો છે એવા સાચુકલા કિસ્સાઓ પર મગનું નામ મરી નથી પાડતા. કોણે શું ખાવું પીવું પહેરવું ગાવું નાચવું એ બધુ નક્કી કરે છે પણ ખુદ એ બધામાં બધી છુટ લઈને દાદાગીરીપુર્વક વર્તે છે. શહેરમાં લોકો વડે થતી ગંદકીનો વિરોધ કરવાને બદલે જે તે ઐતિહાસિક ઇમારતમાં જઈ ઐતિહાસિક અરીસાઓ તોડે છે. પટનામાં કોઇ ઘટના બને છે અને વિરોધ રુપે સુરતમાં બસ સળગાવનારાઓ પણ આ જ ધરતી પરના લોકો જ છે.

કાશ્મીરમાં મહેબુબા મુફતીની સરકાર આવી અને ત્યાં તોફાનો વધ્યા.દેશ વિરોધી નારેબાજી અને પાકિસ્તાનના ગુણગાન ગવાયા. એક છોકરી ગીત ગાય છે તો મુલ્લાઓ ફતવાઓનો નવો રેકોર્ડ બનાવે છે. ખબર નહિ કવ્વાલી ગાવાની પ્રથા ક્યાંથી આવી છે ? રમઝાનના સમયે એક રિક્ષામાં ' નન્હે રોઝા ' નામની આવી જ સંગીતબધ્ધ રચના સાંભળી એક બાળક ની ઇબાદત સાંભળી ગદગદ થયેલો. ખ્વાજા મેરે ખવાજા સાંભળીને એ જ ભક્તિ જન્મે છે જે બાહુબલીનું કૈલાશ ખેરના અવાજમાં ગવાયેલું તાંડવ સાંભળીને જન્મે છે.

બીજી બાજુ એક જૈન મુનિ ઘટતી જતી વસ્તીનો હવાલો આપી પરધર્મી યુવકો જે-તે ધર્મની દિકરીઓને ભગાવી જતા હોવાનો આક્ષેપ કરે છે. તો પછી આપશ્રીઓએ જે શિક્ષણ-સંસ્કાર અને સમજ સમાજને આપ્યું એ બધુ જ એળૅ ગયું એવું સાબિત થાય છે.  એ માટે પરધર્મી કેવી રીતે જવાબદાર ? જે માલિકે આ દુનિયા બનાવી એને માણસની વસ્તી ઘટશે કે વધશે એની જોડે નિસ્બત નથી ( કારણ કે એ જ્યારે વિફરે છે ત્યારે એક સાથે લાખોને લઈ જાય છે.) તો આપણે બધા કોણ ? મુનિશ્રીને જત જણાવવાનું કે અમારા ઘરની સામે બંધાતા દેરાસરનું કામ રાતે દસ દસ વાગે  સુધી સ્ટોનકટર જેવા મશીનોથી ચાલતું તેને બંધ કરાવવા હાથ જોડીને વિનંતીઓ કર્યા બાદ પણ બંધ ન થતા પોલીસની  હેલ્પ લેવી પડતી હતી. સાંજે સુરજ ઢળતા તો પંખીઓનો પણ કલબલાટ બંધ થઈ જાય છે. તો દેરાસરના કામ રાતે દસ વાગ્ય સુધી ચાલુ રખાય એ પણ એ દલીલ સાથે કે અંહિ રહેનારા મોટાભાગના જૈનો છે એટલે કોઇ વિરોધ નહિ કરે. આ બધી બાબતોમાં સામાન્ય સમજ કેમ નહિ અપાતી હોય ? અંહિ કોઇના જીવનને કકળાવીને બંધાયેલ સ્થાનકનો પાયો કકળાટ પર રચાયેલો છે એવું નથી લાગતું ? આ દરેક ધર્મને લાગુ પડે છે જો તેઓ આ જ રીતે વર્તે છે.

જો કે હવે ઉત્તરપ્રદેશમાં પણ હવે કંઈક આવો નજારો હશે. સરકારી કામોમાં ભુલ કરી તો ક્ષમાયોગ કરવુ પડશે. એટલે હરિ ઓમ ચોરાહા પર એણે એક પગે પાયશ્ચિત કરવું પડશે.સરકારી નોકરી માટે ધક્કાયોગ કરવુ પડશે અને એક લાખ મંત્રજાપ કરવા પડશે. મોંઘવારી વધે તો રાજયના કલ્યાણ માટે ઉપવાસ કરવાના રહેશે.ખુદની સુરક્ષા માટે લાઠીયોગ કરવાનું રહેશે.પગાર વધારા માટૅ ગીતાશ્લોક પરીક્ષાની માર્કશીટ બીડવાની રહેશે.સરકારી કર્મચારીઓ હવે એમના સીનીયરને ગુડમોર્નિંગ સર નહિ કહે પણ ચરણસ્પર્શ કરીને હરિ ઓમ કહેશે. સરકારી નોકરીના ઇન્ટરવ્યુમાં ગીતા ઉપનિષદ વેદો કંઠસ્થ રાખવા પડશે.
કુદરતી આફતો વખતે મંત્રોચ્ચાર કરીને આફત નિવારણ કરાશે.
અને જો કોઇ વાત નહિ માને તો.............

હવે મૂળ મુદ્દાની વાત.
સુરત કે અન્ય શહેરોનું  ટ્રાફિક જે હિસાબે ચાલે છે એના જેવો ત્રાસવાદ બીજો કયો ? ( અને એ તમામ ધર્મી કે સંપ્રદાયના લોકો કરી રહ્યા છે. ) ત્રાસવાદી ઘટનાઓ કરતા તો વધારે મૃત્યુ લોકોનું માર્ગ અકસ્માતમાં થાય છે.  ધાર્મિક પ્રસંગો, ધાર્મિક સ્થળો અને ધાર્મિક કામના નામે લોકો ને અવાજ, ઘોંઘાટ, અને ટ્રાફિક જેવા ત્રાસ વેઠવો પડે છે એનું શું ? સાલું સ્વચ્છતા જેટલી માનવસહજ એક આદત તો પળાતી નથી, અરે  ચપ્પલ બુટ મુકવામાં પણ જે લોકોના ઠેકાણા નથી. જે લોકો ટ્રાફિકના નિયમો પાળતા નથી , બીજાની સગવડ વિચાર્યા વગર નફ્ફ્ટાઈથી જીવનારા એ લોકો જેવા છે જે રેલ્વે ટ્રેક પર મોર બની હાજત કરતા હોય છે અને જેમને એમ લાગે છે કે એમને કોઇ જોતું નથી. તેમ આ લોકોને એમ લાગે છે કે એ લોકો જે કરે છે એ લોકોને દેખાતું નથી. અને એ લોકો બધુ અજાણ્યામાં જ કરે છે.

દંભ આપણને વારસામાં મળેલો સંસ્કાર છે. અને આપણે દંભી રહેવા જ જન્મેલા છીએ.

ખરેખર આ દેશનું તો ભગવાન જ ભલું કરે. 

Saturday, January 14, 2017

શ્રી પારલેજી બિસ્કિટવાળા

આખી રાત નીંદર નહિ આવી. ટેન્શનના લીધે નહિ પણ લુઝ મોશનના લીધે. ઉત્તરાયણ દિલ (તલના લાડુ)થી તમે ઉજવો એનું ઉત્તમ ઉદાહરણ-પરિણામ છે. ઝાડા. પતંગ ચગાવવા કરતા લુંટવામાં અને લુટેલા પતંગો્ને વેચવાનો શાહુકારી ધંધો જ બાળપણમાં આવડતો એટલે કોઇ પતંગ કપાય તો એના કપાવાના હરખ કરતાં એને લુંટવા મુઠ્ઠી વાળીને દોડવાનું મન થઈ આવે. આજે જોઇએ તેટલા પંજા (પતંગ) ખરીદી લેવાની હેસિયત હોવા છતાં મારા ભીતરના બાળકને તો પતંગ લુંટવા દોડવાની તલપ જ વ્હાલી લાગે. આ બધાની વચ્ચે ઘરે સંતાડીને રાખવું પડે ( કારણ કે મારી જેમ જ બાળકો તરત જ સફાચટ કરી દે) એવું પારલે-જીનું પેકેટ વ્હારે આવ્યું. કહે, " ખા બકા ખા અને ભરી લે અપની હોજરી." એમ થાય કે આપણી ભેગું પારલે-જી પણ ક્યાં મોટું થયુ છે ? આપણને ચાર રુપિયા પેકેટૅ મળતું આજે પાંચ રુપિયે મળે છે. (જો કે " હમારે જમાને મેં એસા મિલતા થા" એવો ભીડે માસ્તર મને ના સમજતા કારણ કે હું હજી વર્તમાન જમાનાનો જ છું.) પારલે-જી બનાવનાર કંપનીને પણ આ પ્રોડકટ સાથે કેવી લાગણી હશે કે એમણે એવી સોંગદ લીધી હોય કે "ભલે ગામ આખામાં રો મટીરીયલ્સનો ભાવ વધે પણ આનો ભાવ કદી વધવા નહિ દઈએ." આજે પણ માંદગીમાં કોઇ પારલે-જી લઈને ખબર કાઢવા આવે તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય ભલેને સામે શબનમી અદાઓ સાથેના સફરજન હોય. નાનપણમાં માંદા પડતા તો વિચારતા કે ચાલો આ બહાને બધા આપણને કેટલી બધી પારલે-જીના પેકેટસ આપી જશે. એક પેકેટ પારલે-જી અને એક લોટો પાણી. પત્યું ! બાવન પકવાનોની મોજ એક પેકેટમાં મળી જાય. પારલે-જીનું પેકેટ હાથમાં હોય ત્યારે સામે ગબ્બર જેવા ડાયલોગ બોલતા બાળકો હોય, "દો બિસ્કિટ દે દે ઠાકુર " તો કોઇ નિરુપમા રોય બની કહેતા હોય કે "ભગવાન કે લિયે દો બિસ્કુટ મેરી ઝોલીમે ડાલ દો મે તુમ્હારા અહેસાન કભી નહિ ભુલુંગી " જેના નામમાં જ 'જી' લાગવાને કારણે રિસ્પેક્ટ ભારોભાર રહે છે તે પારલે-જી વાળી વાસી ઉતરાણની ફ્રેશ મોર્નિંગ બધાને મુબારક.
-સહુના મનનો મીત #પારલેજી