શીર્ષક વાંચીને ઘણાને ચચરાટ થયો હશે પણ બોસ મારો માતૃપ્રેમ જગજાહેર છે. મને મારી માતા દુનિયામાં સૌથી વધુ વ્હાલી છે. અને આ શીર્ષક મારા ઘરની મહિલાઓને પણ લાગુ પડે જ છે. જો કે દિવા તળે અંધારુ હોય અને શેઠની શિખામણ ઝાંપા સુધી હોય એ કહેવત અનુસાર મારા ઘરમાં પણ મારા ઘરની મહિલાઓ નિયમ મુજબ જીવવાની વાતો ભુલી જાય છે. એ લોકોની પણ કોઇ પારકી માતા બને અને એમના કાન વીંધે એવી પ્રભુને પ્રાર્થના કરુ છું. અને હું પણ આવી જ માતાઓના કાન વીંધવા આ લેખ લખી રહ્યો છું.
આ ગુણધર્મ શીખવવાની ત્રેવડ મનુષ્ય જાતિમાં એક જ વ્યકિતના હાથમાં પ્રાથમિક કક્ષાએ હોય છે અને તે વ્યક્તિ એટલે માતા. માતા જ બાળકને જમતા, ચાલતા બોલતા શીખવવામાં મહત્વની ભુમિકા ભજવે છે. અને બાળક ત્યાંથી જ સ્વચ્છતાના પાઠ પણ શીખે છે. જ્યારે આપણે ત્યાં ગંદકી અને અસ્વચ્છતાનું પ્રમાણ જોઇએ છીએ તો એમ થાય છે કે જેને ઇશ્વર ગણીને આપણે પૂજા કરીએ છીએ એ માતાઓ તો સ્વચ્છતાની કેળવણી આપવામાં ઉણી ઉતરી છે. અનુભવ અને નિરીક્ષણથી કહું છુ કે આ બાબતે મોટાભાગની ભણેલી લાગતી માતાઓ જ નાપાસ થતી જોવા મળે છે. બસ, ટ્રેન કે રિક્ષામાંથી કચરો બહાર ફેંકવાની કેળવણી માતા જ બાળકને પરોક્ષ રીતે આપે છે. અને એ જ પરંપરા બાળક આગળ ધપાવે છે. અને એમાં જો કોઇ માતાને ટોકીએ તો તે સણસણતો જવાબ બાળકની સામે જ નફ્ફટ બની આપે કે "તમે તમારું કામ કરોને. અમે અમારા બાળકોને ગમે તે શીખવીએ તમારા બાપનું શું જાય છે. "
એવી જ રીતે ઘણી માતાઓને બાળકોને લઈને રસ્તે ચાલતા જોઇએ છીએ જેમાં બાળક પૂરપાટ ઝડપે ચાલતા વાહનો બાજુ અને મમ્મીઓ અંદરના ભાગે ચાલતી હોય છે. અને આપણે એ માતાઓને વિનમ્રતાપુર્વક કહીએ કે " બેન તમારા બાળકને અંદરની સાઈડ લઈ લો " તો જાણે કોઇ ઘોર પાપ કર્યુ હોય તેમ તેઓ આપણને જુએ છે અને ધરાર નફ્ફટાઈપુર્વક કોઇ પ્રકારનું પરિવર્તન કરતા નથી. અને બાળક રોડ સાઈડ જ રહે છે અને તે પોતે અંદરની સાઈડ જ ચાલે છે. બાળકોને શાળા કે ટ્યુશનથી છુટયા બાદ પીક અપ કરવા જતી માતાઓ જ્યારે એક નાનું સર્કલ ફરવાને બદલે રોંગ સાઈડ ગાડી ચલાવી બાળકને ઘરે લઈ જતી જોવા મળે ત્યારે ઘણા પ્રશ્નો ઉભા થાય કે જે માતા પોતાના સંતાનને ખુદ રોંગ સાઈડ ચલાવતી હોય તે કેવી રીતે ભવિષ્યમાં પોતાના સંતાનના રોંગ સાઈડ ચાલવા સામે ફરિયાદ કરી શકે ? માતા ખુદ હેલ્મેટ નથી પહેરતી, ચાલુ ડ્રાયવિંગે ફોન પર વાત કરતી જોવા મળે, ઘણી તો બાળકો સાથે હોવા છતાં જાણે રેસ લગાવતી હોય તેમ ગાડી હંકારે અને એ માતાઓ આખરે બાળકને શું શીખવવા માંગે છે ? ટ્રેનમાં બાળકોને સીટ તોડવા છતાં ન અટકાવતી, સ્કુલ ઓટોમાં બાળકને ઓટો ડ્રાયવરની બાજુમાં બેસીને સ્કુલ જવા દેવી માતા એ ખરેખર માતા છે ? બાળક્ની સેફટી એની કાળજી અંહિ ક્યાં જાય છે? માતાનું રુપ વિશ્વમાં પ્રાણી જગતમાં સર્વોચ્ચ છે અને તે રહેશે પણ આવું શીખવતી માતાઓ માતૃત્વનું કયું પાત્ર ભજવી રહ્યા છે ?
જે લોકો રસ્તે ગમે તેમ માવો ખાઈને થુંકે છે તેઓ કેમ ભુલી જાય છે કે તેઓ પોતાની માતાને એક ખરાબ શિક્ષક તરીકે ચીતરી રહ્યા છે.
જો કોઇ છોકરો છોકરી જોવા જાય છે તો એણે છોકરીના સ્વચ્છતાના સંસ્કાર જાણવા એના ટોયલેટની અને રસોડાની સ્વચ્છતા અચુક તપાસવી જોઇએ એવી જ રીતે છોકરાને ત્યાં જાવ તો ત્યાં પણ બંને જગાઓ ખાસ ચેક કરવી જોઇએ જેથી કરીને છોકરાની મા ભેગા એના દિકરાની પણ સ્વચ્છતાની સુઝ લઈ શકાય. તમારા બાળકને ફાઈવસ્ટાર સ્કુલ કે કોલેજ્માં મોકલો તો એના પણ જાજરુ અને સ્વચ્છતાના ધારાધોરણોને જ પહેલા પ્રાથમિકતા આપવી જોઇએ.
સ્વચ્છતા એ નાનો સુનો ગુણધર્મ નથી પણ એ માણસના સ્વચ્છ વ્યકિતત્વ અને ચરિત્રની નિશાની છે.
બાળકના વ્યકિતત્વમાં શું આપી રહ્યા છો ? એની કોઇને ફિકર કે તમા જ નથી. તમે રોંગ સાઈડ જાવ છો, નિયમો તોડો છો, બેબાકળા થઈને બધા કામો કરો છો, શરીરને સાચવતા નથી, બીમારીઓનો ભોગ બનો છો, લડો છો ,ઝઘડો છો અને અંતે મરો છો. શું કામનો એ વૈભવ જ્યાં તમારી ફાંદ નીકળી હોય અને તમારા વાળ ધોળા થઈ ચુક્યા હોય અને દાંતમાં પીળાશ હોય અને તમે બીએમડબ્લ્યુમાંથી ઉતરતા હોવ. વિચારો દોસ્ત વિચારો.
ચચરાટ- મોટા ભાગની ભણેલી મમ્મીઓ કરતા મોટાભાગની અભણ માતાઓ સારી.